જમતી વખતે અચાનક ગળામાં ખોરાક અટકી જવો એ માત્ર અગવડ નથી પણ એક મેડિકલ ઇમર્જન્સી પણ બની શકે છે. ખૂબ ઉતાવળમાં કે બરાબર ચાવ્યા વગર ખાવાની આદત પણ આ સમસ્યા નોતરે છે
પ્રતિકાત્મક તસવીર
હેક્ટિક લાઇફસ્ટાઇલને લીધે આપણી પાસે શાંતિથી બેસીને જમવાનો પણ સમય નથી. મોટા ભાગના લોકો ઉતાવળમાં અથવા મોબાઇલ-ટીવી જોતાં-જોતાં ખોરાક લેતા હોય છે. આ ઉતાવળ ક્યારેક ભારે પડી શકે છે, જ્યારે અચાનક ખોરાકનો કોળિયો ગળામાં અટકી જાય. સામાન્ય લાગતી આ સમસ્યા ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે, કારણ કે ખોરાક ફસાવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગભરામણ થવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ચાલો જાણીએ આ પાછળનું વિજ્ઞાન અને એનાથી બચવાના ઉપાયો.
કારણો
ADVERTISEMENT
આપણને ખોરાક ગળવો જેટલો સરળ લાગે છે, વાસ્તવમાં એ એક જટિલ પ્રક્રિયા છે. આપણું શરીર ત્રણ તબક્કામાં ખોરાકને પેટ સુધી પહોંચાડે છે. પ્રથમ તબક્કામાં દાંત ખોરાકને નાના ટુકડાઓમાં તોડે છે અને લાળ એને નરમ બનાવે છે. જો ખોરાક બરાબર ચાવવામાં ન આવે તો એ ગળામાં અટકવાની પૂરેપૂરી શક્યતા રહે છે. જીભ ખોરાકને ગળાના પાછળના ભાગમાં ધકેલે છે. આ સમયે કુદરતી રીતે જ આપણી શ્વાસનળી ક્ષણભર માટે બંધ થઈ જાય છે જેથી ખોરાક શ્વાસનળીમાં જવાને બદલે અન્નનળીમાં જાય. જો આ પ્રક્રિયામાં તાલમેલ બગડે તો ખોરાક અટકી જાય છે. છેલ્લે ખોરાક અન્નનળી દ્વારા પેટમાં પહોંચે છે. જો અન્નનળીમાં કોઈ અવરોધ હોય અથવા ખોરાક બહુ સૂકો હોય તો એ વચ્ચે જ ફસાઈ જાય છે.
ખોરાક અટકે તો શું કરવું?
જ્યારે ખોરાક અન્નનળીમાં ફસાઈ જાય છે ત્યારે સોડા કે અન્ય કોઈ ગૅસયુક્ત પીણું પીવાથી મદદ મળે છે. આ પીણાંમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ગૅસ ખોરાકને નરમ કરવામાં અને એને નીચે તરફ ધકેલવામાં મદદરૂપ થાય છે. ગળામાં ફસાયેલા ખોરાકને નીચે ઉતારવા માટે એક ચમચી માખણ ખાવું ફાયદાકારક છે. માખણ અન્નનળીમાં લુબ્રિકન્ટ એટલે કે ચીકાશ પેદા કરે છે, જેનાથી ખોરાક લપસીને પેટમાં જતો રહે છે. ઈનો પીવાથી ફસાયેલા ખોરાક પર પ્રેશર ક્રીએટ થાય છે અને એ સરળતાથી નીચે ઊતરે છે. જો ઈનો ન હોય તો એક ચપટી બેકિંગ સોડા પણ ચાલે. ઢોકળાં, પૌંઆ કે સૂકી ભેળ જેવો ખોરાક સૂકો હોવાને કારણે અટક્યો હોય તો ધીમે-ધીમે પાણી પીવું જોઈએ. પાણી ખોરાકને ભીનો કરે છે અને સરળતાથી નીચે ઉતારે છે. જો ખોરાક ગળાના ઉપરના ભાગમાં હોય તો કેળાનો એક મોટો ટુકડો ખાઈને ગળવાથી એ ફસાયેલા ખોરાકને પોતાની સાથે નીચે ધકેલી શકે છે. જો ખોરાક ફસાવાને કારણે વ્યક્તિ બોલી ન શકતી હોય, શ્વાસ લેવામાં અસમર્થ હોય તો તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવું. આવી સ્થિતિ ન સર્જાય એ માટે ખોરાક હંમેશાં શાંતિથી અને ચાવીને ખાવો જોઈએ. ઉતાવળમાં ભોજન લેવાની આદત માત્ર પાચન જ નહીં, પણ ગળામાં ખોરાક ફસાવા જેવી ગંભીર સમસ્યાને પણ આમંત્રણ આપે છે.


