Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નવજાત બાળકને નવડાવીને સૌપહેલાં બેબી પાઉડર લગાવો છો? તો આ તમારા માટે જ છે

નવજાત બાળકને નવડાવીને સૌપહેલાં બેબી પાઉડર લગાવો છો? તો આ તમારા માટે જ છે

Published : 14 August, 2026 05:27 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ખાસ બેબીઝ માટે જ ટૅલ્કમ પાઉડર બનાવતી કંપનીની પ્રોડક્ટ્સ એમાં રહેલા ખનિજ કન્ટેન્ટને કારણે હાલમાં વિવાદમાં છે. ટૅલ્ક એક પ્રકારનું ખનિજ છે જે ફેફસાંના કૅન્સરની સંભાવનાઓ વધારનારું છે ત્યારે સમજીએ કે શું ખરેખર બાળકને ટૅલ્કમ પાઉડરની જરૂર છે?

ડૉ. હિમાની શાહ, પીડિયાટ્રિશ્યન

ડૉ. હિમાની શાહ, પીડિયાટ્રિશ્યન


નવજાત બાળકને રોજ માલિશ કરાવ્યા પછી મસ્ત બહુબધા પાઉડરના થપેડા કરીને કપડાંમાં લપેટીને સૂવડાવી દેવાનું આજે પણ અનેક મમ્મીઓ માટે રૂટીન છે. બાળકને ક્યાંય પણ બહાર લઈ જવાનું હોય તો પણ બહુબધો ટૅલ્કમ પાઉડર છાંટીને તેને તૈયાર કરવામાં આવે છે. જોકે આ ક્યુટ લાગતી પ્રક્રિયા બાળક માટે જોખમી છે. ઇન ફૅક્ટ, નવજાત બાળકના આગમન સાથે જ ઘરમાં તેની સંભાળ માટે અઢળક વસ્તુઓ લાવવામાં આવે છે જેમાં બેબી પાઉડર દાયકાઓથી સૌથી પ્રાથમિક સ્થાને રહ્યો છે. બાળકની ત્વચા સૉફ્ટ અને સુગંધિત રહે, ડાયપરને કારણે રૅશિસ ન થાય અને ત્વચા સૂકી રહે એ માટે પેઢીઓથી બેબી પાઉડરનો બહોળો ઉપયોગ થતો આવ્યો છે. ડાઇપરના રૅશિસ માટે પણ પાઉડર જ છાંટવામાં આવે છે અને પાછું બાળકો માટે જ બનતા ખાસ બેબી પાઉડર માટે આપણે વધુ ખર્ચ પણ કરીએ છીએ. જોકે ટૅલ્કમ પાઉડરની જેમ બાળકો માટેના બેબી પાઉડરની વિશ્વવિખ્યાત બ્રૅન્ડ્સની પ્રોડક્ટ્સમાં પણ ટૅલ્કની હાજરીને પગલે અનેક વિવાદો ઊભા થયા છે. એવામાં સવાલ એ થાય કે શું ખરેખર બાળકને પાઉડર લગાવવાની જરૂર છે? રૅશિસ કે અન્ય સમસ્યામાં પાઉડર લગાવવો પડે તો એના નૅચરલ વિકલ્પો શું હોઈ શકે છે? 
ઝેરી કે કૅન્સરજન્ય તત્ત્વો ધરાવતા બેબી પાઉડરથી નુકસાન વિશે મુલુંડનાં અનુભવી પીડિયાટ્રિશ્યન ડૉ. હિમાની શાહ પાસેથી વિગતવાર જાણીએ.

ટૅલ્કમ શા માટે જોખમી?



નવજાત શિશુની ત્વચા અત્યંત નાજુક હોય છે. ત્વચા પર ટૅલ્કમ પાઉડર લગાવવાથી ફાયદાને બદલે નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. એનો સૌથી મોટો ભય શ્વાસમાં પાઉડર જવાનો છે. પાઉડર છાંટતી વખતે એના અત્યંત બારીક કણો હવામાં ઊડે છે અને બાળકનાં ફેફસાંમાં પ્રવેશે છે જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ, ઍલર્જી અને શ્વસનતંત્રના ગંભીર રોગો થઈ શકે છે. અમેરિકન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સ ટૅલ્કમ પાઉડરના ઉપયોગથી દૂર રહેવાની સલાહ આપે છે.
ટૅલ્ક નામના ખનિજમાંથી ટૅલ્કમ પાઉડર બનાવવામાં આવે છે. કુદરતી રીતે જમીનમાંથી ટૅલ્ક મેળવતી વખતે એની સાથે ઍસ્બેસ્ટોસ નામનું જોખમી ખનિજ પણ મિશ્રિત હોવાની શક્યતા તો રહેલી જ હોય છે. ઍસ્બેસ્ટોસ એક જાણીતું કૅન્સરજનક તત્ત્વ છે. કુદરતી ટૅલ્કના ખનનમાં એની ભેળસેળ થવાની શક્યતા વિશે વર્ષોથી ચર્ચા અને તપાસ ચાલતી રહી છે. બાળકના નાજુક ગુપ્ત ભાગો કે ત્વચા પર લાંબા સમય સુધી આવા પાઉડરનો ઉપયોગ કરવો બિલકુલ સલાહભર્યો નથી.


નૅચરલ વિકલ્પો શું હોઈ શકે?

ઘણાં મમ્મી-પપ્પા ટૅલ્કમ પાઉડરના વિકલ્પ તરીકે કૉર્નસ્ટાર્ચ, ઍરોરૂટ સ્ટાર્ચ કે જવના લોટ જેવા કુદરતી પાઉડર તરફ વળે છે. કૉર્નસ્ટાર્ચ આધારિત પાઉડરમાં ઍસ્બેસ્ટોસનું જોખમ નથી હોતું એ વાત સાચી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો બારીક પાઉડર હવામાં ઊડીને બાળકના શ્વાસમાં જઈ જ શકે છે. તેથી ડૉક્ટરો કોઈ પણ પાઉડરને હવામાં છાંટીને વાપરવાની સલાહ આપતા નથી.
જો બાળકની ત્વચાને ડાયપર રૅશિસથી બચાવવી હોય કે ભેજમુક્ત રાખવી હોય તો પાઉડરને બદલે ઝિન્ક ઑક્સાઇડયુક્ત બૅરિયર ક્રીમ, સાદી પેટ્રોલિયમ જેલી અથવા નારિયેળ તેલનો ઉપયોગ કરવો સૌથી સુરક્ષિત છે. નારિયેળ તેલ ત્વચાને કુદરતી રીતે નમી આપે છે અને રૅશિસ સામે રક્ષણ આપે છે.


ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?

કૃત્રિમ ફ્રૅગ્રન્સવાળી પ્રોડક્ટ્સ ટાળવી.
ટૅલ્કયુક્ત બેબી પાઉડરનો ઉપયોગ ન કરવો
એસેન્શિયલ ઑઇલવાળી પ્રોડક્ટ્સનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો.
આલ્કોહૉલ અને ઍન્ટિ-સેપ્ટિક્સવાળી પ્રોડક્ટ્સથી દૂર રહેવું.
 કુદરતી રંગો અને બબલ બાથ કેમિકલ્સવાળી પ્રોડક્ટ્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.

પાઉડર વગર બાળકની ત્વચાની કૅર કેવી રીતે કરવી?

 નવજાત બાળકની ત્વચાને પાઉડર વગર સ્વસ્થ અને રૅશિસમુક્ત રાખવા માટે બાળકને રોજ આખા શરીરે સાબુથી નવડાવવાની જરૂર હોતી નથી. બાળકની માનસિક અને શારીરિક સ્થિતિ મુજબ સપ્તાહમાં બેથી ૩ વખત નવડાવવું પૂરતું છે. માત્ર જરૂર હોય એવા જ ભાગોની સફાઈ કરવી.
 ગરદન, બગલ, જાંઘના સાંધા અને કાનની પાછળના ભાગોને નરમ ભીના કાપડથી સાફ કરવા જોઈએ.
 નવડાવ્યા કે સાફ કર્યા પછી ત્વચાને ઘસીને લૂછવાને બદલે હળવા હાથે થાબડીને સૂકવશો તો બેબીની સ્કિનને નુકસાન નહીં પહોંચે.
 ભીનું કે ગંદું ડાયપર તરત બદલવું અને સાદા પાણી અને નરમ કાપડથી સફાઈ કરવી જરૂરી છે. પછી પાઉડર લગાવવાને બદલે ઝિન્ક ઑક્સાઇડ ક્રીમ કે પેટ્રોલિયમ જેલીનું પાતળું પડ લગાવવું. એ પેશાબ અને મળ સામે ત્વચાને રક્ષણ આપશે.
 નવડાવ્યા બાદ ત્વચા સહેજ ભીની હોય ત્યારે જ સુગંધરહિત મૉઇશ્ચરાઇઝર કે ક્રીમ લગાવી શકાય. 
 બાળકને સુતરાઉ અને આરામદાયક કપડાં પહેરાવવાં તેમ જ વધુ પડતાં કપડાંથી લપેટીને બાળકને ગરમી ન થાય એનું ધ્યાન રાખવું.
 ક્યાંય પણ પાઉડરનો ઉપયોગ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. શિશુની ત્વચાને માત્ર સ્વચ્છતા, મૉઇશ્ચર અને કુદરતી રક્ષણની જરૂર હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 05:27 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK