Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > તમે ક્યારેય ચાય કા દુશ્મનને મળ્યા છો?

તમે ક્યારેય ચાય કા દુશ્મનને મળ્યા છો?

Published : 17 January, 2026 02:42 PM | IST | Ahmedabad
Sanjay Goradia | sangofeedback@mid-day.com

અમદાવાદની બિસ્કિટ ગલી નામ જેને લીધે પડ્યું એ ૨૦૦ વર્ષ જૂની હુસેની બેકરીની એકેક વરાઇટી અફલાતૂન છે અને એમાં પણ અફલાતૂન નામનાં બિસ્કિટ એટલે તબિયત ખુશ ને દિલ રાજી-રાજી

તમે ક્યારેય ચાય કા દુશ્મનને મળ્યા છો?

તમે ક્યારેય ચાય કા દુશ્મનને મળ્યા છો?


ગુજરાતમાં નાટકની ટૂર હોય એટલે જે-જે સિટીમાં મારે જવાનું હોય ત્યાંની ફૂડ-વરાઇટીઓ હું શોધવામાં લાગી જાઉં. અમદાવાદમાં શો હતો એટલે હું સહેજ વિચારમાં પડ્યો કે આ વખતે કંઈક એવી વરાઇટી શોધીએ જેમાં સ્વાદ પણ હોય અને વાત પણ હોય.

પૂછપરછ શરૂ થઈ અને લાંબી શોધખોળ પછી મળી ગયો ‘ચાય કા દુશ્મન’. હા, સાચું વાંચ્યું તમે અને આ વખતે આપણી ડ્રાઇવમાં આપણે આ જ દુશ્મનને મળવાનું છે.



અમદાવાદ ત્રણ દરવાજાથી તમે સીધા જાઓ એટલે ભઠિયાર ગલી આવે. ભઠિયાર ગલી પાસે તમે કોઈને પણ બિસ્કિટ ગલીનું પૂછો એટલે તે તમને દેખાડી દે. આ બિસ્કિટ ગલી એ મ્યુનિસિપાિલટીએ આપેલું નામ નથી, લોકોએ પાડેલું નામ છે. આ જે ગલી છે એમાં હુસેની બેકરી છે. લગભગ બસો વર્ષથી એ ચાલે છે. હુસેની બેકરીની સક્સેસને જોઈને ધીમે-ધીમે ત્યાં બીજી બેકરીઓવાળા પણ આવ્યા અને સમય જતાં આખી ગલીમાં બેકરીવાળાઓ જ થઈ ગયા એટલે ગલીનું નામ પડી ગયું બિસ્કિટ ગલી. મજાની વાત એ છે કે બિસ્કિટ ગલીમાં અનેક બેકરી એવી છે જે સો-સવાસો વર્ષ જૂની છે, પણ આપણે વાત કરવાની છે હુસેની બેકરીની.


બિસ્કિટ ગલીમાં આવેલી હુસેની બેકરીની વરાઇટી માટે એવું કહેવાય છે કે એ બ્રિટિશરાજમાં પણ બહુ પૉપ્યુલર હતી અને સ્થાનિક અંગ્રેજો પણ સવારના નાસ્તામાં એ ખાતા. અત્યારે તો આ બેકરી હુસેનીભાઈની ત્રીજી પેઢી ચલાવે છે. 

હુસેની બેકરીમાં મળતાં અફલાતૂન બિસ્કિટ, કાજુ બિસ્કિટ અને રોગની ટોસ્ટની જબરદસ્ત ડિમાન્ડ રહે છે. અહીં મળતો ટોસ્ટ બે ઇંચ જાડો અને સાડાત્રણ ઇંચ જેટલો પહોળો છે. આ રોગની ટોસ્ટને જ ‘ચાય કા દુશ્મન’ નામ મળ્યું છે.


‘આવું નામ શું કામ?’
ક્યુરિયોસિટી સાથે મેં પૂછ્યું તો મને કહેવામાં આવ્યું કે ટોસ્ટ પર એક આખો કપ ચા રેડી દો, બધી ચા આ ટોસ્ટ શોષી લેશે. પ્લેટમાં એક ટીપું ચા રહેવા નહીં દે અને મિત્રો, એ જ સાચી રીત છે આ ટોસ્ટ ખાવાની. ટોસ્ટ પર તમે ચા રેડો એટલે ચા બધી ટોસ્ટમાં અને ટોસ્ટ એકદમ સૉફ્ટ. તમારે દાંતનો ઉપયોગ પણ નહીં કરવાનો, સડસડાટ ગળાની નીચે. જોકે આ પ્રયોગ મેં હોટેલ પર પાછા આવીને કર્યો હતો, પણ હુસેનીમાં મેં અફલાતૂન અને કાજુ બિસ્કિટ ટ્રાય કર્યાં તો ગરમાગરમ આવેલા પફનો પણ ટેસ્ટ કર્યો.

પફની વાત પહેલાં કરીએ. આ પફ તમે કેચપ કે સૉસ વિના લુખ્ખાં પણ ખાઈ શકો. બહારનું પડ એવું તે નરમ કે ગળે સહેજ પણ અટકે નહીં. પહેલાંના સમયમાં બટર પેપર આવતાં, એ બટર પેપરની જે થિકનેસ હતી એટલી પાતળી થિકનેસ આ પફના પડની હતી. અફલાતૂન બિસ્કિટમાં ડ્રાયફ્રૂટ્સ હોય છે તો કાજુ બિસ્કિટમાં કાજુ ભરપૂર વાપરવામાં આવે છે. બન્ને બિસ્કિટની ગળાશ એવી કે સહેજ પણ મોઢું ભાંગે નહીં. આ બિસ્કિટ ખાવાની એક વિશિષ્ટ સ્ટાઇલ છે. એ મોળા દૂધ સાથે ખાવાનાં. બિસ્કિટની મીઠાશ દૂધમાં એવી તે એકરસ થઈ જાય કે દૂધમાં ખાંડ નાખી ન હોય એવું લાગે જ નહીં.

આ સિવાય પણ હુસેની બેકરીમાં અનેક વરાઇટીમાં બિસ્કિટ મળે છે. મેં આ બે બિસ્કિટ, પફ અને ટોસ્ટ ટ્રાય કર્યાં. તમે બીજું કંઈ ટ્રાય કરો તો મને જાણ કરજો. નેક્સ્ટ ટાઇમ હું પણ એનો આસ્વાદ માણીશ.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2026 02:42 PM IST | Ahmedabad | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK