ટેસ્ટમાં હાઇએસ્ટ વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો મિચલ સ્ટાર્ક
ગઈ કાલે ડાર્વિનના મારારા સ્ટેડિયમમાં ટેસ્ટ મૅચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાની ૬ વિકેટ લીધા બાદ બાંગ્લાદેશના બોલર હસન મેહમૂદ.
૨૩ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ રમી રહેલા બંગલાદેશે પ્રથમ દિવસે કાંગારૂઓને પરચો બતાવી દીધો હતો. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરી રહેલી ઑસ્ટ્રેલિયન ટીમ ૨૬ વર્ષના બંગલાદેશી પેસ બોલર હસન મેહમૂદના કરીઅર-બેસ્ટ બેસ્ટ ૫૫ રનમાં ૬ વિકેટના તરખાટ સામે ૫૩ ઓવરમાં માત્ર ૧૯૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બંગલાદેશ સામે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ સૌથી ઓછો સ્કોર બની ગયો હતો. મેહમૂદને અન્ય સાથી પેસ બોલરો તસ્કીન અહમદ (૫૫ રનમાં બે) અને ઇબાદત હોસૈન (૩૯ રનમાં બે વિકેટ)નો યોગ્ય સાથ મળ્યો હતો. કાંગારૂઓ વતી એકમાત્ર હાફ સેન્ચુરી સ્ટીવ સ્મિથ (૧૦૯ બૉલમાં ૭૧ રન) બનાવી શક્યો હતો. જવાબમાં દિવસના અંત સુધીમાં બંગલાદેશે ઓપનર શાદમન ઇસ્લામની વિકેટ ગુમાવીને ૯૬ રન બનાવી લીધા હતા. બંગલાદેશ હજુ ઑસ્ટ્રેલિયાથી ૧૦૨ રન પાછળ છે અને તેમની ૯ વિકેટ હાથમાં છે.
બંગલાદેશની એકમાત્ર વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી અને એ સાથે જ તેણે કપિલ દેવની ૪૩૪ ટેસ્ટ-વિકેટની બરોબરી કરી લીધી હતી અને ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ આર્મ બોલર બની ગયો હતો. તેણે શ્રીલંકાના લેફ્ટ આર્મ સ્પિનર રંગના હેરાથના ૪૩૩ વિકેટના રેકૉર્ડને તોડી નાખ્યો હતો. આ મામલે ૪૧૪ વિકેટ સાથે પાકિસ્તાનનો વસીમ અકરમ ત્રીજા નંબરે છે.
ઑસ્ટ્રેલિયામાં પંજો, હસન પ્રથમ બંગલાદેશી
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં પાંચ કે એથી વધુ વિકેટ લેનાર પ્રથમ બંગલાદેશી પેસ બોલર બની ગયો હતો. હસન મેહમૂદ આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝમાં એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર પણ પહેલો પેસ બોલર બની ગયો હતો.
