ઘણી વાર નાની-નાની શારીરિક સમસ્યાઓ માટે ડૉક્ટરની સલાહ લીધા વિના મેડિકલ સ્ટોર પરથી આપણે દવાઓ કે અન્ય પ્રોડક્ટ્સ લઈએ છીએ; પરંતુ આ સાવ નિર્દોષ લાગતા લિપ બામ, આઇ ડ્રૉપ્સ કે પેઇનકિલરનો અતિરેક તમને એના વ્યસની પણ બનાવી શકે છે અને સમસ્યા દૂર કરવાને બદલે વધુ ગ
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર નાની-નાની શારીરિક સમસ્યાઓ માટે ડૉક્ટરની સલાહ લીધા વિના મેડિકલ સ્ટોર પરથી આપણે દવાઓ કે અન્ય પ્રોડક્ટ્સ લઈએ છીએ; પરંતુ આ સાવ નિર્દોષ લાગતા લિપ બામ, આઇ ડ્રૉપ્સ કે પેઇનકિલરનો અતિરેક તમને એના વ્યસની પણ બનાવી શકે છે અને સમસ્યા દૂર કરવાને બદલે વધુ ગંભીર બનાવી શકે છે. જાણી લો કઈ-કઈ વસ્તુઓનો વધુપડતો ઉપયોગ નુકસાનકારક છે અને શું કામ.
નેઝલ સ્પ્રે
ADVERTISEMENT
શરદી કે સાઇનસ વખતે લોકો દ્વારા અવારનવાર વપરાતું નેઝલ સ્પ્રે બંધ નાકને ખોલવા માટે રામબાણ મનાય છે, પરંતુ નિષ્ણાતોના મતે એનો એક અઠવાડિયાથી વધુ ઉપયોગ નાકની અંદરની નાની નળીઓને નુકસાન કરી શકે છે. એનાથી રીબાઉન્ડ કન્જેશન થઈ શકે છે એટલે કે સ્પ્રેની અસર પૂરી થતાં જ નાક પહેલાં કરતાં પણ વધુ બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
આઇ ડ્રૉપ્સ
આંખની લાલાશ ઘટાડવા માટે વપરાતાં ડ્રૉપ્સ રક્તવાહિનીઓને સંકોચવાનું કામ કરે છે, પરંતુ એની અસર પૂરી થતાં જ લોહીનું પરિભ્રમણ ફરી વધે છે અને આંખ વધુ લાલ દેખાય છે. લાંબા ગાળે આનાથી આંખમાં બળતરા અને લાલાશની સમસ્યા વધી શકે છે.
પેઇનકિલર
પૅરાસિટામોલ કે આઇબુપ્રોફેન જેવી પેઇનકિલરનો વારંવારનો ઉપયોગ મેડિકેશન-ઓવરયુઝ હેડેક એટલે કે દવાના અતિરેકથી થતો માથાનો દુખાવો નોતરી શકે છે. અઠવાડિયામાં બે વારથી વધુ પેઇનકિલર ન લેવી જોઈએ, કારણ કે શરીર એના વગર દુખાવો સહન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે.
લિપ બામ
જો તમે દર ૩૦થી ૬૦ મિનિટે લિપ બામ લગાવો છો તો સાવધાન થઈ જજો. મેન્થૉલ, સેલિસિલિક ઍસિડ કે આલ્કોહૉલ ધરાવતા લિપ બામ હોઠના કુદરતી તેલને દૂર કરી શકે છે જેનાથી હોઠ વધુ સૂકા થાય છે અને તમારે વારંવાર કમ્પલ્સરી એનો ઉપયોગ કરવો પડી શકે છે.
હૅન્ડ ક્રીમ
સુગંધિત હૅન્ડ ક્રીમનો ઉપયોગ કરવાથી ત્વચા વધુ બળતરાવાળી બની શકે છે. જો તમારે દર કલાકે ક્રીમ લગાવવી પડતી હોય તો એનો અર્થ એ છે કે તમારી ક્રીમ ત્વચાને સુરક્ષિત રાખતી નથી. એને બદલે ગ્લિસરિન કે શિયા બટરયુક્ત સુગંધ વગરની ઘટ્ટ ક્રીમ વાપરવી જોઈએ.
ઊંઘની ગોળીઓ
ઓવર-ધ-કાઉન્ટર સ્લીપિંગ પિલ્સનો વધુપડતો ઉપયોગ શરીરની કુદરતી ઊંઘવાની સિસ્ટમને ખોરવી નાખે છે. વ્યક્તિ શારીરિક કરતાં વધુ માનસિક રીતે એના પર નિર્ભર બની જાય છે જેનાથી ઊંઘની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
નિકોટીન રિપ્લેસમેન્ટ
ધૂમ્રપાન છોડવા માટે વપરાતા નિકોટીન પૅચ કે ગમનું એક વર્ષથી વધુ સેવન નિકોટીનનું નવું વ્યસન બનાવી શકે છે. નિકોટીન રક્તવાહિનીઓને સંકોચે છે અને બ્લડપ્રેશર વધારે છે જે લાંબા ગાળે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
