લેટેસ્ટ સંશોધન કહે છે કે કૉફીમાં રહેલા કૅફેલ્ડિહાઇડ્સ નામનાં તત્ત્વો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરી શકે છે અને ટાઇપ-2 ડાયાબિટીઝના દરદીઓ માટે નૅચરલ ઇલાજ બની શકે છે. જોકે આ સંશોધનનું આંધળું અનુકરણ કરવા જેવું નથી
પ્રતીકાત્મક તસવીર
તાજેતરના એક સંશોધન મુજબ એક કપ કૉફી ટાઇપ-2 ડાયાબિટીઝના દરદીઓમાં બ્લડશુગરને નિયંત્રિત કરવામાં પ્રચલિત દવા એકાર્બોઝ કરતાં પણ વધુ સારી ભૂમિકા ભજવી શકે છે એવું નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે. આ સંશોધન ખાસ કરીને એવા લોકો માટે આશાસ્પદ છે જેઓ દરરોજ ઇન્જેક્શન કે દવાઓ પર નિર્ભર રહે છે.
કૉફી કેવી રીતે કામ કરે છે?
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોએ અરેબિકા કૉફીમાં કૅફેલ્ડિહાઇડ્સ A, B અને C નામનાં ત્રણ મહત્ત્વનાં સંયોજનો શોધી કાઢ્યાં છે. આ સંયોજનો શરીરમાં આલ્ફા-ગ્લુકોસિડેઝ નામના એન્ઝાઇમને બ્લૉક કરે છે. આ એન્ઝાઇમ ખોરાકમાંથી કાર્બોહાઇડ્રેટને તોડીને શુગર બનાવવાનું કામ કરે છે.
કૉફી આ પ્રક્રિયાને ધીમી પાડે છે, જેનાથી જમ્યા પછી લોહીમાં શુગર એકાએક વધતી નથી. અભ્યાસ મુજબ દિવસમાં ત્રણથી પાંચ કપ કૉફી પીવાથી ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
ટાઇપ-2 ડાયાબિટીઝ શું છે?
ટાઇપ-2 ડાયાબિટીઝ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં બ્લડશુગરનું સ્તર ખૂબ વધી જાય છે અને આ શુગરને મૅનેજ કરતા હૉર્મોન ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય અથવા એ પોતાનું કામ બરાબર કરી શકતું નથી ત્યારે શુગરનું પ્રમાણ વધી જાય ત્યારે ટાઇપ-2 ડાયાબિટીઝની અવસ્થા આવે છે. આ સમસ્યા પાછળ જવાબદાર કારણોમાં ખરાબ લાઇફસ્ટાઇલ, ખાસ કરીને વધુપડતું વજન, લિવરમાં વધારાની ચરબી અને જિનેટિક્સ વગેરેને મનાય છે. એનાં લક્ષણોમાં વધુપડતો થાક લાગવો, વધુ તરસ લાગવી અને વારંવાર યુરિન લાગવું વગેરેનો સમાવેશ થાય છે. શુગરના લેવલને જો કાબૂમાં ન રખાય તો હૃદયરોગ, સ્ટ્રોક, કિડની-ફેલ્યર અને દૃષ્ટિ ગુમાવવાનું જોખમ રહે છે.
આંધળું અનુકરણ નહીં
કૉફીમાં રહેલાં કેમિકલ્સ ડાયાબિટીઝની દવાની જેમ શુગરના નિયંત્રણમાં ઉપયોગી થઈ શકે છે એ સંશોધન પછી સમજ્યા-વિચાર્યા વિના એને પીવાનું શરૂ ન કરી દેવાની સલાહ પણ નિષ્ણાતો આપે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે કૉફીના સેવનમાં સંતુલન રાખવું અનિવાર્ય છે, કારણ કે સંશોધનો એની કેટલીક આડઅસરો પણ દર્શાવે છે. જેમ કે વધુપડતી કૉફી અથવા મોડી સાંજે એનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તા બગડી શકે છે. કૅફીન મગજને સતર્ક રાખે છે, જેનાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. કૉફી ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે. એ પેટમાં ઍસિડનું ઉત્પાદન વધારે છે; જેના કારણે ઍસિડિટી, હાર્ટબર્ન અથવા પાચનમાં અડચણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુપડતા કૅફીનથી હૃદયના ધબકારા અસામાન્ય રીતે વધી શકે છે. અમુક કિસ્સામાં એ ટૂંકા ગાળા માટે બ્લડપ્રેશરમાં પણ વધારો કરી શકે છે. કૅફીન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે. જે લોકો સંવેદનશીલ હોય તેમનામાં વધુપડતી કૉફી ગભરાટ, ધ્રુજારી અને માનસિક ચિંતામાં વધારો કરી શકે છે. સંશોધન મુજબ જમ્યા પછી તરત જ પહેલાં કે પછી કૉફી પીવાથી આયર્ન અને કૅલ્શિયમ જેવાં જરૂરી પોષક તત્ત્વોના શોષણમાં ઘટાડો થઈ શકે છે.
સૌથી શ્રેષ્ઠ ઉપાય
કૉફી બ્લડશુગર મૅનેજમેન્ટમાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ એ ડાયાબિટીઝની દવાઓનો સંપૂર્ણ વિકલ્પ નથી. ટાઇપ-2 ડાયાબિટીઝને નિયંત્રિત કરવા માટે વજન ઘટાડવું, યોગ્ય આહાર અને શારીરિક કસરત સૌથી પાયાની જરૂરિયાતો છે. વધુપડતી ખાંડ કે ક્રીમવાળી કૉફી પીવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત ફેરફાર કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિના શરીર પર કૅફીનની અસર અલગ-અલગ હોય છે.


