ડાયાબિટીઝ સાથે કૉમ્બિનેશનમાં બીજા પ્રૉબ્લેમ હોય તો આ રિસ્ક બેવડાઈ જાય છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
મગજની એક પણ નસમાં બ્લૉકેજ હોય ત્યાં લોહી આગળ વહેતું અટકે અને એને કારણે અટૅક આવે, જેને સ્ટ્રોક કહે છે. સ્ટ્રોકને કારણે વ્યક્તિના જીવનમાં પૅરૅલિસિસથી લઈને મૃત્યુ સુધીનાં પરિણામો પણ આવી શકે છે. સ્ટ્રોક થવા પાછળનાં મહત્ત્વનાં કારણોમાં ડાયાબિટીઝનો સમાવેશ થાય છે. ડાયાબિટીઝ સીધી રીતે પાતળી અને નાની મગજની નસો પર અસર કરતો હોય છે. આડકતરી રીતે તો મોટી નસો પર પણ અસર કરતો રહે છે પરંતુ ફક્ત ડાયાબિટીઝને કારણે સ્ટ્રોક આવવાનું રિસ્ક નાની નસોમાં આવતા પરિવર્તનને કારણે હોય છે જેને લેક્યુનર સ્ટ્રોક કહે છે. મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે મગજની નસોમાં બ્લૉકેજ હોય તો સ્ટેન્ટ નાખીને એ બ્લૉક ક્લિયર કરી સ્ટ્રોકને રોકી શકાય છે પરંતુ ડાયાબિટીઝને કારણે આવતો સ્ટ્રોક નાની નસોને અસર કરે છે. એટલી નાની નસોમાં સ્ટેન્ટ નાખી શકાતો ન હોવાથી ડાયાબિટીઝને કારણે સ્ટ્રોક આવે છે એને રોકી શકાતો નથી.
ડાયાબિટીઝ સાથે કૉમ્બિનેશનમાં બીજા પ્રૉબ્લેમ હોય તો આ રિસ્ક બેવડાઈ જાય છે. ડાયાબિટીઝ સાથે ઓબેસિટી, બ્લડ-પ્રેશર, હાર્ટ પ્રૉબ્લેમ કે ડિપ્રેશન જેવાં કૉમ્બિનેશન હોય તો આ રિસ્ક ઘણું વધી જાય છે. ડાયાબિટીઝને એકદમ કાબૂમાં રાખો. એ માટે દવાઓ, ડાયટ પર કન્ટ્રોલ અને રેગ્યુલર એક્સરસાઇઝ જરૂરી છે. જો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં હશે તો એની નસો પર અસર નહીંવત્ હશે. ડાયાબિટીઝના દરદીએ સ્મોકિંગ કે તમાકુની લત રાખવી જ નહીં. આ દરદીઓ એક હેલ્ધી લાઇફસ્ટાઇલ રાખે અને કુટેવો અપનાવે નહીં. સ્મોકિંગ પહેલા નંબરનું રિસ્ક છે સ્ટ્રોક માટે અને ડાયાબિટીઝ બીજા નંબરનું રિસ્ક માનીએ તો બન્ને મળીને આ રિસ્ક ઘણું વધી જાય છે. ડાયાબિટીઝના દરદીએ પેઇનકિલર્સ પણ વધુ ખાવી નહીં કારણ કે વધુપડતી પેઇનકિલર્સને કારણે શરીરમાં પાણીનો ભરાવો થઈ જાય છે જેને કારણે બ્લડ-પ્રેશર વધે છે અને સ્ટ્રોક આવવાનું રિસ્ક વધે છે. જે શાકાહારી લોકો છે તેમણે પણ ખાસ ધ્યાન રાખવું. શાકાહારી લોકોમાં ફોલિક ઍસિડ અને વિટામિન B12ની ઊણપ રહેતી જ હોય છે. આ પ્રકારની ઊણપ શરીરમાં સ્ટ્રોક માટે જવાબદાર બની શકે છે એવું ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે. ડાયાબિટીઝની સાથે-સાથે જો ફોલિક ઍસિડ કે વિટામિન B12ની કમી હોય તો સ્ટ્રોકનું રિસ્ક ઘણું વધી જાય છે. રેગ્યુલર ચેકઅપ કરાવી જો ઊણપ હોય તો સપ્લિમેન્ટ લઈ લેવાં.
ADVERTISEMENT
-ડૉ. મીતા શાહ