Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પ્રોટીન પાઉડર પીવો જરૂરી?

પ્રોટીન પાઉડર પીવો જરૂરી?

Published : 24 March, 2026 02:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમે પ્રૉપર વર્કઆઉટ કરતા હો તો પણ જો તમે તમારા દરેક મીલમાં થોડા પ્રોટીનનો સમાવેશ કરતા હો તો તમને પ્રોટીન પાઉડરની કોઈ જરૂર નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ન્યુટ્રિશન સાયન્સ કહે છે કે આદર્શ રીતે વ્યક્તિને એક કિલો વજન પાછળ ૦.૮ ગ્રામ એટલે કે લગભગ અંદાજે ૧ ગ્રામ પ્રોટીનની જરૂર છે. એટલે કે સાદી રીતે સમજવા જઈએ તો ૬૦ કિલોની વ્યક્તિ હોય તો તેણે દરરોજ ૬૦ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. પ્રોટીન આપણા શરીરના બિલ્ડિંગ બ્લૉક્સ છે જે શરીરના સ્નાયુઓને સશક્ત બનાવવાનું કામ કરે છે. જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે સ્નાયુઓ તૂટે છે એના રિપેર માટે અને એને વધુ સશક્ત બનાવવા પ્રોટીન જરૂરી છે. પ્રોટીન જરૂરી છે પરંતુ પ્રોટીન પાઉડર જરૂરી છે એવું ન કહી શકાય. જે વ્યક્તિઓને અમુક પ્રકારનું ફિઝિક બનાવવું હોય તેમના માટે કદાચ જરૂરી કહી શકાય, બાકી એવું જરાય નથી કે તમે જિમ જાઓ છો એટલે તમારે પ્રોટીન પાઉડર લેવો જ. જિમમાં એક કલાક કસરત કરો અને ડાયટમાં પ્રોટીન રિચ પદાર્થો જેમ કે કઠોળ, દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ કે ઈંડાં વ્યવસ્થિત લેતા હો તો પ્રોટીન પાઉડરની જરૂર નથી.

તમે પ્રૉપર વર્કઆઉટ કરતા હો તો પણ જો તમે તમારા દરેક મીલમાં થોડા પ્રોટીનનો સમાવેશ કરતા હો તો તમને પ્રોટીન પાઉડરની કોઈ જરૂર નથી. છતાં પણ જો તમને એવું લાગે તો પ્રોટીન પાઉડર તરીકે સત્તુ પીઓ. એ વધુ અસરકારક અને નૅચરલ છે. જો તમે કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધવા માગતા હો કે બૉડી-બિલ્ડિંગ કરવા માગતા હો અને એટલા માટે પ્રોટીન પાઉડર પીવા માગતા હો તો એના જુદા-જુદા પ્રકારોથી અવગત થવું જરૂરી છે. પ્રોટીન પાઉડર મુખ્યત્વે ત્રણ-ચાર પ્રકારના હોય છે - વ્હે-પ્રોટીન, કેસીન પ્રોટીન, સોય પ્રોટીન, હેમ્પ પ્રોટીન અને પી-પ્રોટીન. પાછા એમના પણ સબ-પ્રકાર આવે છે. વ્હે પ્રોટીન સૌથી સારું પ્રોટીન માનવામાં આવે છે કારણ કે એમાં અઢળક અમીનો ઍસિડ હોય છે જે દૂધમાંથી બને છે. જે લોકો લૅક્ટોઝ ઇન્ટૉલરન્ટ હોય એ લોકો આ પ્રોટીન લઈ શકતા નથી. એવી જ રીતે કેસીન પ્રોટીન પણ દૂધમાંથી જ બને છે પરંતુ એને પચતાં વાર લાગે છે. જ્યારે પી-પ્રોટીન આજકાલ વધુ લોકો ઉપયોગમાં લે છે. એ પ્રમાણમાં પચવામાં સરળ છે કારણ કે એ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન માનવામાં આવે છે. એ જ રીતે હેમ્પ પ્રોટીન અને સોય પ્રોટીન પણ પ્લાન્ટ બેઝ્ડ જ છે. મોટા ભાગે વીગન લોકો આ ઑપ્શન અપનાવતા હોય છે. બજારમાં ઘણા પ્રકારના પ્રોટીન પાઉડર મળે છે. પૉપ્યુલરલી મસલ્સ બનાવવા માટે લોકો વ્હે-પ્રોટીન વાપરે છે. વેઇટલૉસ માટે વ્હેની સાથે-સાથે કેસીન પણ વાપરવામાં આવે છે. શાકાહારી અને વીગન માણસો માટે પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન હોય છે. જો તમે પ્રોટીન પાઉડર પીવા માગતા હો તો જિમ ટ્રેઇનરના કહેવા મુજબ નહીં એક ન્યુટ્રિશનિસ્ટના કહેવા મુજબ પાઉડરની પસંદગી કરો.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK