Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નોવાક જૉકોવિચના કાન પર લગાવેલી પટ્ટી હર મર્ઝ કી દવા?

નોવાક જૉકોવિચના કાન પર લગાવેલી પટ્ટી હર મર્ઝ કી દવા?

Published : 21 July, 2026 05:48 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આ પ્રખ્યાત ટેનિસ-પ્લેયરના કાનમાં દેખાતી નાની પટ્ટીઓ માત્ર ફૅશન નથી, એ ચાઇનીઝ ઍક્યુપંક્ચરની ઍડ્વાન્સ થેરપી છે. મસલ રિકવરીથી લઈને માનસિક શાંતિ મેળવવામાં કારગત સાબિત થતી આ થેરપી વિશે નિષ્ણાત પાસેથી વિગતવાર સમજીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સર્બિયાનો ટેનિસસ્ટાર નોવાક જૉકોવિચ મૅચ દરમ્યાન ટેનિસ-કોર્ટમાં આવે ત્યારે તેના કાનમાં ખાસ પ્રકારની ટેપ ચોંટાડેલી જોવા મળે છે. લોકોને આ કદાચ કોઈ સામાન્ય સ્ટિકર કે મેડિકલ ટેપ જેવું લાગે, પણ આ ઍક્યુપંક્ચરની ઍડ્વાન્સ થેરપી છે. એને ઇઅર-સીડિંગ કહેવાય છે. કાનના ચોક્કસ ભાગમાં ઝીણા મોતી જેવા મૅગ્નેટિક દાણા ચીપકાવીને પ્રેશર આપવાની આ પદ્ધતિ આજકાલ સેલિબ્રિટીઝમાં અને સ્પોર્ટ્‍સપર્સનમાં બહુ લોકપ્રિય થઈ રહી છે. મૉડર્ન સાયન્સ ભલે આ થેરપીને સ્વીકારતું નથી, પણ ચાઇનીઝ ઍક્યુપંક્ચર અને ઑલ્ટરનેટિવ થેરપીમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિ કારગત સાબિત થઈ રહી છે. ઘાટકોપરના સ્ટેટ ગવર્નમેન્ટ સર્ટિફાઇડ અનુભવી ઍક્યુપંક્ચરિસ્ટ કલ્પા હરિયા પાસેથી આ ચાઇનીઝ ઍક્યુપંક્ચર થેરપીનાં વિવિધ પાસાંઓ વિશે જાણીએ.

ઇઅર-સીડિંગ એટલે?



ઇઅર-સીડિંગ પ્રાચીન ચાઇનીઝ ઍક્યુપંક્ચર પદ્ધતિનો જ એક આધુનિક અને ઍડ્વાન્સ ભાગ છે. આ થેરપી એક રસપ્રદ સિદ્ધાંત પર કામ કરે છે, ‘આપણો કાન આખા શરીરની પ્રતિકૃતિ છે’. જેમ માતાના ગર્ભમાં બાળક ઊંધું સૂતેલું હોય છે, બરાબર એવી જ પોઝિશન આપણા કાનની રચનાની હોય છે. ઉદાહરણ તરીકે કાનનો સૌથી નીચેનો ભાગ એટલે કે જ્યાં આપણે બુટ્ટી પહેરીએ છીએ એ આપણા મગજ અથવા માથાનું પ્રતિનિધિત્વ કરે છે.


કેવી રીતે કામ કરે?

ચાઇનીઝ ચિકિત્સા પદ્ધતિ અનુસાર જ્યારે શરીરમાં ઊર્જાના પ્રવાહમાં કોઈ અવરોધ આવે છે ત્યારે રોગ કે દુખાવો પેદા થાય છે. કાન પર શરીરનાં તમામ અંગોનાં ચોક્કસ પ્રેશર પૉઇન્ટ્સ આવેલાં હોય છે. શરીરના જે ભાગમાં તકલીફ હોય, કાનના બરાબર એ જ પૉઇન્ટ પર આ સીડ લગાવવામાં આવે છે. આ દાણો એ પૉઇન્ટને સતત સ્ટિમ્યુલેટ કરતો રહે છે જેનાથી ઊર્જાનો પ્રવાહ સુધરે છે અને દરદીને રાહત મળે છે. પહેલાંના સમયમાં હથેળી કે આંગળીઓ પર મગ અથવા મેથીના દાણા લગાવીને ટેપ લગાવવામાં આવતી હતી. જોકે હવે આજના ઍડ્વાન્સ જમાનામાં રેડીમેડ મૅગ્નેટિક સીડ્સવાળી પટ્ટીઓ આવે છે. આ સ્ટિકર સ્કિન કલરનું કે ટ્રાન્સપરન્ટ હોવાથી કાન પર લગાવ્યા પછી પણ એકદમ સામાન્ય દેખાય છે.


કઈ સમસ્યાઓમાં કારગત છે આ થેરપી?

આ થેરપી માત્ર શારીરિક દુખાવો જ નહીં, માનસિક શાંતિ અને શારીરિક ક્ષમતા વધારવા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં કોઈ ક્રોનિક પેઇન હોય તો આ થેરપી ઇફેક્ટિવ સાબિત થાય છે. કમરનો દુખાવો, મસલ રિકવરી, સર્વાઇકલ, સાઇટિકા, હાઇપરટેન્શન અને પાચનતંત્રની ગરબડોમાં પણ કાનનાં ચોક્કસ પૉઇન્ટ્સ દબાવીને સારવાર શક્ય છે. અત્યારની હેક્ટિક લાઇફસ્ટાઇલને લીધે સ્ટ્રેસ અને માનસિક થાકને દૂર કરવા અને અનિદ્રાની સમસ્યામાં આ થેરપી સારું પરિણામ આપે છે. આ સિવાય એ યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
લાંબી અને નિયમિત પ્રોસીજર દ્વારા આ થેરપી ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ અને બ્લડ-પ્રેશર જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝને કન્ટ્રોલમાં લાવી શકે છે અને આની મદદથી દવાઓનો ડોઝ ઘટી શકે છે. સ્પોર્ટ્‍સપર્સન્સને સતત પ્રૅક્ટિસને કારણે સ્નાયુઓનો દુખાવો રહેતો હોય છે. ઝડપી મસલ રિકવરી અને ફિટનેસ જાળવવા માટે તેઓ આ પદ્ધતિ અપનાવે છે.

ક્યાં આ થેરપી કામ નથી કરતી?

દરેક ચિકિત્સાપદ્ધતિની એક મર્યાદા હોય છે. કૅન્સર અને એઇડ્સ આ બે ગંભીર બીમારીઓ સિવાય બાકીની મોટા ભાગની સમસ્યાઓમાં આનાં સારાં પરિણામો મળે છે. આ સિવાય મલેરિયા, ડેન્ગી કે ન્યુમોનિયા જેવા વાઇરસજન્ય રોગોમાં આ થેરપી કામ કરતી નથી. એના માટે ઍલોપથી મેડિસિન જ લેવી પડે છે. જોકે આ રોગો મટ્યા પછી શરીરની નબળાઈ એટલે કે આફ્ટર ઇફેક્ટ્સમાંથી બહાર આવવા માટે ઍક્યુપંક્ચર મદદરૂપ બને છે.

આટલું ધ્યાનમાં રાખો

સામાન્ય રીતે આ સીડ ટેપ કાન પર ૪ દિવસ સુધી રાખવાની હોય છે અથવા તો જ્યાં સુધી સ્ટિકર એની જાતે ન નીકળે ત્યાં સુધી રાખી શકાય. આ ૪ દિવસ દરમ્યાન તમે તમારી 
તમામ રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકો છો. નાહવા-ધોવાથી એ સરળતાથી નીકળી જાય છે અને એની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી. સગર્ભા મહિલાઓએ ભૂલથી પણ આ થેરપી ન કરાવવી જોઈએ, કારણ કે કાનનાં અમુક પૉઇન્ટ્સ ઉત્તેજિત થવાથી કૂખમાં રહેલા બાળકને નુકસાન થવાનું કે અબૉર્શન થવાનું જોખમ રહે છે. દરેક વ્યક્તિના કાનનું કદ અને રચના અલગ હોય છે. આ થેરપીમાં સૌથી મહત્ત્વની બાબત ઍક્યુરસી એટલે કે ચોકસાઈ છે, જે માત્ર એક પ્રોફેશનલ થેરપિસ્ટ જ જાણી શકે છે. તેથી પૂરતા જ્ઞાન વગર ઘરે જાતે આવો કોઈ પ્રયોગ કરવો હિતાવહ નથી.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 05:48 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK