Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઍન્ટિબાયોટિક્સનો કોર્સ ચાલતો હોય ત્યારે ગળપણ ન ખાવું જોઈએ

ઍન્ટિબાયોટિક્સનો કોર્સ ચાલતો હોય ત્યારે ગળપણ ન ખાવું જોઈએ

Published : 18 November, 2026 02:22 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તેથી, વૈજ્ઞાનિકોનું સૂચન છે કે ઍન્ટિબાયોટિક કોર્સ દરમ્યાન ગળ્યા કે મીઠા પદાર્થો ખાવાનું ટાળવાથી આંતરડાંના સારા બૅક્ટેરિયાને સુરક્ષિત રાખવામાં મદદ મળી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે ઍન્ટિબાયોટિક્સ દવાઓ લેતા હોઈએ ત્યારે ગળ્યા કે મીઠા પદાર્થો ખાઈએ તો એ પાચનને અસર કરે છે અને આંતરડાંના સારા બૅક્ટેરિયાની સંખ્યા ઓછી કરી નાખે છે એવું તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. આવા સમયે લીધેલી સ્વીટ ચીજોથી ખરાબ બૅક્ટેરિયાની સંખ્યા વધે છે અને પાચન તેમ જ રોગપ્રતિકારક શક્તિ બન્ને ખરાબ થાય છે

તાજેતરમાં ‘નેચર જર્નલ’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ઍન્ટિબાયોટિક દવાઓ લેતી વખતે ગળ્યા કે ખાંડવાળા પદાર્થોનું સેવન કરવાથી આંતરડાંના સ્વાસ્થ્ય પર ખૂબ અસર થાય છે. આ રિસર્ચમાં જણાયું છે કે ઍન્ટિબાયોટિક દવાઓના ઉપયોગ દરમ્યાન વધુ પડતી ખાંડ કે ગળપણ ખાવાથી પેટના સારા બૅક્ટેરિયાની વિવિધતામાં મોટો ઘટાડો થાય છે અને એન્ટરોકોકસ જેવા હાનિકારક બૅક્ટેરિયા અતિશય વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી, વૈજ્ઞાનિકોનું સૂચન છે કે ઍન્ટિબાયોટિક કોર્સ દરમ્યાન ગળ્યા કે મીઠા પદાર્થો ખાવાનું ટાળવાથી આંતરડાંના સારા બૅક્ટેરિયાને સુરક્ષિત રાખવામાં મદદ મળી શકે છે.



રિસર્ચ શું કહે છે?


ન્યુ યૉર્કના એક જાણીતા કૅન્સર સેન્ટર અને લૅન્ગોન હેલ્થ સેન્ટરના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ રિસર્ચ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ હૉસ્પિટલમાં દાખલ થયેલા અને બોન મૅરો કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવતા દરદીઓ જેમને ચેપ રોકવા માટે ઍન્ટિબાયોટિક દવા આપવામાં આવતી હતી તેમના ખોરાક અને આંતરડાંના માઇક્રોબાયોમ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે દરદીઓએ ખાધેલા ભોજનના ૪૦,૦૦૦થી વધુ રેકૉર્ડ અને મળના ૧૦૦૦થી વધુ નમૂનાઓનું વૈજ્ઞાનિક વિશ્ળેષણ કર્યું હતું, જેના પરથી તેમને સમજાયું હતું કે ઍન્ટિબાયોટિક દવાઓ પહેલેથી જ હાજર આંતરડાંના સારા બૅક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે, પરંતુ જ્યારે એની સાથે ગળ્યાં પીણાં કે મીઠાઈઓ જેવી શુગરથી ભરપૂર ચીજો લેવામાં આવે ત્યારે આ નુકસાન અનેકગણું વધી જાય છે. આનાથી આંતરડાંની અંદરના સારા બૅક્ટેરિયાની વિવિધતા ઝડપથી ઘટી જાય છે. રિસર્ચમાં સાબિત થયું કે વધુ પડતી ખાંડ અને ઍન્ટિબાયોટિક્સના સંયોજનથી એન્ટરોકોકસ નામના હાનિકારક બૅક્ટેરિયા અતિશય પ્રમાણમાં વધી જાય છે. આ જ રિસર્ચમાં પ્રાણીઓ પરના પ્રયોગોમાં એ ૧૬થી ૩૩ ગણા સુધી વધી ગયા હતા. આ હાનિકારક બૅક્ટેરિયા આંતરડાંમાં સારા બૅક્ટેરિયાને દબાવીને લોહીમાં ગંભીર ચેપ અથવા જોખમી જટિલતાઓ પેદા કરી શકે છે. એથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઍન્ટિબાયોટિક્સનો કોર્સ ચાલુ હોય ત્યારે અને એ પછીના થોડા દિવસો સુધી ગળ્યા પદાર્થો કે સાકરનું સેવન ટાળવામાં આવે તો આંતરડાંના સ્વાસ્થ્યને થતા મોટા નુકસાનથી બચી શકાય છે અને સારા બૅક્ટેરિયાને સુરક્ષિત રાખી શકાય છે.

શરીરમાં બદલાવ શું આવે?


આ વાતને વધુ સારી રીતે સમજાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. બિનીતા મહેતા કહે છે, ‘માંદગી દરમ્યાન તમારો ખોરાક તમારા લાંબા ગાળાના સ્વાસ્થ્યને કેવી રીતે આકાર આપે છે એ સમજવું જરૂરી છે. આપણાં આંતરડાં લાખો-કરોડો સૂક્ષ્મ જીવાણુઓ, ખાસ કરીને બૅક્ટેરિયાનું ઘર છે જે ખોરાક પચાવે છે, રોગપ્રતિકારક શક્તિનું નિયમન કરે છે અને હાનિકારક બૅક્ટેરિયા સામે રક્ષણ આપે છે. ઍન્ટિબાયોટિક અતિ ઉપયોગી દવા છે. જે હાનિકારક બૅક્ટેરિયાને આપણી સિસ્ટમ ખતમ નથી કરી શકતી એવા હાનિકારક બૅક્ટેરિયા આપણા શરીરને નુકસાન ન કરે, રોગ ઊભો ન કરે અથવા રોગ છે તો એને દૂર કરવા માટે આ દવા ઉપયોગી છે; પરંતુ આ દવાનું એક લિમિટેશન છે. આંતરડાંના સારા અને ખરાબ બૅક્ટેરિયા વચ્ચેનો તફાવત આ દવાઓ પારખી શકતી નથી અને બન્નેના એકસાથે નાશ કરી દે છે. આ જ કારણોસર ઍન્ટિબાયોટિક્સનો કોર્સ કર્યા પછી પ્રો-બાયોટિક ખોરાક કે સપ્લિમેન્ટ લેવાનું રેકમેન્ડેશન કરવામાં આવે છે.’

પરંતુ આ દવા લેતી વખતે ગળ્યું ન ખાવું એનું કારણ શું? એ સમજાવતાં ડૉ. બિનીતા મહેતા કહે છે, ‘જ્યારે આપણે ઍન્ટિબાયોટિક્સની સાથે ગળ્યા કે ખાંડયુક્ત ખોરાકનું સેવન કરીએ છીએ ત્યારે દવાના પ્રભાવ સામે લડવા ઉપરાંત તમારાં આંતરડાંને નબળાઈનો બીજો સામનો કરવો પડે છે, કારણ કે ખાંડ એ જઠરના વાતાવરણને બદલી નાખે છે જે સ્વસ્થ બૅક્ટેરિયાને જીવંત રહેવા અને પુનઃ જીવિત થવા માટે જરૂરી છે. થાય છે એવું કે ખાંડ જોખમી અને દવા સામે રક્ષણ મેળવતા ડ્રગ-રેઝિસ્ટન્ટ બૅક્ટેરિયાને બળ આપે છે. એ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને સાજા થવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી દે છે. માટે મીઠાઈ એ દરમ્યાન ન લેવી જોઈએ.”

ઍન્ટિબાયોટિક્સ ખાઓ ત્યારે આટલું ધ્યાન રાખો

 પહેલી વાત તો એ કે ક્યારેય જાતે ઍન્ટિબાયોટિક દવા લેવી નહીં. ડૉક્ટર સજેસ્ટ કરે તો જ આ દવા લેવી. અને બીજી વાત એ કે આ દવાનો જેટલા પણ દિવસનો કોર્સ લખ્યો હોય એ આપેલો કોર્સ પૂરો કરવો. ઍન્ટિબાયોટિક્સનો કોર્સ અધવચ્ચે ક્યારેય બંધ કરવો નહીં, ભલે તમને સારું લાગવા માંડે. ડૉક્ટરની સૂચના મુજબ બરાબર નિશ્ચિત સમયે જ દવા લેવી. ડોઝ ભૂલી જવાથી અથવા અનિયમિત લેવાથી દવાની અસર ઓછી થઈ જાય છે.

 તમારા પાચન સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અને તમારી દવા અસરકારક રીતે કામ કરે એની ખાતરી કરવા માટે ગળ્યા પદાર્થો, સોડા અને વધુ પડતા પ્રોસેસ કરેલા ખોરાકને બદલે હેલ્ધી અને કુદરતી આહાર અપનાવો.

 ઍન્ટિબાયોટિક્સ સારા અને ખરાબ બન્ને બૅક્ટેરિયાનો નાશ કરે છે. તેથી આંતરડાંના સારા બૅક્ટેરિયાને પુનઃ જીવિત કરવા માટે દહીં, છાશ કે ડૉક્ટરની સલાહ મુજબ પ્રોબાયોટિક સપ્લિમેન્ટ્સ લેવાં જોઈએ.

 ઍન્ટિબાયોટિક્સ લેતી વખતે દારૂ કે આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ; કારણ કે એ ચક્કર, ઊંઘ કે ઊબકા જેવી આડઅસરો વધારી શકે છે અને લિવર પર સ્ટ્રેસ લાવે છે.

 આ દવાઓ લેતી વખતે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું, જેથી કિડની પર દવાનું ભારણ ઘટે અને ઝેરી તત્ત્વો બહાર નીકળી શકે.

 જો તમે પહેલેથી જ કોઈ અન્ય દવા જેમ કે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ કે આયર્ન-કૅલ્શિયમની ગોળીઓ લેતા હો તો ઍન્ટિબાયોટિક્સ સાથે એ લેવી કે નહીં એની ડૉક્ટર સાથે ચર્ચા કરવી જરૂરી છે.

 શરીરને ઝડપથી સાજા થવા માટે પૂરતો આરામ આપવો અને વિટામિન્સ તથા પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લેવો.

ઍન્ટિબાયોટિક્સની શુગર પર અસર

અમુક પ્રકારની ઍન્ટિબાયોટિક્સ બ્લડશુગરના સ્તરમાં અનિયમિત વધઘટ પેદા કરી શકે છે. જેના કારણે શુગર અચાનક વધી કે ઘટી શકે છે, જે જોખમી સાબિત થઈ શકે છે, એના વિશે સમજાવતાં ડૉ. બિનીતા મહેતા કહે છે, ‘કેટલીક ઍન્ટિબાયોટિક દવાઓ સ્વાદુપિંડ એટલે કે પૅન્ક્રિયાઝ પર અસર કરીને ઇન્સ્યુલિનનું ઉત્પાદન અચાનક વધારી દે છે. પરિણામે લોહીમાં શુગરનું પ્રમાણ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે અને આ સ્થિતિમાં ચક્કર આવવાનું, ધ્રુજારી થવાનું અથવા બેભાન થઈ જવાનું જોખમ રહે છે. આ દવાઓ શરીરના કોષોમાં ઇન્સ્યુલિનની કામગીરીને અવરોધી પણ શકે છે અથવા લિવરમાં ગ્લુકોઝનું ઉત્પાદન વધારી શકે છે, જેના કારણે બ્લડશુગરનું સ્તર અચાનક ખૂબ ઊંચું જતું રહે છે. જે લોકોને પહેલેથી જ ડાયાબિટીઝ હોય અથવા જેઓ ડાયાબિટીઝની દવાઓ/ઇન્સ્યુલિન લેતા હોય તેમના માટે આ અણધારી વધઘટ અત્યંત જોખમી
સાબિત થઈ શકે છે. માટે ઍન્ટિબાયોટિક્સ લો ત્યારે શુગર-કન્ટ્રોલ પર પણ ધ્યાન દેવું જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 02:22 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK