કાંદા પર કાળા પાઉડર જેવા ડાઘ જોઈને મોટા ભાગના લોકો એને સામાન્ય કચરો સમજીને ધોઈને વાપરી લે છે તો વળી કેટલાક લોકો એને ફેંકી દે છે, પણ આવા કાંદા ખાવાલાયક હોય છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક એ આ લેખમાં જાણીએ
પ્રતીકાત્મક તસવીર
કાંદાની બહારની છાલ પર કાળા રંગના ડાઘ અથવા કાળી માટી જેવો પાઉડર ચોંટેલો જોવા મળે છે. આ કાળો પદાર્થ કોઈ ગંદકી નથી પરંતુ ખાસ પ્રકારની ફૂગ છે. એને એસ્પરગિલસ નાઇજર કહેવાય છે. કાંદાને ખેતરમાંથી કાઢ્યા પછી ગરમ કે ભેજવાળા વાતાવરણમાં અથવા જ્યાં હવાની અવરજવર ઓછી હોય એવી જગ્યાએ સંગ્રહ કરવામાં આવે ત્યારે આ ફૂગ ઝડપથી ફેલાવા લાગે છે. એને ખાતાં પહેલાં જો ચોક્કસ સાવચેતી રાખવામાં ન આવે તો એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
કાળો પાઉડર માત્ર કાંદાની સૌથી બહારની સૂકી છાલ પર જ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એક-બે લેયર કાઢ્યા બાદ અંદરનો ભાગ સાફ નીકળે તો એ ૧૦૦ ટકા વાપરી શકાય છે. આવા કાંદાનો ઉપયોગ કરતાં પહેલાં એને ઠંડા પાણીથી બરાબર ધોઈ લો અને ત્યાર બાદ એને સમારો, પણ કાંદાના અંદરના લેયર પર જો બ્લૅક લાઇન્સ દેખાય અને એને દબાવવાથી પોચા અથવા ચીકણા લાગે તો એનો અર્થ એ થાય કે ફૂગ કાંદાની અંદર સુધી પહોંચી ગઈ છે અને એ માઇકોટૉક્સિન નામનું ઝેરી કેમિકલ પેદા કરે છે. આ ઝેરી તત્ત્વ રાંધવાથી નાશ પામતું નથી અને પેટમાં જઈને ફૂડ પૉઇઝનિંગની સમસ્યા પેદા કરે છે. જો આવા કાંદા ભૂલથી ખવાઈ જાય તો પેટમાં દુખાવો, ઊલટી કે ઝાડા જેવા પ્રૉબ્લેમ્સ થઈ શકે છે અને લાંબા ગાળે આ ઝેરી તત્ત્વો લિવરને નુકસાન પહોંચાડે છે. અસ્થમાના દરદીઓ કે ઍલર્જી હોય એવા લોકોએ કાળી ફૂગના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ.
ADVERTISEMENT
સાવચેતી રાખો
કાળા ડાઘવાળા કાંદાને સાફ કર્યા પછી તમારા હાથ, છરી અને ચૉપિંગ બોર્ડને સાબુથી બરાબર ધોઈ લો જેથી ફૂગના કણો અન્ય ખોરાકમાં ન ફેલાય. કાંદાને ક્યારેય પ્લાસ્ટિકની થેલીમાં ન રાખો. એને હંમેશાં ખુલ્લી, સૂકી અને હવાની અવરજવરવાળી ટોપલીમાં રાખો જેથી ભેજ ન થાય અને ફૂગ ન વળે.
