અહીં શીખો મસાલા સ્ટફ્ડ રોટલા
મસાલા સ્ટફ્ડ રોટલા
સામગ્રી : લોટ માટે : ૨ વાટકી બાજરીનો લોટ, ૨ વાટકી ઘઉંનો લોટ, સ્વાદ મુજબ મીઠું અને ગરમ પાણી.
સ્ટફિંગ માટે : ૧ વાટકી તુવેરના દાણા, ૧ વાટકી લીલા વટાણા, ૧ વાટકી લીલા ધાણા, ૪-૫ લીલાં મરચાં, ૧ નાનો ટુકડો આદું, ૧/૨ લીંબુનો રસ, ૧ ચમચી ગરમ મસાલો, ચણાનો લોટ બાઇન્ડિંગ માટે અને સ્વાદ મુજબ મીઠું.
ADVERTISEMENT
સ્ટફિંગ બનાવવાની રીત : સૌથી પહેલાં એક મિક્સર જાર લો. એમાં તુવેરના દાણા, લીલા વટાણા, લીલા ધાણા, લીલાં મરચાં, આદુંનો ટુકડો અને અડધા લીંબુનો રસ ઉમેરો. ત્યાર બાદ એમાં ૧ ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને થોડો ચણાનો લોટ ઉમેરો. આ બધું બરાબર પીસી લો. હવે તમારા રોટલા માટેનું સ્ટફિંગ તૈયાર છે.
રોટલા બનાવવાની રીત : એક મોટા વાસણમાં બાજરીનો લોટ અને ઘઉંનો લોટ લો. એમાં સ્વાદ મુજબ મીઠું નાખી, ગરમ પાણીની મદદથી નરમ લોટ બાંધી લો. હવે એમાંથી લૂવો લઈ રોટલો વણી લો. વણેલા રોટલાની વચ્ચે એક ચમચી તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો અને એને બધી બાજુથી બંધ કરી દો. હવે ફરીથી એને ભાખરીની જેમ હળવા હાથે વણી લો. આ રોટલાને તવી પર ભાખરીની જેમ બન્ને બાજુ સરસ રીતે શેકી લો.
રેડી છે ગરમાગરમ મસાલા સ્ટફ્ડ રોટલા. એને લીલી ચટણી સાથે સર્વ કરો.
- કીર્તિ ગિરિ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


