Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પિરિયડ્સ દરમ્યાન વધુ પડતો રક્તસ્રાવ છોકરીઓની મેમરી પર અસર કરે છે

પિરિયડ્સ દરમ્યાન વધુ પડતો રક્તસ્રાવ છોકરીઓની મેમરી પર અસર કરે છે

Published : 08 September, 2026 01:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિશોરીઓમાં પિરિયડ્સ દરમ્યાન વધુ પડતા રક્તસ્રાવથી આયર્નની ઊણપ અને એનીમિયા થઈ શકે છે. આ સ્થિતિ થાક અને નબળાઈ ઉપરાંત યાદશક્તિ, એકાગ્રતા અને શીખવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે.

પિરિયડ્સમાં વધુ રક્તસ્રાવ

પિરિયડ્સમાં વધુ રક્તસ્રાવ


ટીનેજ છોકરીઓ એટલે કે કિશોરીઓમાં પિરિયડ્સ દરમ્યાન વધુ પડતો રક્તસ્રાવ થવાને કારણે શરીરમાં લોહીની કમી થઈ જતી હોય છે, જેને આયર્નની કમી કે એનીમિયા કહેવાય છે. લોહીના વધુ પડતા ફ્લોને કારણે શરીરમાં રેડ બ્લડ-સેલ્સ અને હીમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે જે આયર્નની ઊણપ એટલે કે એનીમિયા તરફ છોકરીને દોરી જાય છે જેને કારણે શારીરિક થાક અને નબળાઈ લાગે છે. આયર્ન ઘટી જવાથી શરીરનાં અંગો સુધી યોગ્ય પ્રમાણમાં ઑક્સિજન પહોંચતો નથી જેને કારણે છોકરીઓ સતત થાક, અશક્તિ અને ચક્કર આવવા જેવી તકલીફ અનુભવે છે. રક્તસ્રાવ વધારે થવાથી વારંવાર માથાનો દુખાવો થવો અથવા સામાન્ય શારીરિક પ્રવૃત્તિ દરમ્યાન પણ શ્વાસ ચડવાની સમસ્યા થઈ શકે છે, પરંતુ આ તો શારીરિક લક્ષણો થયાં એટલે એ જોઈ શકાય છે. જોકે લોહીની ઊણપ મગજ પર પણ અસર કરે છે. રક્તસ્રાવ વધી જાય તો છોકરીની યાદશક્તિ પર એની સીધી અસર થાય છે. 
માસિક ધર્મ દરમ્યાન વધુ પડતા રક્તસ્રાવ અને યાદશક્તિ વચ્ચેનો સીધો સંબંધ શરીરમાં આયર્નની કમીને કારણે થતા રોગ એનીમિયા સાથે જોડાયેલો છે. જ્યારે રક્તસ્રાવ વધારે થાય છે ત્યારે એની અસર મગજની કાર્યક્ષમતા અને યાદશક્તિ પર પડે છે. આપણા લોહીમાં રહેલા રક્તકણોમાં હીમોગ્લોબિન નામનું પ્રોટીન હોય છે જે મગજ સહિત શરીરનાં તમામ અંગો સુધી ઑક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. વધુ રક્તસ્રાવ થવાથી શરીરમાં આયર્ન અને હીમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે. પરિણામે મગજના કોષોને પૂરતો ઑક્સિજન મળતો નથી જે યાદશક્તિ અને શીખવાની ક્ષમતાને મંદ પાડે છે. 
મગજનો હિપોકૅમ્પસ નામનો વિસ્તાર નવી માહિતીને યાદ રાખવા અને જૂની યાદોને સાચવવા માટે જવાબદાર હોય છે. આ ભાગને યોગ્ય રીતે કામ કરવા માટે આયર્ન અને ઑક્સિજનની સતત જરૂર પડે છે. આયર્નની ઊણપથી હિપોકૅમ્પસના ન્યુરૉન્સ યોગ્ય રીતે સંદેશાની આપ-લે કરી શકતાં નથી. લોહી અને આયર્ન ઘટવાથી માત્ર શારીરિક જ નહીં, ગંભીર માનસિક થાક અનુભવાય છે. આ સ્થિતિને બ્રેઇન ફૉગ કહેવામાં આવે છે. એમાં વ્યક્તિ વાંચેલું કે સાંભળેલું ઝડપથી ભૂલી જાય છે, વિચારવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડે છે. 
મગજમાં યાદશક્તિ અને મૂડને નિયંત્રિત કરતાં રસાયણો જેમ કે ડોપમીનના નિર્માણમાં આયર્ન મહત્ત્વનો ભાગ ભજવે છે. લોહીના બહાવ સાથે આયર્ન ઘટી જવાથી આ રસાયણોનું સંતુલન ખોરવાય છે જેનાથી યાદશક્તિ નબળી પડે છે અને ચીડચીડાપણું કે તનાવ વધે છે.

શું કરવું?



જો કિશોરીઓ કે મહિલાઓને પિરિયડ્સ પૂરા થયા પછી પણ સતત માનસિક થાક, ભૂલી જવાની સમસ્યા કે અભ્યાસમાં ધ્યાન ન લાગવાની તકલીફ રહેતી હોય તો માત્ર ઊંઘ કે આરામથી એ દૂર થતી નથી. જો પિરિયડ્સ ૭ દિવસથી વધુ સમય ચાલે, દર એક-બે કલાકે પૅડ બદલવું પડે અથવા ખૂબ અશક્તિ અને ચક્કર અનુભવાય તો એને સામાન્ય ગણીને અવગણવાને બદલે સ્ત્રીરોગના નિષ્ણાત પાસે જવું જોઈએ જે તમને પહેલાં લોહીની તપાસ કરાવશે અને અમુક દવાઓ લખી આપશે. 


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK