Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઓછો નહીં આંકતા પમ્પકિનના પાવરને

ઓછો નહીં આંકતા પમ્પકિનના પાવરને

Published : 10 November, 2025 12:18 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ઑક્ટોબરમાં છેલ્લા દિવસે ઊજવાયેલા હૅલોવીનને કારણે છેલ્લા થોડાક દિવસોથી પમ્પકિન એટલે કે કોળું સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે પરંતુ શું તમને ખબર છે કે વિદેશમાં સજાવટ કે નકારાત્મકતા દૂર રાખવા માટે વપરાતું કોળું સ્કિન-હેલ્થથી લઈને હાર્ટ-હેલ્થને અઢળક ફાયદા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાશ્ચાત્ય દેશોમાં મુખ્ય તહેવાર ગણાતો હૅલોવીન હવે ભારતમાં પણ એની લોકપ્રિયતા વધતાં મોટા પાયે ઊજવાય છે. ઑક્ટોબર મહિનાના છેલ્લા દિવસે આવતો આ તહેવાર હવે ભારતમાં પણ કેટલીક જગ્યાએ અઠવાડિયા સુધી ઊજવાય છે. એક માન્યતા મુજબ હૅલોવીનના દિવસે આત્માઓ જમીન પર આવે છે અને એમના પ્રભાવથી બચવા લોકો પોતાના ઘરની બહાર ખોખલા ફળની અંદર દીવો મૂકે છે, જેથી આત્માઓ દૂર રહે. આઇરિશ લોકો અમેરિકા સ્થળાંતર કરીને ગયા ત્યારે ત્યાં પમ્પકિન એટલે કે કોળાં મળ્યાં એટલે તેમણે એને પોલાં કરીને દીવો રાખવાનું શરૂ કર્યું. દેખાવમાં એ સારું લાગતું હોવાથી આ ચલણ હવે બધા જ દેશોમાં પ્રચલિત બન્યું અને આ તહેવારનું સિમ્બૉલ બની ગયું. જોકે ભારત જેવા પૂર્વીય દેશમાં પમ્પકિન સુપરફૂડ તરીકે વખણાયું છે. ભારતીય રસોડામાં પોષણનું પ્રતીક માનવામાં આવતા કોળાને જો ડાયટમાં સામેલ કરવામાં આવે તો કયા પ્રકારે તમારા સ્વાસ્થ્યને ફાયદો આપે છે એ નિષ્ણાત પાસેથી જાણીએ.

સ્કિન અને હેર-હેલ્થ માટે સર્વોત્તમ



પમ્પકિન સ્વાસ્થ્યનો કુદરતી ખજાનો છે એ વાત સાથે સહમત થતાં ડાયટ અને ન્યુટ્રિશન ક્ષેત્રે ૧૭ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતા ક્લિનિકલ ડાયટિશ્યન, ચાઇલ્ડ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયાબિટીઝ એજ્યુકેટર​ વિધિ શાહ કહે છે, ‘પમ્પકિન એવું શાક છે જે સ્વાદમાં મીઠું લાગશે અને આરોગ્ય માટે પણ લાભદાયી છે. એ ઋતુજન્ય શાક હોવાથી ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી માર્કેટમાં તાજાં અને મીઠાં પમ્પકિન મબલક પ્રમાણમાં મળી રહે છે. દેખાવમાં પીળાશયુક્ત અથવા કેસરી રંગનાં પમ્પકિનમાં બીટા કૅરોટિન નામનું રસાયણ હોય છે જે શરીરમાં જઈને વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. એ વિટામિન આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. કોળામાંથી વિટામિન E પણ મળે છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સારું રાખે છે. એના સેવનથી ડેડ સ્કિન-સેલ્સ દૂર થાય છે જેનાથી ત્વચા ગ્લોઇંગ, યંગ અને ફાઇન લાઇન્સ તથા રિંકલ્સમુક્ત બને છે.  એ એજિંગ પ્રોસેસને પણ સ્લો કરતી હોવાથી ઍન્ટિ-એજિંગ ફૂડ પણ કહેવાય છે. આ ઉપરાંત ત્વચામાં રહેલા કૉલેજન નામના પ્રોટીનને વધારવામાં, ઇન્ફ્લમેશન એટલે કે સોજા અને પિમ્પલ્સને ઘટાડવામાં પણ એ મદદ કરે છે. પમ્પકિનમાંથી ભરપૂર માત્રામાં ફાઇબર મળવાથી સ્કિનનું ડીટોક્સિફિકેશન થાય છે. એનાથી સ્કિનની સાથે વાળને લગતી સમસ્યાઓ પણ ઓછી થાય છે. એમાં રહેલાં પોષક તત્ત્વો વાળનાં મૂળને મજબૂત રાખવામાં, નવા વાળ ઉગાડવામાં, વાળનું વૉલ્યુમ વધારવામાં મદદ કરે છે.’


લો કૅલરી ફૂડ

વેઇટ-મૅનેજમેન્ટ માટે કોળું મહત્ત્વનો ભાગ ભજવે છે એમ જણાવીને વિધિ શાહ કહે છે, ‘કોળામાં કૅલરીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ૧૦૦ ગ્રામ કોળામાંથી પચીસથી ૩૦ ગ્રામ કૅલરી મળે છે. એમાંથી મળતું ફાઇબર પાચનને ધીમું અને સંતુલિત બનાવે છે, જેને કારણે કોળું ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આ ફુલનેસ ઇફેક્ટને લીધે ઓવરઈટિંગથી બચી શકાય છે અને એ રીતે વજન ધીમે-ધીમે ઘટે છે. પમ્પકિનમાં ૯૦ ટકા જેટલું પાણી હોય છે તેથી એનું સેવન શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ટૉક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. પમ્પકિનમાં રહેલાં મૅગ્નેશિયમ, પોટૅશિયમ અને ફાઇબર હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી ઘટક છે. પોટૅશિયમ બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખે છે, જ્યારે ફાઇબર ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરે છે. એની સાથે રક્તનળીઓમાં ચરબી જમા થવાની પ્રક્રિયા ધીમી કરે છે, જેના કારણે હાર્ટ-અટૅક અને સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ ઘટે છે. પમ્પકિનમાં રહેલું ફાઇબર પાચનને સમતોલ બનાવે છે. એ આંતરડાંને સક્રિય રાખીને કબજિયાત દૂર કરે છે અને ગટ-હેલ્થને સારી રાખે છે. એમાંથી મળતું વિટામિન C શરદી, ઉધરસ કે વાઇરલની અસર ઓછી કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધુ સારી બનાવવામાં પણ મદદ કરે છે.’


ખાવાની યોગ્ય પદ્ધતિ

પમ્પકિનના પલ્પને થોડું મીઠું અને મસાલા સાથે ઉકાળીને ખાઈ શકાય એમ જણાવતાં વિધિ શાહ કહે છે, ‘એનું એનું સ્વાદિષ્ટ સૂપ પણ ડાયટમાં ઉમેરી શકાય એમ જણાવતાં વિધિ શાહ કહે છે, ‘શાકભાજી સાથે બાફેલું અથવા રોસ્ટ કરેલું કોળું ખાવું બેસ્ટ ઑપ્શન છે. ઘણા લોકો દૂધ અથવા દહીં સાથે પમ્પકિન બ્લેન્ડ કરીને સ્મૂધી બનાવીને પીએ છે. ઘણા લોકોના ઘરમાં શાક પણ બને છે. આજની તારીખમાં કેટલાક ચુસ્ત ગુજરાતીઓ કોળું નથી ખાતા, પણ એના ફાયદા જાણીને ઘરે-ઘરે એનું શાક બનાવીને, સાંભારમાં ઉમેરીને ખાઈ રહ્યા છે. જો તમારે કૉમ્બિનેશન સાથે ખાવું હોય તો લીલાં શાકભાજી, દાળ અથવા ચણા સાથે ખાશો તો પોષણ સંતુલિત રહેશે. બૉડી-બિલ્ડિંગ માટે પનીર અથવા દહીં સાથે ખાવાથી ફાયદો થાય છે. ઘઉંના રોટલા અને બ્રાઉન રાઇસ સાથે પણ એ ખાઈ શકાય. સામાન્ય રીતે દૈનિક આહારમાં ૧૦૦ ગ્રામ જેટલું પમ્પકિન પૂરતું છે. જો વજન ઘટાડવાનો પ્લાન હોય તો દિવસમાં એક વાર પમ્પકિનનો સૂપ પીવો જોઈએ અથવા શાક ખાવું જોઈએ. પમ્પકિનમાં શર્કરાનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીઝ ધરાવતા લોકોએ એ મર્યાદામાં ખાવું જોઈએ. હાઇપરટેન્શન ધરાવતા લોકોમાં પોટૅશિયમયુક્ત આહાર ખાવાથી બ્લડ-પ્રેશર વધુ ઘટી શકે છે એટલે આવા લોકોએ મર્યાદામાં એનું સેવન કરવું હિતાવહ રહેશે.’

આયુર્વેદની દૃષ્ટિએ પણ છે કોળું ખાસ

જે લોકોના શરીરમાં ગરમી, ઍસિડિટી, ચીડિયાપણું અથવા ઉશ્કેરાટ વધારે હોય છે તેમના માટે પમ્પકિન એક કુદરતી ઠંડક આપનાર ખોરાક છે. એ પાચનમાં સરળ છે અને યકૃત પર હળવો પ્રભાવ પાડે છે એટલે શરીરમાં પિત્તનું સંતુલન જાળવે છે. શિયાળામાં વાતદોષ વધે છે જેનાથી સાંધાવો દુખાવો, તનાવ, નિદ્રાની સમસ્યા થાય છે. પમ્પકિનમાં રહેલો ભેજ અને મધુર સ્વભાવ વાતને શાંત કરીને મન અને શરીરને આરામ આપે છે. પમ્પકિન રક્ત શુદ્ધ કરે છે. કબજિયાત, ઍસિડિટી અથવા પિત્તજન્ય ઊલટી જેવી સ્થિતિમાં ઉકાળેલું કોળું ઔષધ સમાન કામ કરે છે. શીતળ સ્વભાવના કારણે એ મનને શાંત કરે છે અને તનાવ-ચિંતામાં રાહત આપે છે. આયુર્વેદમાં એને સાત્ત્વિક આહાર ગણવામાં આવે છે જે મનની શુદ્ધિ અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. આયુર્વેદમાં કોળાના છોડને સર્વાંગ હિતકારી માનવામાં આવ્યું છે એટલે કે એનું દરેક અંગ માનવ-આરોગ્ય માટે ફાયદાકારક છે.

તમને ખબર છે?

ભારતમાં પમ્પકિનને શાક માનવામાં આવે છે, પણ વનસ્પતિશાસ્ત્રમાં પમ્પકિન એક ફળ છે કારણ કે એ ફૂલમાંથી ઊગે છે અને એમાં બીજ હોય છે. એ કાકડી અને તરબૂચના પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

પમ્પકિન નામની ઉત્પત્તિ ગ્રીક શબ્દ પેપોનમાંથી થઈ છે. એનો અર્થ મોટું તરબૂચ થાય છે.

પમ્પકિનનું મૂળ મધ્ય અમેરિકા અને મેક્સિકોમાં છે. એના સૌથી જૂના પુરાવા મળ્યા છે જે આશરે ૯૦૦૦ વર્ષ જૂના છે.

પમ્પકિન આમ તો નારંગી રંગનું હોય છે. માર્કેટમાં સફેદ, પીળા, લાલ, વાદળી અને લીલા કલરનાં પમ્પકિન પણ વેચાય છે.

૨૦૨૩માં ૧૨૪૭ કિલો વજન ધરાવતું પમ્પકિન ઉગાડવામાં આવ્યું હતું અને એ વિશ્વનું સોથી મોટું પમ્પકિન હોવાની નોંધ થઈ હતી.

પમ્પકિનને ગુજરાતના લોકો કોળું કહે છે. એનો આકાર મોટો હોવાથી અને પૌરાણિક માન્યતાઓ મુજબ દુષ્ટ શક્તિઓના નાશનું પ્રતીક મનાતા રાવણના માથા જેવી સમાનતા હોવાથી એને ‘રાવણનું માથું’ પણ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કોળાને પશુ બલિદાનના પ્રતીક તરીકે જોવામાં આવતું હોવાથી ચુસ્ત લોકો એને ખાવાનું ટાળે છે.

સાઉથ ઇન્ડિયામાં તો વાઇટ પમ્પકિનને છતની બહાર લટકાવે છે. એની સાથે એવી માન્યતા સંકળાયેલી છે કે કોળું નકારાત્મક એનર્જી શોષી લે છે જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાય છે. લોકો ધાર્મિક કાર્યોમાં પણ પમ્પકિન દેવી-દેવતાઓને અર્પણ કરે છે.

પમ્પકિનના પલ્પની સાથે એનાં બીજ, ડાળી, પાન અને ફૂલ પણ ખાવાયોગ્ય છે. ફૂલનો ઉપયોગ દ​િક્ષણ ભારતની રસોઈમાં થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2025 12:18 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK