હલકાં, કમ્ફર્ટેબલ અને રંગબેરંગી ક્રૉક્સ બાળકો માટે આકર્ષક લાગે છે; પરંતુ પગના વિકાસના તબક્કે યોગ્ય ફિટિંગ, ફ્લેક્સિબિલિટી ધરાવતાં ફુટવેઅર વધુ જરૂરી છે. નિષ્ણાતો પાસેથી જાણીએ કે બાળકો માટે ક્રૉક્સ ક્યારે યોગ્ય છે અને ક્યારે ટાળવાં જોઈએ
પ્રતીકાત્મક તસવીર
આજના સમયમાં ફૅશન અને કમ્ફર્ટ દરેક માતા-પિતા માટે પ્રાથમિકતા બની ગયાં છે. બાળકો માટે પણ વિવિધ પ્રકારનાં આકર્ષક અને રંગબેરંગી ફુટવેઅર બજારમાં ઉપલબ્ધ છે. એમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ક્રૉક્સનો ટ્રેન્ડ બાળકો અને વયસ્કો બન્નેમાં ખૂબ જ લોકપ્રિય થયો છે. વજનમાં હલકાં, પહેરવામાં સરળ અને સાફ કરવામાં આસાન હોવાને કારણે મોટા ભાગના પેરન્ટ્સ પોતાનાં બાળકોને રોજિંદા જીવનમાં ક્રૉક્સ પહેરાવવાનું પસંદ કરે છે. જોકે નાનાં બાળકોને રોજિંદા જીવનમાં કે લાંબા સમય સુધી ક્રૉક્સ પહેરાવવાં હાનિકારક સાબિત થઈ શકે છે. બાળકો જ્યારે ચાલવાનું શીખી રહ્યાં હોય અથવા તેમના પગનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે આ ક્રૉક્સ તેમના પગના કુદરતી વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે. આ વિશે આપણે ફિઝિયોથેરપિસ્ટ પ્રણાલી ગોગરી છેડા પાસેથી જાણીએ.
ક્રૉક્સ કઈ રીતે નુકસાન પહોંચાડી શકે?
ADVERTISEMENT
ક્રૉક્સ પોતે નુકસાનકારક ફુટવેઅર નથી, પરંતુ એનો લાંબા સમય સુધી ઉપયોગ બાળકોના પગના વિકાસ, પૉશ્ચર, સંતુલન અને ચાલવાની રીતને અસર કરી શકે છે. ખાસ કરીને દોડતી-કૂદતી વખતે કે વારંવાર દિશા બદલતી વખતે ક્રૉક્સ વિકાસ પામતા પગને પૂરતી સ્થિરતા અને એડીનો જરૂરી સપોર્ટ આપી શકતાં નથી. ક્રૉક્સ સામાન્ય રીતે ઢીલાં ફિટિંગ અને જાડાં તળિયાંવાળાં હોવાથી બાળકને પગની હિલચાલ અને જમીન સાથેના સ્પર્શનો પૂરતો અનુભવ નથી મળતો, જેના કારણે તેની ચાલવાની રીતમાં ફેરફાર થઈ શકે છે. સ્થિરતા જાળવવા માટે બાળક અજાણતાં જ પગ મૂકવાની પોતાની રીતમાં ફેરફાર કરીને ચાલવા લાગે છે. ખાસ કરીને જ્યારે ફુટવેઅર ઢીલાં હોય અથવા એડી યોગ્ય રીતે સુરક્ષિત ન હોય ત્યારે તે પગમાંથી સરકી ન જાય એ માટે બાળક આંગળીઓને વાળીને એને પકડી રાખવાનો પ્રયાસ કરી શકે છે. આંગળીઓને વાળીને ફુટવેઅર પકડી રાખવાની આ ટેવને ટો-ગ્રિપિંગ કહેવામાં આવે છે. સતત આવું થવાથી પગ અને આંગળીઓના સ્નાયુઓ પર વધારાની તાણ આવી શકે છે અને પગ કે પિંડીમાં થાક, એડીમાં અસ્વસ્થતા તથા સંતુલનમાં ફેરફાર થઈ શકે છે. જોકે હાલમાં એવા મજબૂત પુરાવા નથી કે માત્ર ક્રૉક્સ પહેરવાથી બાળકના પગના વિકાસમાં કાયમી ફેરફાર થાય છે. એની અસર બાળકની ઉંમર, પગની રચના, ફુટવેઅરનું ફિટિંગ અને બાળક કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે એના પર પણ આધાર રાખે છે. યોગ્ય ફિટિંગ અને એડીને સુરક્ષિત રીતે પકડી રાખતા હીલ સ્ટ્રેપનો ઉપયોગ કરવાથી આવી સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે.
ક્રૉક ક્યારે પહેરાય અને ક્યારે નહીં?
ચાલતાં શીખી રહેલાં નાનાં બાળકો માટે ક્રૉક્સને પ્રાઇમરી વૉકિંગ શૂઝ તરીકે પસંદ કરવાને બદલે તેમની ઉંમર અને પ્રવૃત્તિ અનુસાર યોગ્ય ફુટવેઅર પસંદ કરવાં વધુ યોગ્ય છે. શરૂઆતના તબક્કામાં સુરક્ષિત વાતાવરણમાં થોડો સમય ખુલ્લા પગે ચાલવાથી બાળકને જમીનનો સીધો સ્પર્શ મળે છે અને તે સંતુલન તથા પગની હિલચાલને સ્વાભાવિક રીતે વિકસાવી શકે છે. બહાર જવા માટે ફુટવેઅર પહેરાવવાની જરૂર પડે ત્યારે પેરન્ટ્સે હળવા વજનનાં, ફ્લેક્સિબલ તળિયાવાળાં અને યોગ્ય ફિટિંગ ધરાવતાં ફુટવેઅર પસંદ કરવાં જોઈએ. એડી સારી રીતે સ્થિર રહે; પગને સુરક્ષિત રીતે પકડી રાખવા માટે સ્ટ્રેપ, વેલ્ક્રો કે લેસની વ્યવસ્થા હોય; સોલની પકડ સારી હોય અને આગળનો ભાગ પૂરતો પહોળો હોયજેથી બાળકની આંગળીઓને સ્વાભાવિક રીતે હલનચલન માટે જગ્યા મળે. ક્રૉક્સ કેટલીક પરિસ્થિતિઓમાં પ્રૅક્ટિકલ સાબિત થઈ શકે છે. જેમ કે સ્વિમિંગ-પૂલની આસપાસ, બીચ, પાણીની રમતો અથવા ટૂંકા સમય માટે કૅઝ્યુઅલ ઉપયોગ; કારણ કે એ પહેરવામાં અને સાફ કરવામાં સરળ હોય છે. જોકે લાંબા સમય સુધી ચાલવા, દોડવા, કૂદવા, ચડવા, હાઇકિંગ અથવા સ્પોર્ટ્સ જેવી વધુ સક્રિય પ્રવૃત્તિઓ દરમ્યાન વધુ સુરક્ષિત અને યોગ્ય સપોર્ટ આપતાં ફુટવેઅર પસંદ કરવાં જોઈએ. સ્કૂલ અને રોજિંદા લાંબા સમયના ઉપયોગ માટે પણ બાળકની ઉંમર, પગની રચના અને પ્રવૃત્તિ અનુસાર યોગ્ય રીતે ફિટ થતાં ફુટવેઅર વધુ સારો વિકલ્પ છે.
ફુટવેઅરની પસંદગીમાં આ ધ્યાન રાખો
બાળકો માટે ડેઇલી લાઇફમાં પહેરવાનાં ફુટવેઅર પસંદ કરતી વખતે દેખાવ કે બ્રૅન્ડ પાછળ ભાગવાને બદલે એનું ફિટિંગ, ફ્લેક્સિબિલિટી, સ્ટેબિલિટી અને કમ્ફર્ટ પર ધ્યાન આપવું જોઈએ.
ફ્લેક્સિબિલિટી : ફુટવેઅર એ જગ્યાએથી વળવું જોઈએ જ્યાં બાળકની આંગળીઓ સ્વાભાવિક રીતે વળે છે. ખૂબ જ સખત તળિયાંવાળાં ફુટવેઅર લેવાનું ટાળવું.
તળિયું : હળવા વજનનું, યોગ્ય પ્રમાણમાં પાતળું અને ફ્લેક્સિબલ હોવું જોઈએ જેમાં પૂરતી પકડ હોય.
એડી : એડી ફુટવેઅરની અંદર સારી રીતે સ્થિર રહેવી જોઈએ અને ચાલતી વખતે ઉપર-નીચે સરકવી ન જોઈએ. માત્ર ફુટવેઅરના આકાર પર આધાર રાખવા કરતાં પગને યોગ્ય રીતે પકડી રાખે એવાં સુરક્ષિત સ્ટ્રેપ, વેલ્ક્રો અથવા લેસવાળાં ફુટવેઅર પસંદ કરવાં વધુ યોગ્ય છે.
આંગળીઓની જગ્યા : પગની આંગળીઓને કુદરતી રીતે ફેલાવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. ફુટવેઅર આગળથી પંજાને દબાવતાં ન હોવાં જોઈએ કે સાંકડાં ન હોવાં જોઈએ.
ફિટિંગ : બાળક મોટું થઈ જશે એવું વિચારીને ક્યારેય બહુ મોટાં ફુટવેઅર ન ખરીદવાં. બહુ ઢીલાં ફુટવેઅર બાળકની ચાલ અને સંતુલન બગાડી શકે છે.
વજન : ફુટવેઅર હંમેશાં હળવાં હોવાં જોઈએ, જેથી બાળકે ચાલતી વખતે એનું વજન ન ખેંચવું પડે.
ક્રૉક્સ કોઈ દુશ્મન નથી. સમસ્યા એ છે કે દરેક પ્રવૃત્તિ માટે એક જ ફુટવેઅરનો ઉપયોગ કરવો જોઈએ? સ્વિમિંગ-પૂલની આસપાસ ૨૦ મિનિટ માટે ક્રૉક્સ પહેરનાર બાળક અને સ્કૂલમાં ૮ કલાક સુધી, દોડતી વખતે તથા પ્લેગ્રાઉન્ડની પ્રવૃત્તિઓમાં ઢીલાં ક્રૉક્સ પહેરનાર બાળક વચ્ચે મોટો તફાવત છે અને આ બાબત પારખવા માટે સૌથી સારો સંકેત ખુદ બાળક છે. જો તેમને વારંવાર ઠેસ વાગવી, આંગળીઓથી ફુટવેઅર પકડી રાખવું (ટો-ગ્રિપિંગ), ઘસાઈને ચાલવું, એડી લપસવી, અસામાન્ય થાક લાગવો અથવા તેમની ચાલવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે તો ફુટવેઅર ફરીથી તપાસો. ક્રૉક્સનું પોતાનું સ્થાન હોઈ શકે છે, પરંતુ એને આખો દિવસ કે દરેક પ્રવૃત્તિ માટેનાં ફુટવેઅર ન માનવાં જોઈએ.
