બજારમાં મળતી કેમિકલયુક્ત નાઇટ ક્રીમ ધીરે-ધીરે અસર કરે છે, સાથે સૂટ ન થાય તો સાઇડ-ઇફેક્ટ્સ પણ થાય છે
સૂતાં પહેલાં નાઇટ ક્રીમને બદલે આ કુદરતી પ્રોડક્ટ્સ ત્વચાને ચમકદાર બનાવશે
જ્યારે તમે ઘસઘસાટ ઊંઘો છો ત્યારે તમારા શરીરના અન્ય ભાગોની જેમ તમારી ત્વચા પણ રિપેર મોડમાં હોય છે. આ દરમિયાન ત્વચા નવા કોષો બનાવે છે, કોલૅજનનું ઉત્પાદન વધારે છે અને દિવસભર થયેલા નુકસાનને સુધારે છે. તેથી રાત્રે ત્વચાની સંભાળ લેવાથી સવારે તમને ચમકદાર ત્વચા મળી શકે છે. બજારમાં મળતી કેમિકલયુક્ત નાઇટ ક્રીમ્સને બદલે કેટલીક ઉત્તમ કુદરતી પ્રોડક્ટ્સને સૂતાં પહેલાં લગાવશો તો તમારી ત્વચા ચમકદાર બનશે.
પ્યૉર અલોવેરા જેલ
માર્કેટમાં મળતી બ્રૅન્ડેડ અલોવેરા જેલને અપ્લાય કરવાને બદલે અલોવેરાનો પલ્પ ચહેરા પર લગાવવાથી એના વધુ ફાયદા મળશે. એમાં રહેલાં પોષક તત્ત્વો ત્વચારે હાઇડ્રેટ કરે છે અને મસલ્સને રિલૅક્સ કરીને પિગમેન્ટ એટલે કે ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ કરે છે. એ કોલૅજનનું ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે. સૌથી સારી વાત તો એ છે કે ઑઇલી, ડ્રાય અને સેન્સિટિવ તમામ પ્રકારની ત્વચા માટે એ યોગ્ય છે. રાત્રે સૂતાં પહેલાં ચહેરો બરાબર સાફ કરીને અલોવેરા જેલ લગાવવાથી ત્વચા મુલાયમ બને છે, સોજામાંથી રાહત મળે છે.
ADVERTISEMENT
નૅચરલ ઑઇલ્સ
જો તમારી ત્વચા ડ્રાય હોય તો નૅચરલ ઑઇલ્સ નાઇટ ક્રીમનું કામ કરવાની સાથે-સાથે રિપેરિંગ એજન્ટ તરીકે પણ કામ કરશે. બગામનં તેલ વિટામિન Eથી ભરપૂર હોય છે. એ ડાર્ક સર્કલ્સ અને ફાઇન લાઇન્સને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે ત્વચાને નરમ બનાવે છે. રાત્રે સૂતા પહેલાં આ તેલનાં બે-ત્રણ ટીપાં લઈને હળવા હાથે ચહેરા અને ગરદન પર મસાજ કરવો. આ ઉપરાંત વર્જિન કોકોનટ ઑઇલ એટલે રેગ્યુલર નારિયેળ તેલ કરતાં અલગ, નૅચરલ અને વધુ ગુણકારી હોય છે. જો ત્વચા ડ્રાય હોય તો તમારા માટે આ ઑઇલ બેસ્ટ છે પણ જો તમારી ત્વચા ઑઇલી કે પિમ્પલ્સવાળી હોય તો આ ઑઇલને ચહેરા પર લગાવવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ઑલિવ ઑઇલ પણ નૅચરલ નાઇટ ક્રીમ જેવું કામ કરીને ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરે છે.
હળદર અને દહીંની પેસ્ટ
હળદર ત્વચાને ચમકદાર બનાવે છે અને દહીંમાં રહેલું લૅક્ટિક ઍસિડ ત્વચામાં જમા થતા ડેડ સ્કિન સેલ્સ અને બીજા જમા થતા કચરાને દૂર કરીને સાફ અને ચમકદાર બનાવે છે. આ મિશ્રણ નાઇટ ક્રીમ નથી પણ કામ નાઇટ ક્રીમ જેવું જ કરે છે. સૂતાં પહેલાં આ માસ્કને લગાવવો અને અડધા કલાકમાં ચહેરો ધોઈ નાખવો.
મલાઈ અને ગુલાબજળ મલાઈ કુદરતી ક્લેન્ઝર અને મૉઇશ્ચરાઇઝર છે જે ત્વચાને પોષણ આપે છે અને ગુલાબજળ હાઇડ્રેટેડ રાખે છે. ડ્રાય સ્કિન હોય એ લોકો માટે આ નુસખો કારગત નીવડશે.
જરૂરી ટિપ્સ
ત્વચાનું રિપેરિંગ ઊંઘ દરમિયાન થાય છે તેથી દરરોજ ૭-૮ કલાકની ઘસઘસાટ ઊંઘ લેવી જરૂરી છે. આ ઉપરાંત રાત્રે સૂતાં પહેલાં પૂરતું પાણી પીવાથી ત્વચાની અંદરથી હાઇડ્રેશન જળવાઈ રહે છે, જે ચમક વધારે છે.
કુદરતી પ્રોડક્ટ લગાવતાં પહેલાં પણ ચહેરો હળવા ક્લેન્ઝરથી સાફ કરવો અત્યંત જરૂરી છે જેથી ધૂળ અને મેકઅપ રહી ગયાં હોય તો એ પણ નીકળી જાય.
કોઈ પણ નવી કુદરતી પ્રોડક્ટની પૅચ ટેસ્ટ કરી લેવી જેથી ઍલર્જી કે રીઍક્શન ન આવે.
જો તમારી ત્વચા ઑઇલી હોય તો તેલનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો અથવા અલોવેરા જેલ જેવી હળવી વસ્તુઓનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે.


