કેન્દ્ર સરકાર દ્વારા બધાં રાજ્યોને ઇન્ફ્લ્યુએન્ઝા અને શ્વાસસંબંધી દરદીઓ પર નજર રાખવાની તાકીદ કરી
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં ફેલાઈ રહેલા HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)ના કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં મળીને કુલ પાંચ કેસ નોંધાયા બાદ ગઈ કાલે નાગપુરમાં પણ આ વાઇરસના બે શંકાસ્પદ દરદીઓ મળી આવ્યા હતા. નાગપુરના રામદાસપેઠમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ૭ વર્ષના બાળક અને ૧૪ વર્ષની બાળકીને ઉધરસ અને તાવ આવતો હોવાથી ૩ જાન્યુઆરીએ ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. આ બન્નેનો રિપોર્ટ HMPV પૉઝિટિવ આવ્યો છે. સારવાર બાદ આ બન્ને બાળકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જોકે આ પ્રાઇવેટ હૉસ્પિટલનો રિપોર્ટ હોવાથી બન્ને દરદીઓનાં સૅમ્પલ નાગપુરની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ અને પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં મોકલવામાં આવ્યાં હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યોમાં HMPVના કેસ સામે આવી રહ્યા હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્લુએન્ઝા અને શ્વાસસંબંધી દરદીઓ પર નજર રાખવાની સાથે આ સંબંધે જાગૃતિ લાવવાની તાકીદ કરી છે.