બહારનું તેલ શોષાવાથી આંગળીઓ પર ઑઇલ ઓછું લાગશે, પરંતુ એમાં રહેલા હાનિકારક તેલથી બચવું શક્ય નથી
ટિશ્યુ પેપરથી તેલ નિતારી લેવાથી ભજિયાં કે સમોસા હેલ્ધી થઈ જાય?
ભજિયાં, વડાપાંઉ, સમોસા, બ્રેડ પકોડા, કાંદાભજી જેવી તળેલી વાનગીઓ રોડસાઇડ લારી પરથી ખાવાની હોય કે મોટી રેસ્ટોરાંની ફ્રેન્ચ ફ્રાઇઝ; વરસતા વરસાદમાં એ ખાવાની મજા જ કંઈક ઑર છે. જોકે તેલ ઓછું ખાવાનું છે એવી ડૉક્ટરની સલાહ યાદ આવતાં ગિલ્ટ થઈ જાય. તળેલી ચીજોમાંથી વધારાનું તેલ કાઢવા માટે કેટલાક લોકો ટિશ્યુ પેપરનો ઉપયોગ કરે છે. સમોસા કે પકોડાને ટિશ્યુની વચ્ચે દબાવી-દબાવીને એમાંથી તેલ કાઢી નાખવાથી હાશકારો થાય કે હવે વધારે તેલ નથી, પણ શું ટિશ્યુ પેપરથી તળેલા નાસ્તા નિતારી લેવાથી ફાયદો થાય છે ખરો?
આપણી આ આદત પર નાનકડી મેડિકલ રિસર્ચ પણ થઈ છે. ચાલો, જોઈએ આ અભ્યાસ શું કહે છે. ફૂડ કેમિસ્ટ્રી નામની ૨૦૨૫ની જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ મુજબ તળેલી ચીજોમાં બે પ્રકારનું તેલ હોય છે. એક જે સપાટી પર હોય છે એટલે વાનગીને પકડતાં જ આંગળીઓ તેલવાળી થાય છે. બીજું તેલ એ જે વાનગીની અંદર શોષાઈ ગયું હોય છે. જ્યારે તમે ટિશ્યુ પેપરથી તળેલી વાનગીને દબાવીને તેલ શોષી લો છો ત્યારે ઘણુંખરું તેલ એમાં આવી જાય છે. જોકે એ બહારની સપાટીવાળું તેલ જ હોય છે. જે ઑઇલ ઑલરેડી વાનગીની અંદર શોષાઈ ચૂક્યું છે એ શોષાશે નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે તળેલી વાનગીઓ ખાવાનું બહુ મન થયું હોય ત્યારે તમે એને ટિશ્યુ પેપરથી સાફ કરીને ખાઓ તો પણ એમાં તેલની માત્રા તમારા શરીરની જરૂરિયાત કરતાં વધુ જ હોય છે. એનાથી માત્ર તમારા હાથ પર લાગતું તેલ ઘટે છે, વાનગીની અંદર શોષાયેલું તેલ પણ એટલું જ ખતરનાક છે. રાધર, વારંવાર ગરમ કરીને વપરાયેલું તેલ વાનગીની બહારની સપાટી પર રહેવાને બદલે વધુ ઝડપથી વાનગીની અંદર સુધી પહોંચી જતું હોય છે. ટૂંકમાં, તેલ ઓછું ખાવું હોય તો ડીપ ફ્રાય કરેલું ખાવાનું ટાળવું એ જ બેસ્ટ છે. હૃદયરોગના નિષ્ણાતોના મતે તેલની માત્રા ઓછી લેવી એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે તેલ કેવું છે એ જોવાનું. વારંવાર ગરમ થયેલી કે લાંબા સમયથી ગૅસ પર ઊકળતા તેલમાં તળાયેલી ચીજો હાર્ટ માટે જોખમી છે જ. એનાથી ઓબેસિટીનું જોખમ વધવા ઉપરાંત રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલની જમાવટ કરવાનું રિસ્ક પણ રહે છે.
તો શું કરવું?
ADVERTISEMENT
સૌથી પહેલાં તો બહારનું તળેલું ખાવાનું બને એટલું ઓછું કરવું. ઘરે તળેલી વાનગીઓ બનાવવાનું મન થાય તો ખૂબ ઓછું તેલ વાપરીને શૅલો ફ્રાય કરવું અથવા તો જસ્ટ ઉપરથી તેલ લગાવીને ઍરફ્રાય કરવું. આજકાલ ઍરફ્રાયર ખૂબ સારી ક્વૉલિટીનાં આવે છે જે ઓછા અથવા નહીંવત્ તેલમાં ફ્રાઇડ જેવી જ વાનગી બનાવી શકે છે. ધારો કે બહાર ખાવાનું ક્યારેક થાય તો સાફ ટિશ્યુથી ઉપરનું તેલ શોષી લેવામાં કોઈ જ વાંધો નથી. બસ, એવું ધારી ન લેવું કે તેલ શોષાઈ ગયું છે એટલે એ વાનગી હેલ્ધી થઈ ગઈ છે.
