આરોપ મૂક્યો કે મુંબ્રામાં રહેતી લઘુમતી હિન્દુ વસ્તીમાં ભય ફેલાવવા માટે કટ્ટર ભાષણો કરવામાં આવી રહ્યાં છે
ગઈ કાલે મુંબ્રા પોલીસ-સ્ટેશનમાં કિરીટ સોમૈયા.
BJPના એક પ્રતિનિધિમંડળે AIMIMનાં નવાં ચૂંટાયેલાં કૉર્પોરેટર સહર શેખના ઉશ્કેરણીજનક સ્ટેટમેન્ટ મુંબ્રાને સંપૂર્ણપણે લીલા રંગે રંગવામાં આવશે પર પોલીસને લેખિત ફરિયાદ કરીને આ મામલે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળની ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણીનાં પરિણામોમાં નોંધપાત્ર વિજય મેળવ્યો હતો. એણે TMCની ૧૩૧ બેઠકોમાંથી પાંચ બેઠકો જીતીને ખાતું ખોલવામાં નિષ્ફળ રહેલી કૉન્ગ્રેસ અને એક બેઠક મેળવનાર શિવસેના (UBT) જેવા પક્ષોને પાછળ છોડી દીધા હતા. પોતાના વિજય-ભાષણમાં સહર શેખે કહ્યું હતું કે ‘આગામી પાંચ વર્ષમાં મુંબ્રામાં દરેક ઉમેદવાર AIMIMનો હશે. મુંબ્રાને સંપૂર્ણપણે લીલો રંગ કરવો જોઈએ.’
ADVERTISEMENT
BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાના નેતૃત્વમાં BJPના પ્રતિનિધિમંડળે ગઈ કાલે મુંબ્રા પોલીસ-સ્ટેશનમાં લેટર આપીને ફરિયાદ નોંધાવી હતી કે આ સ્ટેટમેન્ટનો હેતુ સાંપ્રદાયિક તનાવ ભડકાવવાનો હતો. કિરીટ સોમૈયાએ તેમના લેટરમાં કહ્યું હતું કે ‘આ નિવેદન ઉશ્કેરણીજનક હતું. જોકે એમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી. મ્યુનિસિપલ ચૂંટણીમાં વિજય પછી AIMIMના નેતાઓએ હવે મુંબ્રામાં ઉશ્કેરણીજનક ભાષણો આપવાનું શરૂ કરી દીધું છે, પરંતુ મુંબ્રા મહારાષ્ટ્રનું છે અને રાજ્ય છત્રપતિ શિવાજી મહારાજના ભગવા આગળ નમે છે.’
કિરીટ સોમૈયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે એ ભાષણો મુસ્લિમ કટ્ટરતા દર્શાવે છે અને મુંબ્રામાં રહેતી લઘુમતી હિન્દુ વસ્તીમાં ભય ફેલાવવા માટે કરવામાં આવે છે. લેટરમાં અધિકારીઓને પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી હતી.
આ બાબતને કન્ફર્મ કરતાં મુંબ્રા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ જણાવ્યું હતું કે ‘એક પ્રતિનિધિમંડળ મને મળ્યું હતું અને ચૂંટાયેલાં AIMIMનાં ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા સ્ટેટમેન્ટ અંગે ફરિયાદ સબમિટ કરી હતી. ફરિયાદની તપાસ હાલમાં ચાલી રહી છે.’
પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કોઈ કાનૂની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે કે કેમ એ નક્કી કરવા માટે તેમની તપાસના ભાગરૂપે કથિત ભાષણના વિડિયો ફુટેજ અને ટ્રાન્સ્ક્રિપ્ટની સમીક્ષા કરી રહ્યા છે.


