અહીં શીખો ઇટાલિયન ચીઝ સેવ ખમણી
ઇટાલિયન ચીઝ સેવ ખમણી
સામગ્રી : બેટર માટે : ૧ મોટો બાઉલ ચણાની દાળ, ૩-૪ લીલા મરચાં, ૧ ઇંચ આદુંનો ટુકડો, ૧/૨ કપ છાશ અથવા ૧/૨ કપ દહીં (જરૂર મુજબ), સ્વાદ મુજબ મીઠું, ચપટી હળદર, ચપટી હિંગ, ૧ ચમચી ખાવાનો સોડા, ૨-૩ ટેબલસ્પૂન ગરમ પાણી
ટૉપિંગ માટે : જરૂર મુજબ ગ્રેટ કરેલું ચીઝ, ૨ ચમચી પીત્ઝા સીઝનિંગ, ૧ ટેબલસ્પૂન ચિલી ફ્લેક્સ, ૩-૪ ચમચી ખાંડ, સ્વાદ મુજબ થોડું મીઠું
ADVERTISEMENT
ગાર્નિશિંગ માટે : મધ્યમ જાડી સેવ, ગ્રેટ કરેલું ચીઝ, દાડમના દાણા, સમારેલી કોથમીર
બનાવવાની રીત : ચણાની દાળને સારી રીતે ધોઈને ૭-૮ કલાક પાણીમાં પલાળી રાખો. પલાળેલી દાળનું પાણી નિતારીને એને મિક્સર જારમાં લો. એમાં લીલાં મરચાં, આદું અને દહીં અથવા છાશ ઉમેરીને અધકચરું (થોડું કરકરું) બેટર તૈયાર કરો. બેટરને ઢાંકીને ૬-૭ કલાક માટે ફર્મેન્ટ થવા મૂકી દો. સ્ટીમર ગરમ થવા મૂકો. ત્યાર બાદ બેટરમાં મીઠું, હળદર, હિંગ અને ખાવાનો સોડા ઉમેરો. સોડા પર ૨-૩ ટેબલસ્પૂન ગરમ પાણી રેડીને બેટરને હળવા હાથે સારી રીતે ફેટી લો. ગ્રીસ કર્યા વગરની સ્ટીમિંગ થાળીમાં બેટર રેડો. ઉપર થોડું ચીઝ, પીત્ઝા સીઝનિંગ અને ચિલી ફ્લેક્સ છાંટી દો. થાળીને સ્ટીમરમાં ૧૫-૨૦ મિનિટ સુધી બફાવો અથવા બેટર સંપૂર્ણપણે ચડી જાય ત્યાં સુધી સ્ટીમ કરો. થાળી ઠંડી થાય પછી મોટા ટુકડા કરો અને હાથથી ક્રમ્બલ કરીને ખમણી જેવું બનાવો. હવે એમાં ખાંડ, દાડમના દાણા, કોથમીર અને મધ્યમ જાડી સેવ ઉમેરીને હળવેથી મિક્સ કરો. એને સર્વિંગ ડિશમાં કાઢીને ઉપરથી ગ્રેટ કરેલું ચીઝ, થોડું પીત્ઝા સીઝનિંગ, ચિલી ફ્લેક્સ, સેવ, કોથમીર અને દાડમના દાણા વડે ગાર્નિશ કરીને તરત જ સર્વ કરો.
નોંધ : તમારી પસંદ મુજબ ચીઝનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો. સેવ સર્વ કરતી વખતે છેલ્લે જ ઉમેરો જેથી એની ક્રન્ચીનેસ જળવાઈ રહે.
