સમસ્યા એ છે કે કેટલીક વાર મેડિકલ સ્ટાફ પણ માને કહે છે કે ચિંતા ન કરો, અમે ફૉર્મ્યુલા મિલ્ક આપી દઈશું. જોકે આ ઑપ્શન એકદમ છેલ્લો હોવો જોઈએ, પહેલો નહીં.
પ્રતીકાત્મક તસવીર
ઘણાં બાળકોને જન્મતાંની સાથે જ કોઈ ને કોઈ કારણોસર નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં રાખવાની જરૂર પડે છે. ક્યારેક બાળકને કમળો થયો હોય તો ક્યારેક એનું વજન ઓછું હોય કે પછી શ્વાસ બરાબર ન લઈ શકતું હોય. અનેક કારણોસર બાળકને NICUની જરૂર પડે છે. એવામાં બાળક થોડા દિવસો માટે માથી દૂર રહે છે.
નવજાત બાળકને જ્યારે ઇન્ટેન્સિવ કૅરની જરૂર હોય તો એમાં કંઈ ન થઈ શકે, પરંતુ એની સાથે બાળકને સ્તનપાન કઈ રીતે કરાવવું એ સમસ્યા પર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. આવા બાળકને ચૂસતાં નથી આવડતું, જેને કારણે માને દૂધ પણ બરાબર નથી આવતું. સમસ્યા એ છે કે કેટલીક વાર મેડિકલ સ્ટાફ પણ માને કહે છે કે ચિંતા ન કરો, અમે ફૉર્મ્યુલા મિલ્ક આપી દઈશું. જોકે આ ઑપ્શન એકદમ છેલ્લો હોવો જોઈએ, પહેલો નહીં.
NICUમાં બાળક શરીરથી ખૂબ નાનું હોય એટલે દૂધ ચૂસવાની અવસ્થામાં ન હોય એ સમજી શકાય. તેને એ સમયે પમ્પથી દૂધ કાઢીને જ આપવું પડે છે. NICUમાં રહેલા બાળક માટે માનું દૂધ દવાથી પણ વિશેષ ઉપયોગી સાબિત થાય છે. તેને એ રોગ સામે લડવામાં અને શરીરના ગ્રોથ માટે ઉપયોગી સાબિત થાય છે. બાળક NICUમાંથી બહાર આવે એ પછી તરત સ્તનપાન માટેના પ્રયત્નો શરૂ કરી દેવા જરૂરી છે. બાળકને દૂધ ચૂસવામાં વાર લાગી શકે, પણ ધીરજ છોડવી નહી. બાળક જ્યારે થોડું મોટું અને સક્ષમ થાય ત્યારે તમારે એને દૂધ પીતું કરવું પડશે. એ માટે બાળક ભૂખ્યું હોય ત્યારે તેને માના સ્તન પાસે લાવવું. આદર્શ રીતે તે જાતે સ્તનપાન કરી લે, પરંતુ શરૂઆતના અમુક દિવસો તેને વગર કોઈ પ્રયત્ને દૂધ મળ્યું છે એટલે દૂધ પીવા માટે તેણે પ્રયત્ન કરવો પડશે એ સમજ બાળકમાં હોતી નથી. એ દૂધ ન પીએ અને ભૂખને કારણે રડે તો પણ થોડી ધીરજ રાખો. તેને શીખવો અથવા તો એ જાતે શીખી શકે એટલો સમય આપો. આ સમયે મોટા ભાગે મા ઇમોશનલ થઈને પમ્પવાળું દૂધ બાળકને ચમચીથી પીવડાવી દે છે. આવું નહીં કરો. આ રીતે બાળક ક્યારેય સ્તનપાન કરતાં શીખશે નહીં અને હંમેશાં માટે તમારે પમ્પનો ઉપયોગ કરવો પડશે. શરૂઆતમાં તમે ભલે કરી લો, પણ ધીમે-ધીમે એ વધારાનું કામ તમને વધુ થકવશે. એક સમય એવો પણ આવે છે કે મા થાકીને સ્તનપાન મૂકી દે છે અને ફૉર્મ્યુલા મિલ્ક આપવા લાગે છે. આવું ન કરતાં. બાળક ખુદ સ્તનપાન કરે એનો સંતોષ બાળક અને મા બન્ને રહે છે. પમ્પ ઇમર્જન્સી માટે જ વાપરો. હંમેશાં માટેની આ આદત બરાબર નથી. આમ, ધીરજ અને નિષ્ઠાથી તમારું કામ પાર પડશે. બાળક જેટલું સ્તનપાન કરશે એટલો જ તેનો ગ્રોથ સારો થશે.
ADVERTISEMENT
- ડૉ. ઝીનલ ઉનડકટ
ડૉ. ઝીનલ ઉનડકટ અનુભવી લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટ છે. પ્રતિભાવ માટે ઈમેઇલ કરી શકો છો: feedbackgmd@mid-day. com
