DLS મેથડથી મળેલા ૧૯૨ રનના ટાર્ગેટને બંગલાદેશે ૩૫ ઓવરમાં ચેઝ કરીને ૨-૦થી સિરીઝ કબજે કરી
તસ્કિન અહમદે ત્રણ વિકેટ લીધી હતી.
ઢાકામાં સતત બીજી વન-ડે મૅચ DLS મેથડથી જીતીને બંગલાદેશે કાંગારૂઓ સામે ચાર વન-ડે સિરીઝમાં હારનો સામનો કર્યા બાદ પોતાની પહેલી વન-ડે સિરીઝ જીતી હતી. બંગલાદેશ આ હરીફ સામે માત્ર ૨૦૨૧માં T20 સિરીઝ જ જીતી શક્યું છે.
બીજી વન-ડે મૅચમાં વરસાદના વિઘ્ન પહેલાં ઑસ્ટ્રેલિયાએ ૪૨ ઓવરમાં ૧૮૭/૮નો સ્કોર કર્યો હતો. વરસાદને કારણે DLS મેથડ અનુસાર યજમાન ટીમને ૪૧ ઓવરમાં ૧૯૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો. બંગલાદેશે પાંચ વિકેટે ૧૯૫/૫નો સ્કોર કરીને જીત નોંધાવી હતી.
ADVERTISEMENT
આૅસ્ટ્રેલિયાએ પહેલી વખત ઝીરો પર ત્રણ વિકેટ ગુમાવી
ઑસ્ટ્રેલિયાએ તસ્કિન અહમદની પહેલી ઓવરમાં એક અને મુસ્તફિઝુર રહમાનની બીજી ઓવરમાં બે વિકેટ ગુમાવી હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલી વખત વન-ડે મૅચમાં ઝીરોના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી. મૅથ્યુ શૉર્ટ ચાર બૉલ, કૂપર કોનૉલી એક બૉલ અને મૅટ રેનશૉ પાંચ બૉલ રમીને ઝીરો પર આઉટ થયા હતા. ત્રીજી વખત વન-ડેમાં કાંગારૂ ટીમના બન્ને ઓપનર એક પણ રન કરી શક્યા નહોતા. ઑસ્ટ્રેલિયાએ પહેલી વાર વન-ડે મૅચમાં રન બનાવ્યા વિના પહેલી ૩ વિકેટ ગુમાવી દીધી હતી.
