Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બટાટાને જેટલા ખરાબ માનવામાં આવે છે એટલા ખરાબ એ છે ખરા?

બટાટાને જેટલા ખરાબ માનવામાં આવે છે એટલા ખરાબ એ છે ખરા?

Published : 29 May, 2026 12:52 PM | Modified : 29 May, 2026 12:52 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજના ફિટનેસ અને ડાયટિંગના ક્રેઝ વચ્ચે લોકો બટાટાને અનહેલ્ધી શાક તરીકે જુએ છે. ખાસ કરીને ડાયાબિટીઝ અને વેઇટલૉસમાં તો બટાટાને જાણે વિલન બનાવી દેવાયા છે : આવતી કાલે વર્લ્ડ પટેટો ડે છે ત્યારે બટાટા વિશે સારી-ખોટી માન્યતા બાંધતા પહેલાં આ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘઉં અને ચોખા પછી આખી દુનિયામાં જો કોઈ ખોરાક સૌથી વધુ ખવાતો હોય તો એ બટાટા છે. ગરીબ બાળકોમાં કુપોષણ એક મોટી સમસ્યા છે ત્યારે બટાટા તેમનાં ભેટ ભરવાનું અને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. યુનાઇટેડ નેશન્સ (UN) એટલે જ આફ્રિકાના અત્યંત ગરીબ દેશોમાં કુપોષણ નાબૂદ કરવા માટે બટાટાની ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપી રહ્યું છે. બટાટાની ખાસિયત એ છે કે એ ખૂબ જ ઓછા પાણીમાં, ઓછા સમયમાં અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સરળતાથી ઊગી શકે છે. બટાટાને લોકો ફાસ્ટ-ફૂડ તરીકે અથવા વજન વધારનારા ફૂડ તરીકે જુએ છે ત્યારે UN એને દુનિયાનો એક મુખ્ય આહારસ્તંભ માને છે. સામાન્ય રીતે બટાટાને માત્ર કાર્બોહાઇડ્રેટ્સનો સ્રોત માનવામાં આવે છે; પણ હકીકતમાં એમાં પોટૅશિયમ, વિટામિન C, વિટામિન B6, ડાયટરી ફાઇબર, પ્રોટીન જેવાં પોષક તત્ત્વો પણ ઓછાવત્તા પ્રમાણમાં હોય છે. દરમ્યાન આજે આપણે ડાયટિશ્યન ભાવિ મોદી પાસેથી બટાટા સાથે જોડાયેલી કેટલીક ભ્રમણાઓ પાછળનું સત્ય જાણીએ. એની સાથે જ બટાટા ખાવાના ફાયદા, એને ખાવાની હેલ્ધી પદ્ધતિઓ અને બટાટા ખાતી વખતે કઈ સાવચેતી રાખવી એ તમામ વિશે માહિતી મેળવી લઈએ.

બટાટા ખાવાના ફાયદા



બટાટા માત્ર સ્વાદિષ્ટ જ નહીં, જો સાચી રીતે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય અને એનર્જી માટેનો એક ઉત્તમ સોર્સ સાબિત થઈ શકે છે. તમે જ્યારે બટાટાને બાફીને ખાઓ છો ત્યારે એ શરીરને શ્રેષ્ઠ ગુણવત્તાનાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ પૂરાં પાડે છે, જેનાથી શરીરને ભરપૂર ઊર્જા મળે છે. આ જ કારણ છે કે જે લોકો શારીરિક રીતે ખૂબ ઍક્ટિવ છે તેમના માટે બટાટા એનર્જીનો સારો સોર્સ છે. એ જ રીતે જે બાળકોનો વિકાસ થઈ રહ્યો છે તેમના માટે પણ એ ખૂબ પૌષ્ટિક છે. સામાન્ય દિવસોમાં પણ જ્યારે તમે ક્યારેક લો-એનર્જી અનુભવતા હો અથવા અચાનક થાક લાગે ત્યારે થોડા બાફેલા બટાટા ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને સ્ફૂર્તિ આવી જાય છે. એનર્જી આપવાની સાથે-સાથે બટાટામાં સારી માત્રામાં પોટૅશિયમ અને કેટલાંક જરૂરી વિટામિન્સ પણ રહેલાં હોય છે. એમાં રહેલું પોટૅશિયમ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ મદદ કરે છે, જ્યારે વિટામિન્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બટાટાને બાફ્યા પછી જો થોડી વાર ફ્રિજમાં ઠંડા થવા માટે મૂકી દેવામાં આવે અને ત્યાર બાદ એનું સેવન કરવામાં આવે તો એમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ ડેવલપ થાય છે. આ ખાસ પ્રકારનો સ્ટાર્ચ અને ફાઇબર આપણા પેટના સારા બૅક્ટેરિયાને સપોર્ટ કરે છે જેનાથી ગટ-હેલ્થ મજબૂત થાય છે અને પાચનક્રિયામાં ઘણો સુધારો થાય છે. સ્વાસ્થ્ય સિવાય બટાટા સાથે એક બહુ મોટું સાઇકોલૉજિકલ ફૅક્ટર પણ જોડાયેલું છે. બટાટા ભાગ્યે જ કોઈને નહીં ભાવતા હોય. એ લગભગ બધાનું પ્રિય ફૂડ છે. તમે જ્યારે માઇન્ડફુલી અને બૅલૅન્સ્ડ રીતે બટાટા ખાઓ છો ત્યારે એ તમને એક અનોખું હૅપીનેસ ફૅક્ટર આપે છે એટલે કે એને ખાઈને મન એકદમ તૃપ્ત થાય છે અને સારું લાગે છે જેને લીધે વારંવાર થતું ક્રેવિંગ્સ પણ શાંત થઈ જાય છે. ટૂંકમાં, બટાટા કોઈ નુકસાનકારક ખોરાક નથી. બસ, એને કઈ રીતે ખાવા એની સમજણ હોવી જોઈએ.


બટાટા વજન વધારે?

કોઈ પણ એક સિંગલ ફૂડ ક્યારેય તમારું વજન વધારી શકતું નથી. વજન વધવું કે ઘટવું એ તમારી લાઇફસ્ટાઇલ પર નિર્ભર કરે છે. તમે દિવસભર કેટલા ઍક્ટિવ છો, તમારી લાઇફસ્ટાઇલ બેઠાડુ છે કે કેમ, તમે કેટલી એક્સ્ટ્રા કૅલરી લો છો અને કેટલું પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો એના પર બધો આધાર છે. આ સિવાય તમારું સ્ટ્રેસ-લેવલ કેવું છે અને ઊંઘની પૅટર્ન કેવી છે એ પણ એટલું જ મહત્ત્વનું છે, કારણ કે ઘણા લોકો માનસિક તાણમાં હોવાને લીધે ઇમોશનલ ઈટિંગ કરવા લાગે છે જે આડકતરી રીતે વજન વધારે છે. પ્રૉબ્લેમ બટાટામાં નથી, એને બનાવવાની રીતમાં છે. જો તમે બટાટાને ડીપ ફ્રાય કરીને ફ્રેન્ચ ફ્રાઇઝ કે ચિપ્સના રૂપમાં ખાઓ અથવા એમાં ખૂબબધું બટર અને ચીઝ ઉમેરીને ખાઓ તો ચોક્કસપણે વજન વધવાનું જ છે, પરંતુ ખોરાક પ્રત્યે આવો ડર ઊભો કરવો હંમેશાં બૅકફાયર કરે છે. આપણે જ્યારે મન મારીને કોઈ વસ્તુ પર પ્રતિબંધ લગાવી દઈએ છીએ ત્યારે આપણી અંદર એક રિસ્ટ્રિક્શન આવી જાય છે જેનાથી એને ખાવાની ઇચ્છા બમણી થઈ જાય છે. તમે કદાચ ડરના માર્યા થોડા દિવસ બટાટા નહીં ખાઓ, પણ એ ભાવતા હોવાથી વન ફાઇન ડે તમે એના પર તૂટી પડશો અને ક્રેવિંગના ચક્કરમાં ઓવરઈટિંગ થઈ જશે. એટલે જ બટાટાને ડાયટમાંથી સંપૂર્ણપણે અવૉઇડ કરવાને બદલે એને ખાવાની સાચી પદ્ધતિ સમજવી જરૂરી છે. ખોરાકને છોડવા કરતાં પૉર્શન-સાઇઝ મેઇન્ટેઇન કરવી અને એને યોગ્ય વસ્તુ સાથે પેર કરવા વધુ સ્માર્ટ રીત છે. બટાટાને હંમેશાં ફાઇબર અને પ્રોટીનવાળા ફૂડ સાથે કમ્બાઇન કરીને ખાવા જોઈએ જેથી એ હેલ્ધી બને. જેમ કે તમે પટેટો-ચના ચાટ બનાવીને ખાઈ શકો છો જેમાં બટાટાની સાથે ચણામાંથી ભરપૂર પ્રોટીન અને ફાઇબર મળી રહે છે. ટૂંકમાં, ખોરાકથી ડરવાની જરૂર નથી. બસ, એને સમજદારીપૂર્વક પ્લેટમાં પીરસવાની અને બૅલૅન્સ કરવાની જરૂર છે.


ડાયાબિટીઝવાળા ખાઈ શકે?

ડાયાબિટીઝના દરદીઓએ પણ બટાટાને પોતાની ડાયટમાંથી સંપૂર્ણપણે અવૉઇડ એટલે કે બંધ કરવાની બિલકુલ જરૂર નથી. અહીં સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારી કૂકિંગ મેથડ કેવી છે, તમારું ફૂડ-કૉમ્બિનેશન કેવું છે અને તમે આખા મીલમાં બટાટાની સાથે બીજું શું ખાઈ રહ્યા છો. જો તમે બટાટાને દાળ, દહીં, પનીર કે સૅલડ સાથે પેર કરીને ખાઓ છો તો ભોજનમાં પ્રોટીન અને ફાઇબર ભળવાને કારણે લોહીમાં શુગરનો સ્પાઇક ઘણો ઓછો થઈ જાય છે. તમે ભોજનમાં કેટલા બટાટા ખાઓ છો એટલે કે એની ક્વૉન્ટિટી અને આખી થાળીમાં બટાટા સિવાય બીજું શું પીરસાયું છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયાબિટીઝના દરદીઓના મનમાં ખોરાક પ્રત્યે એક અજાણ્યો ડર બેસાડી દેવા કરતાં તેમને એ શીખવવું વધુ જરૂરી છે કે ડાયાબિટીઝને મૅનેજ કરવા માટે પ્લેટને કેવી રીતે બૅલૅન્સ કરવી જોઈએ. યોગ્ય પૉર્શન અને સ્માર્ટ ફૂડ-પેરિંગ સાથે બટાટાનો સ્વાદ ડાયાબિટીઝમાં પણ માણી શકાય છે.

બટાટાને છાલ સાથે ખાઓ

બટાટાને છાલ સાથે ખાવા એ પોષણની દૃષ્ટિએ ખૂબ જ ઉત્તમ બાબત છે. બટાટાની છાલમાં અને એની બરાબર નીચે ખૂબ જ મોટા પ્રમાણમાં ફાઇબર અને કેટલાંક શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રહેલાં હોય છે. આથી જો તમે બટાટાને સ્કિન સાથે જ રાંધીને ખાઓ તો શરીરને વધુ બહેતર ન્યુટ્રિશન મળે છે. છાલમાં રહેલા ફાઇબરને કારણે પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે જે તમારી ફુલનેસને વધારે છે અને ઓવરઈટિંગથી બચાવે છે. ઘણા લોકો બટાટાનું છાલવાળું સૂકું કે રસાવાળું શાક બહુ હોંશે-હોંશે ખાતા હોય છે. જોકે બટાટા જમીનની અંદર ઊગતા હોવાથી ઘણી વાર એના પર ખૂબ માટી અને ગંદકી ચોંટેલી હોય છે. તેથી એને રાંધતાં પહેલાં નવશેકા પાણીમાં બ્રશ અથવા હાથથી ઘસીને એકદમ પ્રૉપરલી વૉશ કરવા ખૂબ જરૂરી છે. આ સાથે એ પણ સમજવું રહ્યું કે ક્યારેક જો તમે બટાટાની છાલ ઉતારીને પણ ખાઓ તો એનાથી એ કંઈ અનહેલ્ધી કે નુકસાનકારક નથી થઈ જતા. માત્ર એની છાલ કાઢી નાખવાથી બટાટાની અંદર રહેલી બધી જ ગુણવત્તા કે પોષક તત્ત્વો ખતમ નથી થઈ જતાં. એટલે જો બટાટા એકદમ ચોખ્ખા અને તાજા હોય તો એને છાલ સાથે ખાઓ એ વધુ સારું છે, પણ જો ક્યારેક સ્વાદ કે રેસિપીની જરૂરિયાત મુજબ છાલ ઉતારવી પડે તો પણ ચિંતા કર્યા વગર બટાટાની ગુણવત્તાનો આનંદ લઈ શકાય છે.

કોઈ પણ ખોરાક સંપૂર્ણ સારો કે ખરાબ નથી હોતો. બટાટા પણ યોગ્ય પ્રમાણ અને યોગ્ય રીતે ખવાય તો શરીરને પોષણ આપનાર અને પેટ ભરનાર સસ્તો અને ઉપયોગી ખોરાક બની શકે છે. તેથી બટાટાને માત્ર જન્ક-ફૂડ તરીકે જોવાની જગ્યાએ એના પોષણ અને વૈશ્વિક મહત્ત્વને સમજવાની જરૂર છે.

સ્પેસમાં ઊગેલું પહેલું શાક

બટાટા માત્ર પૃથ્વી પર જ નહીં, અંતરીક્ષમાં પણ પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. ૧૯૯૫માં NASA અને યુનિવર્સિટી ઑફ વિસ્કૉન્સિનના વૈજ્ઞાનિકોએ મળીને સ્પેસ શટલ કોલંબિયા પર બટાટાના છોડ ઉગાડ્યા હતા. આ સાથે બટાટા સ્પેસમાં સફળતાપૂર્વક ઉગાડવામાં આવેલું દુનિયાનું સૌપ્રથમ શાક બન્યા હતા.

ઇન્ટરેસ્ટિંગ ફૅક્ટ્સ : બટાટા ભારતીય નથી

બટાટાની સફરની શરૂઆત આજથી લગભગ ૭૦૦૦થી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં દક્ષિણ અમેરિકાના ઍન્ડીઝ પર્વતોમાં, ખાસ કરીને આજના દક્ષિણ પેરુ અને ઉત્તર-પશ્ચિમ બોલિવિયાના વિસ્તારથી થઈ હતી. ત્યાં સ્થાનિક લોકોએ સૌપ્રથમ વાર એની ખેતી શરૂ કરી હતી. સોળમી સદીમાં સ્પૅનિશ લોકોએ દક્ષિણ અમેરિકા પર વિજય મેળવ્યો ત્યારે તેઓ આ અજાણ્યા શાકને યુરોપ લઈ ગયા અને ત્યાંથી એ ધીમે-ધીમે આખી દુનિયામાં ફેલાયું. ભારતમાં બટાટા આવવાનું મુખ્ય કારણ દરિયાઈ વેપાર હતો. સોળમી સદીના અંતમાં અથવા સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ વેપારીઓ પોતાનાં જહાજો મારફત એને પશ્ચિમ કિનારાના ગોવા બંદરે લાવ્યા. શરૂઆતમાં એ માત્ર દરિયાકાંઠાના વિસ્તારો પૂરતા મર્યાદિત રહ્યા; પરંતુ પાછળથી અઢારમી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એને ઉત્તર ભારત અને બંગાળના પ્રદેશોમાં વ્યવસ્થિત રીતે પ્રોમોટ કર્યા, કારણ કે આ પાક ઓછી મહેનતે ગમે એવી જમીનમાં પુષ્કળ માત્રામાં ઊગી જતો હતો અને સસ્તો હોવાને કારણે સામાન્ય જનતા તેમ જ સૈનિકોનું પેટ ભરવા માટે ઉત્તમ હતો. આમ ૭ સમુદ્ર પારથી વેપારીઓ અને શાસકો દ્વારા લાવવામાં આવેલું આ વિદેશી મૂળનું શાક સમય જતાં આપણા મસાલા અને સ્વાદમાં એવું ભળી ગયું કે આજે એ ભારતીય રસોડાની ઓળખ બની ગયું છે.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 12:52 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK