Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

સરગવાની સિંગ ખાધી કે નહીં?

Published : 27 April, 2026 01:51 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

વારંવાર અને અવારનવાર જેના હેલ્થ-બેનિફિટ્સ ચર્ચાયા છે એ સરગવાની સિંગ સાથે સંકળાયેલી ખાસમખાસ વાતો જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


APMC માર્કેટમાં સરગવાની સિંગની કિંમતમાં જોરદાર કડાકો થયો છે. જે સરગવાની સિંગનો ભાવ નવેમ્બરમાં ૩૦૦ રૂપિયે કિલો હતો એ એપ્રિલના બીજા અઠવાડિયામાં ૨૦ રૂપિયે કિલો મળતી થઈ હોવાનું અખબારી અહેવાલો કહે છે ત્યારે વારંવાર અને અવારનવાર જેના હેલ્થ-બેનિફિટ્સ ચર્ચાયા છે એ સરગવાની સિંગ સાથે સંકળાયેલી ખાસમખાસ વાતો જાણી લો..

આયુર્વેદની દૃષ્ટિએ સરગવાની સિંગ ખાવાની આ સીઝન નથી, પરંતુ નિષ્ણાતો થોડીક માત્રામાં તો અત્યારે પણ એને ખાઈ લેવાની સલાહ આપી રહ્યા છે. આજે જ્યારે સરગવાની સિંગ સસ્તી થઈ હોવાના ભણકારા સંભળાઈ રહ્યા છે અને મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં અત્યારે ખોબલે-ખોબલે સરગવાની સિંગ ઠલવાઈ રહી છે ત્યારે અનેક નેતા-અભિનેતા જેનાં પેટ ભરીને વખાણ કરી ચૂક્યાં છે એવી સરગવાની સિંગની દુનિયામાં એક લટાર મારીએ. એના હેલ્થ-બેનિફિટ્સ વિશે તો વાત કરીએ જ, સાથે એની સાથે સંકળાયેલી કેટલીક ઓછી જાણીતી અને આયુર્વેદમાં એની મહત્તા વિશે પણ ચર્ચા કરી લઈએ.



હિસ્ટરી પર એક નજર


કલ્પના કરો કે સરગવાની સિંગ કેટલી જૂની હશે? હજારો વર્ષ જૂની. સરગવાની સિંગ ભારતથી આખી દુનિયામાં ફેલાઈ છે. મોરિંગા ઓલિફેરે તરીકે બૉટનિકલ નામ ધરાવતા આ શાકનો ઇતિહાસ અને ઉદ્ભવ ભારત સાથે ગાઢ રીતે જોડાયેલો છે. આ માત્ર એક શાક નથી પણ હજારો વર્ષો જૂનું ચમત્કારિક ઝાડ છે. સરગવાની સિંગનાં પાનને આજે મોરિંગા પાઉડર તરીકે દુનિયાભરના લોકો ટેસડો પાડીને પોતાની ડાયટમાં ઉમેરી રહ્યા છે. સરગવાનું મૂળ વતન દક્ષિણ એશિયા મનાય છે. સરગવો ઉત્તર-પશ્ચિમ ભારતમાં હિમાલયની તળેટીના વિસ્તારોમાં જંગલી અવસ્થામાં ઊગતો જોવા મળ્યો હતો. ભારતમાંથી એ ધીમે-ધીમે આખા એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ફેલાયો. ઇતિહાસમાં એવો ઉલ્લેખ મળે છે કે મૌર્ય વંશના સૈનિકોને તેમના ખોરાકમાં સરગવાનાં પાનનો અર્ક આપવામાં આવતો હતો. એવું મનાતું હતું કે એનાથી સૈનિકોનો સ્ટૅમિના વધે છે અને યુદ્ધ દરમ્યાન થતા માનસિક તાણ કે શારીરિક પીડામાં રાહત મળે છે. ઇજિપ્તવાસીઓ પણ સરગવાના ગુણોથી પરિચિત હતા. તેઓ સરગવાનાં બીમાંથી મળતા તેલનો ઉપયોગ ચામડીના રક્ષણ માટે અને સૂર્યના તાપથી બચવા માટે કરતા હતા. ઇજિપ્તના પિરામિડ પાસેથી પણ એના તેલના અવશેષો મળી આવ્યા છે. પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં સરગવાનો ઉપયોગ પરફ્યુમ બનાવવા અને ત્વચાના લોશનમાં થતો હોવાના પુરાવા મળે છે. વીસમી સદીના અંતમાં અને એકવીસમી સદીમાં પશ્ચિમના દેશોએ સરગવાના અને ખાસ તો એનાં પાનનાં પોષણમૂલ્યો પર સંશોધન કર્યું હતું. એના આધારે એને મિરૅકલ ટ્રી અથવા ટ્રી ઑફ લાઇફનું બિરુદ આપ્યું હતું. ટૂંકમાં, સરગવો ભારતની એવી અમૂલ્ય ભેટ છે જેણે આયુર્વેદથી શરૂ કરીને આધુનિક ન્યુટ્રિશન સાયન્સ સુધી પોતાની પકડ જાળવી રાખી છે.

આયુર્વેદમાં ખાસ


આજથી હજારો વર્ષ પહેલાં લખાયેલા આયુર્વેદના ગ્રંથોમાં સરગવાની સિંગ, એનાં મૂળ, એના થડની છાલ, એનાં પાન એમ દરેક ભાગનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. અહીં આયુર્વેદ આહાર અને રસશાસ્ત્રનાં નિષ્ણાત પ્રો. વૈદ્ય મીતા કોટેચા કહે છે, ‘આયુર્વેદમાં સરગવાને શિગ્રુ તરીકે ઓળખવામાં આવે છે. અઢળક ગ્રંથો છે જેમાં આપણા ઋષિમુનિઓએ સરગવાને આહારમાં ખાસ સ્થાન આપવાની વાત કરી છે. જેમ કે ભાવપ્રકાશ નિઘંટુ નામના ગ્રંથમાં શ્લોક આવે છે. શિગ્રુ: સર: કટુ: પાકે તીક્ષ્ણૌષ્ણો મધુરૌ લઘુ: | દીપન: રોચનશ્ચૈવ કફવાતહર: પર: || (ભાવપ્રકાશ નિઘંટુ, હરિતક્યાદિ વર્ગ, શ્લોક-૧૦૭) એટલે કે શિગ્રુ (સરગવો) સ્વાદમાં તીખો અને મધુર છે. એ પચવામાં હલકો (લઘુ), તીક્ષ્ણ અને ગરમ (ઉષ્ણ) છે. એ પાચનશક્તિ વધારે છે, ભૂખ જગાડે છે અને કફ તથા વાતના રોગોને હરનારો શ્રેષ્ઠ આહાર છે. ચરકસંહિતામાં મહર્ષિ ચરકે સરગવાને ખાસ કરીને સોજા અને કૃમિ માટે શ્રેષ્ઠ ગણાવ્યો છે. તેઓ એક શ્લોકમાં લખે છે કે સરગવો તીક્ષ્ણ અને ગરમ હોવાથી કફ અને વાયુનો નાશ કરે છે. એ શરીરમાં રહેલા સોજા ઉતારવામાં અને પેટના કૃમિ મારવામાં શ્રેષ્ઠ છે. એ નેત્ર માટે ઉત્તમ છે અને હૃદયને બળ આપનારો છે. આચાર્ય સુશ્રુતે સુશ્રુત સંહિતામાં સરગવાને ગાંઠના નિવારણ માટે, બરોળ અને પેટના રોગો માટે હિતકારી માન્યો છે. હરસ-મસા અને સોજામાં સરગવાના વિવિધ ભાગનું સેવન અકસીર ઇલાજ છે. ધન્વંતરિ નિઘંટુમાં સરગવાના સફેદ અને લાલ પ્રકારો વિશે વાત આવે છે અને સાથે એ મેદસ્વિતા ઘટાડનારો, આંખો માટે સારો અને કૃમિનો નાશ કરનારો મનાય છે.’

મૂળ તો વાત અને પેટના રોગોમાં સરગવો ખૂબ ઉપયોગી છે એમ જણાવીને મીતા કોટેચા કહે છે, ‘માત્ર શાક તરીકે નહીં, જૂસની જેમ, એનાથી બનતા તેલ થકી, ક્વાથ એટલે કે ઉકાળાના ફૉર્મમાં એમ મલ્ટિપલ રીતે સરગવાનો ઉપયોગ થાય છે. નાઇટ બ્લાઇન્ડનેસના દરદીઓ માટે સરગવો સારો સોર્સ મનાય છે. અલબત્ત, એની પ્રકૃતિ ગરમ હોવાથી અત્યારે ઉનાળામાં સમજણપૂર્વક એનું સેવન કરવું હિતાવહ છે.’

તમને ખબર છે?

ભારતીય આયુર્વેદિક ગ્રંથોમાં હજારો વર્ષ પહેલાં સરગવાને શિગ્રુ તરીકે ઓળખવામાં આવ્યો છે. આયુર્વેદ મુજબ એ લગભગ ૩૦૦થી વધુ રોગોના ઇલાજમાં ઉપયોગી મનાય છે.

આજનું સુપરફૂડ

જે વાત હજારો વર્ષ પહેલાં કહેવાઈ છે એ વાત આજના સાયન્સને પણ માન્ય છે. ડાયટિશ્યન પેટ ભરીને સરગવાનાં વખાણ કરતા રહે છે. ડાયટિશ્યન મેઘના પરીખ કહે છે, ‘આજની ડાયટની દુનિયામાં સરગવો સુપરફૂડ છે. સાંધાના દુખાવાથી લઈને એજિંગ-પ્રોસેસ ધીમી પાડવા, એનીમિયાના દરદીઓ માટે અને આયર્ન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ વગેરેની ડેફિશિયન્સીમાં એ ઉપયોગી છે. હા, પોટૅશિયમ વધુ હોય એટલે કિડનીના દરદીઓને માપસર ખાવાની સલાહ અમે આપીએ છીએ. તમે ચિલ્લાથી લઈને સૂપ, શાક, સાંભાર, પરાઠામાં એના પલ્પને ઉમેરીને ખાઈ શકો છો. બહુ જ લો કૅલરી ફૂડ છે એટલે વજન ઘટાડવા માગતા લોકો પણ ૪ હાથે ખાઈ શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 01:51 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK