યસ, કાગળના સો-કૉલ્ડ ગ્લાસ પણ પ્લાસ્ટિકની પરત ધરાવે છે અને ગરમ કૉફીમાં ઓગળતા માઇક્રોપ્લાસ્ટિક પેટમાં જવાથી થતા સ્વાસ્થ્યને લગતાં નુકસાનો અકલ્પનીય છે
પ્રતીકાત્મક તસવીર
આપણે અવારનવાર ઑફિસ જતી વખતે કે મીટિંગ દરમિયાન પેપર કપમાં ગરમ કૉફી કે ચા પીતા હોઈએ છીએ. ચાની ટપરી પર કાચના ગ્લાસ બરાબર ધોવાયા હશે કે નહીં એ ડરને કારણે પેપર ગ્લાસમાં જ ચાની ચુસકી લગાવી દેતા હોઈએ છીએ. ક્યાંક જો તમારા મનમાં એમ હોય કે કાગળના ગ્લાસ સુરક્ષિત છે તો એ તમારી ભૂલ છે. તાજેતરમાં થયેલું એક સંશોધન કહે છે કે જો તમે દરરોજ પ્લાસ્ટિકનું પડ ધરાવતા પેપર કપમાં ૩૦૦ મિલીલીટર ગરમ કૉફી પીઓ છો તો તમે વર્ષે અંદાજે ૩.૬ લાખ માઇક્રોપ્લાસ્ટિક્સના કણો તમારા શરીરમાં પધરાવી રહ્યા છો.
પ્લાસ્ટિકનું ઝેર
ADVERTISEMENT
મોટા ભાગના ટેકઅવે પેપર કપ ખરેખર માત્ર કાગળના નથી હોતા. એને લીક થતા અટકાવવા માટે અંદરની તરફ પૉલિઇથિલીનનું એક પાતળું પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. જ્યારે ઊકળતી ચા કે કૉફી આ પડના સંપર્કમાં આવે છે, ત્યારે ગરમીને કારણે પ્લાસ્ટિકના અદૃશ્ય કણો પીણામાં ભળી જાય છે. આ સૂક્ષ્મ કણો એટલા નાના હોય છે કે એને નરી આંખે જોઈ શકાતા નથી કે એનો સ્વાદ પણ આવતો નથી. વૈજ્ઞાનિકોએ માનવ લોહી અને અંગોમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી શોધી કાઢી છે. નિષ્ણાતો માને છે કે આનાથી શરીરમાં સોજો કે લાંબા ગાળે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ અને કૅન્સર જેવી કેટલીય ગંભીર બીમારીઓ થઈ શકે છે.
ઉકેલ શું છે?
બેશક, ડરાવનારા આ સર્વેથી ચિંતા થાય. જોકે ગભરાવાની જરૂર નથી, માત્ર જાગૃત રહેવું અનિવાર્ય છે. જીવનશૈલીમાં નાના ફેરફારો આ પ્લાસ્ટિકથી આપણું પ્રોટેક્શન કરી શકે છે. જેમ કે મુસાફરી દરમિયાન પોતાની સાથે સ્ટીલ કે કાચનો ટ્રાવેલ મગ રાખી શકાય. ઘરે કે ઑફિસમાં પ્લાસ્ટિકના બદલે કાચ કે સિરૅમિકના કપમાં પીણું પીવાનો આગ્રહ રાખો. જો તમારે પેપર કપ વાપરવો જ પડે તો પીણું થોડું ઠંડું થયા પછી પીઓ જેથી પ્લાસ્ટિક ઓછું ઓગળે. વિશ્વભરમાં દર વર્ષે ૫૦૦ અબજ સિંગલ-યુઝ કપ વપરાય છે. આપણી એક નાની આદત આપણને અને પર્યાવરણ બન્નેને આ અદૃશ્ય જોખમથી બચાવી શકે છે.


