Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્મોકિંગ જેટલું જ ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું

સ્મોકિંગ જેટલું જ ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું

Published : 11 May, 2026 12:42 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

જે રીતે સિગારેટના પૅકેટ પર આપણે ચેતવણી વાંચીએ છીએ એવી જ રીતે કદાચ ભવિષ્યમાં આૅફિસની આરામદાયક ખુરસી પર પણ લખવું પડશે કે લાંબા સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અત્યારે લાઇફસ્ટાઇલ એવી થઈ છે કે કામ સ્માર્ટ થઈ ગયું છે અને શરીરની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે. IT સેક્ટર હોય કે બૅન્કિંગ હોય, આઠથી ૧૦ કલાક ખુરસી પર ચીપકી રહેવું એ હવે ‘ન્યુ નૉર્મલ’ છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ફૅન્સી ઑફિસ ચૅર તમારી રક્તવાહિનીઓને ધીરે-ધીરે ડૅમેજ કરી રહી છે? લાંબા સમય સુધી એકધારા ખુરસી પર બેસી રહેવું સ્લો પૉઇઝન જેવું છે જે નળીઓને અંદરથી ડૅમેજ કરે છે. આ સમસ્યાથી સંકળાયેલા રિસ્ક-ફૅક્ટર્સ અને સમાધાન વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.

શું અસર થાય?



કાંદિવલીમાં રહેતાં ફિઝિયોથેરપિસ્ટ માનસી ઠક્કર એકધારા અનેક કલાકો સુધી ખુરસી પર બેસી રહેવાથી થતી અસરો વિશે કહે છે, ‘આપણું હૃદય આખા શરીરમાં લોહી પમ્પ કરે છે પરંતુ પગમાંથી લોહીને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પાછું હૃદય સુધી પહોંચાડવાનું કામ આપણા પિંડીના સ્નાયુઓ એટલે કાફ મસલ્સ કરે છે. મેડિકલ ભાષામાં એને સેકન્ડ હાર્ટ કહે છે. જ્યારે તમે કલાકો સુધી ખુરસી પર સ્થિર બેસી રહો છો ત્યારે આ બીજું હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. પરિણામે લોહી ઉપર જવાને બદલે પગની નળીઓમાં ભરાઈ રહે છે. બ્લડ-સર્ક્યુલેશનની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે, જેને લીધે રક્તવાહિનીઓના અંદરના નાજુક લેયર પર દબાણ વધે છે. રક્તવાહિનીઓ ડૅમેજ થવાની પ્રક્રિયા એકદમ શાંત હોય છે. સામાન્ય રીતે લોકો એને કામનો થાક સમજીને અવગણે છે. જોકે એનાં લક્ષણો સાઇલન્ટ ડૅમેજ કરે છે. તેથી શરૂઆતના સંકેતો ઓળખતાં શીખવું જોઈએ. અચાનક ગોટલા ચડી જવા કે પગના મસલ્સમાં ખેંચાણ આવવું, પગમાં ઝણઝણાટી આવવી, ઘૂંટણની નીચે સોજા આવવા, દિવસ પૂરો થતાં પગ ભારે લાગવા, રાત્રે સૂતી વખતે સ્નાયુઓ જકડાઈ જવા જેવી સમસ્યાઓ થાય છે. આ જ સમસ્યા ધીરે-ધીરે વકરે છે અને ભવિષ્યમાં લોહી ગંઠાવાની અને વેરિકોઝ વેઇન્સ જેવી ગંભીર સમસ્યા સર્જાય છે.’


હાઈ રિસ્ક ઝોનમાં કોણ છે?

આ વિશે માનસી કહે છે,
‘અલગ-અલગ સેક્ટરમાં ચૅરના પ્રકાર પણ અલગ હોય છે. બૅન્કમાં જશો તો અલગ ચૅર જોવા મળશે, કૉર્પોરેટ્સમાં પણ અલગ હોય છે અને ગવર્નમેન્ટ ઑફિસમાં પણ અલગ હોય છે; પણ જો એકધારા બેસાતું હોય તો ચૅર ગમેતેટલી સારી કમ્ફર્ટ આપશે તો પણ બ્લડ-સર્ક્યુલેશનમાં પ્રૉબ્લેમ થશે. IT, બૅન્કિંગ અને ગેમિંગ સાથે જોડાયેલા યંગસ્ટર્સ આના શિકાર બની રહ્યા છે. અત્યારે ૨૫થી ૩૦ વર્ષના યુવાનોમાં સ્ક્રીન-ટાઇમ વધવાને કારણે લોહીના પરિભ્રમણની સમસ્યાઓ વધી છે. ઘણી વાર ખોટી પોઝિશનમાં અથવા પગ પર પગ ચડાવીને કલાકો સુધી બેસે છે, જે નળીઓ પર સીધું દબાણ લાવે છે. આને કારણે નાની ઉંમરે પગમાં સોજા અને ક્રૉનિક પેઇન શરૂ થઈ જાય છે. ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોની નળીઓ પહેલેથી જ નાજુક હોય છે, બેઠાડુ જીવન આ સ્થિતિને ગંભીર બનાવે છે.’


શું છે સૉલ્યુશન્સ?

ડેસ્ક-જૉબ છોડી શકાય એમ નથી, પણ આવી લાઇફસ્ટાઇલથી થતી સમસ્યાને અમુક રૂટીન ફેરફારોથી દૂર કરવી શક્ય છે એમ જણાવતાં માનસી કહે છે, ‘તમે ખુરસી પર બેઠાં-બેઠાં થોડી કસરતો કરી શકો છો. દર પોણા કલાકે અલાર્મ સેટ કરો. ઊભા થાઓ, માત્ર ૧૦૦ ડગલાં ચાલો અથવા સ્ટ્રેચિંગ કરો. આ તમારા લોહીના પ્રવાહને રીબૂટ કરશે. આ ઉપરાંત ઍન્કલને રોટેટ કરો, બેઠા હો ત્યારે એડી ઊંચી કરો અને પછી પંજા ઊંચા કરો. એને હીલ-ટો રેઝ એક્સરસાઇઝ કહેવાય. ખુરસી પર બેઠાં-બેઠાં જ પગને સીધો કરો અને પંજાને પોતાની તરફ ખેંચો. આવી એક્સરસાઇઝને સીટેડ એક્સટેન્શન કહેવાય. આ રીતે તમારી પિંડીના સ્નાયુઓ સક્રિય થાય છે અને લોહીને હૃદય તરફ પમ્પ કરે છે અને બ્લડ-સર્ક્યુલેશનની પ્રક્રિયામાં ખલેલ પહોંચતી નથી. આ ઉપરાંત તમારું ફોકસ હાઇડ્રેશન પર પણ હોવું જોઈએ. જો શરીરમાં પાણી ઓછું હોય તો લોહી ઘટ્ટ થઈ જાય છે. જ્યારે તમે હલનચલન કર્યા વગર બેસી રહો છો ત્યારે ઘટ્ટ લોહીને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એટલે કે પગથી હૃદય તરફ વહેવામાં વધુ મહેનત પડે છે. પૂરતું પાણી લોહીને પાતળું રાખે છે, જેથી એ રક્તવાહિનીઓમાં સરળતાથી વહી શકે. આથી હાઇડ્રેટેડ રહેવું બહુ જરૂરી છે.

ક્યારે ચેતવું?

જો પગમાં વાદળી કે જાંબલી રંગની નળીઓ સાપની જેમ ફૂલેલી દેખાય તો એ વેરિકોઝ વેઇન્સ હોઈ શકે છે. DVTની સમસ્યા પણ ઉદ્ભવતી હોય છે, એટલે કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ જેમાં નળીમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે. જો આ ગઠ્ઠો છૂટો પડીને ફેફસાં સુધી પહોંચે તો એ જીવલેણ બની શકે છે. જો પગમાં સતત લાલાશ રહેતી હોય, એક પગ બીજા પગ કરતાં વધુ સૂજી ગયેલો દેખાય, નળીઓ પર સ્પર્શ કરવાથી દુખાવો થાય તો તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરવો.

 

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 12:42 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK