દેખાવમાં સુંદર લાગતી અને ઇકો-ફ્રેન્ડ્લી ગણાતી ગ્લાસ સ્ટ્રૉનો ઉપયોગ લોકોમાં વધી રહ્યો છે, પણ જો સાવચેતીથી ન કર્યો તો ગંભીર મુસીબત સર્જાઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
આજના સમયમાં જ્યારે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી રહ્યા છીએ ત્યારે કાચની સ્ટ્રૉ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર કોલ્ડ કૉફી કે જૂસના ફોટોમાં આ એસ્થેટિક ગ્લાસ સ્ટ્રૉ ખૂબ સુંદર લાગે છે. જોકે શું તમે જાણો છો કે આ સુંદર દેખાતી ઍક્સેસરી તમારા માટે ગંભીર ઈજાનું કારણ બની શકે છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગ્લાસ સ્ટ્રૉ ભલે દેખાવમાં સ્વચ્છ અને ઇકો-ફ્રેન્ડ્લી લાગે, પણ એનાં કેટલાંક ગંભીર જોખમો છે. જો તમે ભૂલથી સ્ટ્રૉને બચકું ભરો અને એ હાથમાંથી નીચે પડી જાય અથવા ગરમ પીણામાંથી તરત જ ઠંડા પીણામાં એનો ઉપયોગ કરો તો કાચમાં તિરાડ પડી શકે છે અથવા એ તૂટી શકે છે. ઘણી વાર આ તિરાડ એટલી ઝીણી હોય છે કે દેખાતી નથી, જે હોઠ અથવા જીભ પર કાપા પાડી શકે છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર પણ એક કિસ્સો શૅર કરવામાં આવ્યો હતો જેમાં એક મહિલા પાણી પીતી વખતે સ્ટ્રૉનો તૂટેલો ટુકડો ભૂલથી ગળી ગઈ હતી. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તપાસ કરતાં ખબર પડી કે તેને આંતરિક રક્તસ્રાવ થઈ રહ્યો છે. નિષ્ણાતો જણાવે છે કે કાચના અત્યંત નાના ટુકડા શરીરનાં આંતરિક અંગોમાં કાણાં પાડી શકે છે અથવા ફાડી શકે છે.
ડૉક્ટરોના મતે બાળકો ઘણી વાર સ્ટ્રૉ સાથે રમતાં હોય છે અથવા એને બચકાં ભરે છે જેનાથી કાચ તૂટવાની શક્યતા વધી જાય છે. એવી જ રીતે જે વડીલોની પકડ નબળી હોય તેમના માટે પણ એ જોખમી સાબિત થઈ શકે છે.
સુરક્ષિત વિકલ્પો કયા?
જો તમે પર્યાવરણને નુકસાન પહોંચાડવા નથી માગતા તો નીચે જણાવેલા સુરક્ષિત વિકલ્પો અપનાવી શકો છો.
સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રૉ: એ લાંબો સમય સુધી ચાલે છે અને તૂટવાનો ભય રહેતો નથી. ખાસ કરીને સિલિકૉન ટિપવાળી સ્ટ્રૉ વધુ સુરક્ષિત છે.
બામ્બુ સ્ટ્રૉ : એ સંપૂર્ણ કુદરતી અને સુરક્ષિત છે.
સિલિકૉન સ્ટ્રૉ : એ સૉફ્ટ હોય છે અને બાળકો માટે પણ સુરક્ષિત છે.


