Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મગજ ટકાટક રાખવું હોય તો ટાઇપિંગ છોડીને લખવા લાગો

મગજ ટકાટક રાખવું હોય તો ટાઇપિંગ છોડીને લખવા લાગો

02 May, 2024 07:35 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

યાદશક્તિ સુધારવી હોય કે  શીખવાની ક્ષમતાની ધાર સતત કાઢવી હોય તો બ્રેઇન-બૉડીનું કૉ-ઑર્ડિનેશન કરતા ન્યુરૉન્સ ઍક્ટિવ રહે એ જરૂરી છે 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જ્યારથી કમ્પ્યુટર અને મોબાઇલ આવ્યાં છે ત્યારથી હાથેથી લખવાની આદત છૂટવા લાગી છે. આ વાત માત્ર દરેક વયના લોકોને લાગુ પડે છે. યાદશક્તિ સુધારવી હોય કે  શીખવાની ક્ષમતાની ધાર સતત કાઢવી હોય તો બ્રેઇન-બૉડીનું કૉ-ઑર્ડિનેશન કરતા ન્યુરૉન્સ ઍક્ટિવ રહે એ જરૂરી છે 

જ્યારથી ગૅજેટ્સ આપણા હાથમાં આવ્યાં છે ત્યારથી યાદશક્તિ ક્ષીણ થવાનું ઝડપી થઈ ગયું છે. ચુટકી બજાવતાંમાં અનેક કામો થઈ જાય છે પણ એને કારણે મગજની સતત કાર્યરત રહેવાની અને આપમેળે ધાર નીકળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. કમ્પ્યુટર અને મોબાઇલ પર ટાઇપિંગની સુવિધાથી લખવાની સ્પીડ સારી વધી છે, પણ જો આ જ કામ હાથેથી કરવામાં આવે તો બીજા અનેક ફાયદા થાય છે. નૉર્વેની યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીના અભ્યાસુઓનું કહેવું છે કે હાથેથી લખવાથી સ્પેલિંગની ચોકસાઈ અને લખેલું યાદ રાખવાની શક્યતા વધે છે. કોવિડના સમયમાં વિદ્યાર્થીઓમાં પણ હાથેથી લખવાનું ઓછું થયું હતું ત્યારે દરેક વયના સ્ટુડન્ટ્સને લેખિત પરીક્ષામાં મુશ્કેલીઓ અનુભવાઈ હતી. આ વાત કંઈ એમ જ નથી કહેવાઈ. અભ્યાસકર્તાઓએ યુનિવર્સિટીના ૩૬ વિદ્યાર્થીઓ પર સઘન અભ્યાસ કર્યો હતો. ટાઇપિંગ થતું હોય ત્યારે અને હાથેથી લખાતું હોય એમ બન્ને વખતે તેમના મગજમાં કેવી ઍક્ટિવિટી થતી હતી એ બન્નેની નોંધ થઈ. આ નોંધ માટે તેમનો ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ (EEG) કાઢવામાં આવ્યો. આ માટે મગજના વિવિધ ભાગોમાં વિદ્યુતવાહક સંવેદનાઓ પારખી શકે એવા ૨૫૬ સ્મૉસ સેન્સર્સ બહારથી લગાવવામાં આવ્યાં. જ્યારે ટાઇપ કરવામાં આવતું હતું ત્યારે બહુ લિમિટેડ ભાગોમાં બ્રેઇન કનેક્ટિવિટી સ્ટિમ્યુલેશન નોંધાયું હતું, જ્યારે હાથેથી લખવામાં આવતું હતું ત્યારે દરેક અક્ષર લખાય ત્યારે મગજના વિવિધ ભાગોમાં પાંચ સેકન્ડથી વધુ સમય માટે ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટી થતી હતી. મતલબ કે તેમના EEGમાં સારોએવો ચડાવઉતાર જોવા મળતો હતો. મગજ અને હૃદય એ બે એવા અવયવો છે જે જેટલા વપરાતા રહે એટલું એનું ફંક્શન સારું થાય. ફ્રન્ટિયર ઇન સાઇકોલૉજી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસનો દાવો છે કે હૅન્ડરાઇટિંગ મગજને વધુ સતેજ, યંગ અને ઍક્ટિવ રાખે છે.



હાથેથી લખવું અને મગજની ક્ષમતા 
હાથની મૂવમેન્ટથી મગજમાં વધુ સ્પંદનો પેદા થાય છે એ વાત તો ન્યુરોલૉજિસ્ટો પણ સ્વીકારે છે કેમ કે જ્યારે બ્રેઇનની ક્ષમતાઓ ક્ષીણ થાય છે ત્યારે એની અસર હાથ અને આંગળીઓની મૂવમેન્ટ પર પણ અસર થાય છે. જો આ મૂવમેન્ટ સતત ચાલુ રહે તો પાર્કિન્સન્સ, ઑલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયા જેવા ડીજનરેટિવ ડિસીઝમાં પણ ફાયદો થાય છે. અલબત્ત, અક્ષરોની સાથે મગજની કાર્યક્ષમતાનો સીધો નાતો છે અને એ વિજ્ઞાન પર ઊંડો અભ્યાસ કરનારા ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા ગ્રાફોલૉજિસ્ટ દીપેશ દેઢિયા કહે છે, ‘એ વાત સાચી છે કે જ્યારે આપણે હાથેથી લખીએ છીએ ત્યારે આંગળીઓને મૂવમેન્ટ મળે છે. કાનો-માત્રા કરવાની હોય કે હ્રસ્વ અને દીર્ઘ કરવાના હોય, હાથની આંગળીઓની ખૂબ જ ઝીણી મૂવમેન્ટ થાય છે. આને કારણે મગજનો EEG અપડાઉન થયા કરે છે. જ્યારે આપણે ટાઇપ કરીએ છીએ ત્યારે મગજનો EEG પ્રમાણમાં ફ્લૅટ હોય. હવે તમે સમજો હાર્ટનો ECG કાઢો અને એ ફ્લૅટ આવે તો એનો મતબલ શું? ફ્લૅટ લાઇન હાર્ટ બંધ પડી ગયું છે અથવા તો ધીમું પડી ગયું છે એ બતાવે છે. એ જ રીતે મગજ પણ સક્રિય રહે, સતેજ રહે એ માટે EEGમાં અપડાઉન થવા જરૂરી છે. એ પણ કોઈ બે-ચાર ભાગમાં જ નહીં, વધુમાં વધુ ભાગમાં. તો જ એની કાર્યક્ષમતા સતત સુધરે. વધુ ભાગોમાં ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટી નોંધાવાથી મગજ સક્રિય રહે છે અને સ્ટોરેજની સાથે રીકૉલની પ્રક્રિયા પણ સુધરે છે.’


ગૅજેટ્સે લગાડી છે વાટ 
આપણા બાપદાદાને અનેક સગાંસંબંધીઓના ફોન-નંબર મોઢે રહેતા, જ્યારે હવેની જનરેશનને પોતાનો નંબર પણ યાદ નથી હોતો. આ ડિફરન્સ બતાવે છે કે ગૅજેટ્સની ઈઝી અવેલેબિલિટીએ મગજની કાર્યક્ષમતા ઘટાડી છે. નંબર ડાયલ કરવાને બદલે હવે માત્ર નામ સર્ચ કરીને બટન દબાવવાનું હોવાથી ચોક્કસ માહિતી મગજમાં સ્ટોર જ નથી થતી. ગૂગલ અને મોબાઇલ પરનું પરાવલંબન વધવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે એમ જણાવતાં ગ્રાફોલૉજિસ્ટ દીપેશ મહેતા કહે છે, ‘ડિપ્રેશન, સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને માનસિક સમસ્યાઓનો જન્મ ગૅજેટ યુગ શરૂ થયા પછી વકર્યો છે. તમે જોયું હોય તો ૨૦૦૦ની સાલ પછી જ આ રોગો વધ્યા છે. હું તો માનું છું કે હાથેથી લખવું એ મગજ જ નહીં, શરીરના સ્વાસ્થ્ય માટે પણ બહુ જરૂરી છે.’ 
જસલોક હૉસ્પિટલના ન્યુરોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. પરેશ દોશી કહે છે, ‘મગજ જેટલું ઓછું વપરાય એટલું એ કટાય છે અને એટલે જ તો મગજમાં સતત ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટી થતી રહે એ માટે હાથેથી લખવું, સંગીત સાંભળવું, ડાન્સ કરવો કે ગમતી પ્રવૃત્તિઓ કરવી જેવી ઍક્ટિવિટીઝ બ્રેઇન ડીજનરેશનને અટકાવે છે.’ 

હૅન્ડરાઇટિંગ એ ટૂલ છે 
હાથેથી લખવું એને ખરેખર હૅન્ડરાઇટિંગ જ નહીં, બ્રેઇન-રાઇટિંગ કહેવું જોઈએ એવું માનતા દીપેશ દેઢિયા કહે છે, ‘હાથ તો માત્ર એક સાધન છે, જે બ્રેઇનના ચોક્કસ ભાગો સાથે કનેક્શન ઍસ્ટાબ્લિશ કરાવી આપે છે. તમે જ્યારે હાથેથી લખો છો, અક્ષરો પાડો છો ત્યારે એ બ્રેઇનનું રિફ્લેક્શન હોય છે. બે વ્યક્તિની જેમ ફિન્ગરપ્રિન્ટ સેમ નથી હોતી એમ બે વ્યક્તિના હૅન્ડરાઇટિંગ પણ સરખા નથી હોતા. દુનિયામાં ૮૦૧ કરોડ લોકો છે, એ દરેકના હૅન્ડરાઇટિંગ જુદા છે. જેમ આંગળીઓ પર પ્રિન્ટ જુદી છે એવી જ રીતે જે-તે આંગળીની મૂવમેન્ટ સાથે સંકળાયેલા મગજના ભાગો પર પણ ચોક્કસ ન્યુરૉન્સની પ્રિન્ટ-પૅટર્ન હોય છે. આંગળીઓ પરની પ્રિન્ટ સ્ટૅટિક છે, એને બદલી શકાતી નથી; પરંતુ આંગળીઓના ચોક્કસ હલનચલનને કારણે મગજમાં ન્યુરૉન્સ પરની પ્રિન્ટ બદલાતી રહે છે. પેપર પર તમે જે લખો છો એ બ્રેઇનના ચોક્કસ ભાગોનું રિફ્લેક્શન હોવાથી અક્ષરો પરથી જાણી શકાય છે કે જે-તે વ્યક્તિના મગજમાં શું ચાલતું હશે.’


પાંચ આંગળીઓનું રિપ્રેઝન્ટેશન 
અંગૂઠો બ્રેઇનની ઍક્શન લેવાની ક્ષમતા રિપ્રેઝન્ટ કરે છે. પહેલી આંગળી લૉજિક બતાવે છે. બીજી અને સૌથી મોટી આંગળી ફિઝિકલ ઍક્ટિવિટીનું પ્રતિનિધિત્વ કરે છે. રિન્ગ-ફિન્ગર વ્યક્તિની સાંભળવાની ક્ષમતાઓનું નિરૂપણ કરે છે, જ્યારે ટચલી આંગળી વ્યક્તિની આંતરસૂઝ છતી કરે છે. આપણે લખીએ ત્યારે અંગૂઠો અને પહેલી બે આંગળીઓ વાપરીએ છીએ. પાંચ આંગળીઓના ઉપયોગથી કઈ રીતે બ્રેઇનની પૅટર્નમાં બદલાવ થઈ શકે એ સમજાવતાં દીપેશ દેઢિયા કહે છે, ‘વિવિધ ઍક્ટિવિટીઝના કન્ટ્રોલ સેન્ટરની દૃષ્ટિએ જોઈએ તો મગજ મુખ્ય પાંચ ભાગોમાં વહેંચાયેલું છે. એ પાંચ ભાગો ડાબા અને જમણા એમ ભાગોમાં ડિવાઇડ થતાં કુલ દસ ભાગો થાય. લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન બન્નેની શરીરની ઑપોઝિટ સાઇડની આંગળીઓ પર અસર છે. બસ, આ કૉમ્પ્લેક્સ વાત સમજાઈ જાય તો શરીર અને મગજનું યોગ્ય કનેક્શન સાધીને બિહેવિયરથી લઈને મગજની કાર્યક્ષમતાઓમાં સુધાર લાવી શકાય છે.’

સરસ્વતી સાધનાનો પ્રયોગ 
હાથેથી લખવાથી ફોકસ અને એકાગ્રતા વધે છે એમ જણાવતાં ડૉ. પરેશ દોશી કહે છે, ‘નૉર્વેના રિસર્ચરોએ કરેલું ઑબ્ઝર્વેશન ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. કીબોર્ડ ટાઇપિંગથી મગજ જોઈએ એટલું એકાગ્ર નથી થતું જેટલું હાથની આંગળીઓની વિવિધ મૂવમેન્ટ્સ દ્વારા લખવાની પ્રક્રિયાથી થાય છે. ઇન ફૅક્ટ, આંગળીઓની મૂવમેન્ટ સાથે વાંચવાની પ્રક્રિયા પણ ખૂબ અસરકારક છે. ચાર વર્ષ પહેલાં અમે સ્કૂલમાં એક પ્રયોગ કરેલો. મેમરી વધારવા માટેના આ પ્રયોગનું નામ આપ્યું હતું સરસ્વતી સાધના. આ પ્રયોગમાં બાળકોને લખેલા સરસ્વતી સાધના મંત્ર પર આંગળી મૂકીને મોટેથી ચૅન્ટિંગ કરવાનું અને સાંભળવાનું કહેવામાં આવ્યું હતું. જે બાળકોએ આંગળી મૂકીને મોટેથી ઉચ્ચારો કરીને વાંચવાનું રાખ્યું હતું એનાથી પણ મગજ અને શરીર વચ્ચેનું કનેક્શન તેમ જ બિહેવિયર બન્નેમાં સુધારો જોવા મળ્યો હતો.’ વાંચવું, બોલવું અને આંગળીથી લખાણને ફૉલો કરવું જેવી બે-ત્રણ ઍક્ટિવિટી એક સાથે કરવાથી મેમરી સુધરે છે એ આ અભ્યાસ પરથી જાણી શકાયું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 07:35 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK