બ્લડ-ગ્લુકોઝને નિયંત્રણમાં રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. વળી પ્રદૂષણ હૃદય અને રક્તવાહિનીઓ પર પણ દબાણ વધારતું હોવાથી ડાયાબિટીઝના દરદીઓમાં હાર્ટ-અટૅક કે સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે.
પ્રતીકાત્મક તસવીર
હાલના સમયમાં મુંબઈ જેવાં મહાનગરોમાં વાયુપ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે આપણા સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની ગયું છે. પ્રદૂષિત હવા માત્ર ફેફસાં અને હૃદય પર જ નહીં, ડાયાબિટીઝ જેવા દીર્ઘકાલીન રોગો ધરાવતા દરદીઓ પર પણ અત્યંત વિપરીત અસરો કરે છે. હવામાં રહેલા અતિ સૂક્ષ્મ PM 2.5 જેવા પ્રદૂષક કણો શ્વાસ દ્વારા આપણાં ફેફસાંમાં થઈને લોહીના પ્રવાહ સુધી પહોંચી જાય છે, જે ડાયાબિટીઝના દરદીઓ માટે અનેકગણાં જોખમો ઊભાં કરે છે. સમજવાનું એ છે કે જો તમને ડાયાબિટીઝ છે તો તમારે હવાના પ્રદૂષણથી બચવું જરૂરી છે, કારણ કે એ તમારા ડાયાબિટીઝના મૅનેજમેન્ટને ખોરવી શકે છે. જો તમને ડાયાબિટીઝ નથી તો પણ તમારે એનાથી બચવાની જરૂર છે, કારણ કે હવાના પ્રદૂષણને કારણે ડાયાબિટીઝ ટ્રિગર થઈ શકે છે.
હવાનું પ્રદૂષણ ડાયાબિટીઝ પર પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને રીતે નુકસાનકારક અસર કરે છે. ઝેરી હવામાં રહેલા કણો જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે એ રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે અને શરીરમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસ તથા ઇન્ફ્લમેશનને વધારે છે. આ સોજાને કારણે શરીરના કોષો ઇન્સ્યુલિન સામે પ્રતિરોધક બની જાય છે, જેને મેડિકલ ભાષામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહે છે. પરિણામે બ્લડ-શુગરનું સ્તર અચાનક વધી જાય છે અને ડાયાબિટીઝના દરદીઓ માટે
ADVERTISEMENT
બ્લડ-ગ્લુકોઝને નિયંત્રણમાં રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. વળી પ્રદૂષણ હૃદય અને રક્તવાહિનીઓ પર પણ દબાણ વધારતું હોવાથી ડાયાબિટીઝના દરદીઓમાં હાર્ટ-અટૅક કે સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે.
આ ગંભીર પરિસ્થિતિમાં ડાયાબિટીઝના દરદીઓએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ રક્ષણ કરવું અનિવાર્ય છે. સૌપ્રથમ હવાની ગુણવત્તા ખરાબ હોય ત્યારે વહેલી સવારે કે સાંજે બહાર ખુલ્લામાં વૉકિંગ કે કસરત કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એ સમયે પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય છે. જો ઘરની બહાર જવું જ પડે તો N95 માસ્કનો અવશ્ય ઉપયોગ કરવો, જેથી ઝેરી કણો શ્વાસમાં ન જાય. ઘરમાં હવાને શુદ્ધ રાખવા માટે ઍર પ્યૉરિફાયરનો ઉપયોગ કરી શકાય અથવા ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકી શકાય. આ ઉપરાંત નિયમિતપણે બ્લડ-શુગરની તપાસ કરતા રહેવું અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ કે ઇન્સ્યુલિનનું સેવન ચાલુ રાખવું ખૂબ જરૂરી છે.
આહાર અને જીવનશૈલીમાં યોગ્ય બદલાવ કરીને પણ પ્રદૂષણની નકારાત્મક અસરો સામે લડી શકાય છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર આહાર જેમ કે તાજાં ફળો, લીલાં શાકભાજી અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઝેરી તત્ત્વો સામે લડવામાં મદદ મળે છે. પ્રદૂષણના આ સમયગાળામાં જાગ્રત રહીને, સાવચેતીનાં પગલાં અપનાવીને અને નિયમિત તબીબી માર્ગદર્શન હેઠળ રહીને ડાયાબિટીઝના દરદીઓ પોતાના શુગર-લેવલને નિયંત્રણમાં રાખી શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે.
- ડૉ. મીતા શાહ
(ડૉ. મીતા શાહ અનુભવી ડાયાબેટોલૉજિસ્ટ છે.)
