Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે પણ એકનું એક ગીત રિપીટ મોડ પર સાંભળો છો?

તમે પણ એકનું એક ગીત રિપીટ મોડ પર સાંભળો છો?

Published : 23 November, 2026 05:23 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

એક જ ગીત વારંવાર સાંભળવાની આદત પાછળ માત્ર નૉસ્ટૅલ્જિયા જ નહીં, મગજ અને આપણી લાગણીઓ સાથે જોડાયેલાં કેટલાંક રસપ્રદ કારણો પણ જવાબદાર હોય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટ્રેન્ડિંગ મ્યુઝિકના લિસ્ટમાં સતત નવાં ગીતો ઉમેરાતાં રહે છે, પરંતુ દરેક વ્યક્તિનું આગવું પ્લે-લિસ્ટ હોય છે. એમાંય કેટલાંક ગીતો એવાં હોય છે જે તેઓ લગાતાર સાંભળી શકે છે. તેમનું મન વારંવાર એક જ ગીત પર આવીને અટકી જાય છે. ક્યારેક એ ગીત જૂની યાદો તાજી કરે છે તો ક્યારેક મનને શાંતિ આપે છે. એક જ ગીત વારંવાર સાંભળવાની આદત પાછળ માત્ર નૉસ્ટૅલ્જિયા જ નહીં, મગજ અને આપણી લાગણીઓ સાથે જોડાયેલાં કેટલાંક રસપ્રદ કારણો પણ જવાબદાર હોય છે

કાનમાં ઇઅરફોન ભરાવીને તમે પ્લે-લિસ્ટ શરૂ કરો છો. હજારો નવાં ગીતો અને ટ્રેન્ડિંગ ટ્રેક્સ સામે પડ્યાં છે છતાં તમારી આંગળી એ જ એક ગીત પર જઈને અટકે છે જે તમે છેલ્લા ૩ દિવસથી સતત લૂપ પર સાંભળી રહ્યા છો. ગીત પૂરું થાય એટલે ફરીથી રિપીટનું બટન દબાઈ જાય છે. આપણે ઘણી વાર વિચારીએ છીએ કે આવું કેમ? કેમ ચોક્કસ ટ્યુન, શબ્દો ધરાવતું ગીત એક વાર કાને પડે પછી એ આપણા મગજમાં એવું ઘર કરી જાય છે કે એ સતત લૂપમાં સાંભળ્યા કરવાનું મન થયા કરે છે. સામાન્ય રીતે લોકો આ આદતને માત્ર નૉસ્ટૅલ્જિયા કે ભૂતકાળમાં અટવાયેલા રહેવા સાથે જોડે છે, પરંતુ સાઇકોલૉજી આની પાછળનાં કેટલાંક રસપ્રદ કારણો સમજાવે છે. એક જ ગીત વારંવાર સાંભળવાનું મન તમને પણ થતું હોય તો એ પાછળનાં કારણો સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ પાસેથી જાણીએ.



પ્રેડિક્ટેબિલિટી


આપણી આસપાસની દુનિયા સતત બદલાતી રહે છે. ઑફિસનું કામ, ટ્રાફિક, અચાનક આવી પડતી જવાબદારીઓ અને સતત આવતા મેસેજિસ મગજને સતત અલર્ટ મોડમાં રાખે છે. નવું ગીત સાંભળતી વખતે પણ મગજને અજાણ્યા સૂર, નવા શબ્દો અને બદલાતો લય સમજવા માટે ઊર્જા ખર્ચવી પડે છે. તમે જ્યારે કોઈ ગીત સતત ત્રીજા દિવસે રિપીટ કરો છો ત્યારે મગજને બરાબર ખબર હોય છે કે આગલી સેકન્ડે કયો સૂર, કયું વાદ્ય અને કયો શબ્દ આવવાનાં છે. આ પરિચિતતા મગજ માટે ઘરના આરામદાયક સોફા જેવું કામ કરે છે, જ્યાં કોઈ અણધારી સરપ્રાઇઝ હોતી નથી અને મનને સંપૂર્ણ વિરામ મળે છે.

દબાયેલી લાગણીઓ બહાર કાઢે


રોજિંદી ભાગદોડમાં આપણને ઘણી વાર પોતે અંદરથી શું અનુભવી રહ્યા છીએ એની સ્પષ્ટતા હોતી નથી. મનમાં કોઈ અકળામણ, થાક કે ભાર હોય છે; પણ એને ચોક્કસ શબ્દો આપી શકાતા નથી. આવા સમયે જે ગીત લૂપ પર વાગે છે એ આપણી દબાયેલી લાગણીઓને બહાર લાવવાનું માધ્યમ બને છે. એ ગીતના શબ્દો અને મ્યુઝિક આપણા મનની અકળામણને વ્યક્ત કરવામાં મદદ કરે છે. જે વાત કે લાગણી આપણે બોલીને નથી કહી શકતા એ ગીત સાંભળીને હળવી થઈ જાય છે.

નિયંત્રણની ભાવના

રોજિંદા જીવનમાં ઘણી બાબતો આપણા નિયંત્રણની બહાર હોય છે. બૉસનો મૂડ, કામની ડેડલાઇન, ઘરની જવાબદારીઓ કે અન્ય લોકોનું વર્તન આપણે બદલી શકતા નથી; પરંતુ તમારા ફોનમાં કયું ગીત વાગશે, એ કેટલા અવાજે વાગશે અને કેટલી વાર વાગશે એ સંપૂર્ણપણે તમારા હાથમાં હોય છે. સતત એક જ ગીત સાંભળવું એ અજાણતાં જ પોતાની પર્સનલ સ્પેસ પર કાબૂ મેળવવાની એક રીત છે. આ ત્રણ-ચાર મિનિટનું ગીત વ્યક્તિને પોતાની મરજી મુજબ સમય પસાર કરવાનો અને માનસિક રીતે સુરક્ષિતતા અનુભવવાનો મોકો આપે છે.

સેન્સરી ઓવરલોડથી બચાવ

શહેરોનો ઘોંઘાટ, સતત સ્ક્રીન-ટાઇમ, લોકોની ભીડ અને વાતચીતો મગજ અને નર્વસ સિસ્ટમને થકવી નાખે છે. આ સ્થિતિને સાઇકોલૉજીમાં સેન્સરી ઓવરલોડ કહેવાય છે. બહારથી આવતા અવાજો અને માહિતીનો મારો વધી જાય ત્યારે એક જ જાણીતું ગીત બહારની દુનિયાની ખલેલને અટકાવવાનું કામ કરે છે. એ એક જ અવાજ બાકીના તમામ બિનજરૂરી ઘોંઘાટને બ્લૉક કરી દે છે એટલે મગજને ફરીથી શાંત અને સ્થિર થવાનો સમય મળે છે.

ઓવરથિન્કિંગ પર બ્રેક

ઘણી વાર મગજમાં એકસાથે ઘણાબધા વિચારો ચાલતા હોય છે. ભૂતકાળની ચિંતાઓ અને ભવિષ્યનું પ્લાનિંગ સતત ચાલ્યા કરે છે. સતત ચાલતા આ વિચારો જ્યારે મનને અસ્વસ્થ કરી દે છે ત્યારે લૂપ પર વાગતું ગીત મગજને એક જ જગ્યાએ સ્થિર રાખવાનું કામ કરે છે. ગીતની પરિચિત ધૂન મગજને અલગ-અલગ દિશામાં વિચારવા દેવાને બદલે એક જ ટ્રૅક પર ફોકસ કરાવે છે. આનાથી ઓવરથિન્કિંગ આપોઆપ ધીમું પડી જાય છે અને મન વર્તમાન સમયમાં કેન્દ્રિત થાય છે.

એક જ ગીત વારંવાર સાંભળવાથી શું થાય?

આપણે જ્યારે કોઈ ગીત લૂપ પર સાંભળીએ છીએ, ત્યારે એ માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ આપણા શરીર અને મગજની અંદર એક ખાસ બાયોલૉજિકલ પ્રોસેસ શરૂ થાય છે. સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ આ શારીરિક પ્રક્રિયા સમજાવતાં જણાવે છે કે સંગીત આપણા મગજનાં કેમિકલ્સ પર સીધી અસર કરે છે.

ડોપમીનનો સ્રાવ અને આનંદની અનુભૂતિ : આપણે જ્યારે આપણું મનપસંદ ગીત સાંભળીએ છીએ ત્યારે મગજનો રિવૉર્ડ પાથવે એટલે કે આનંદ આપતો ભાગ સક્રિય થાય છે. આનાથી શરીરમાં ડોપમીન નામનું હૅપી હૉર્મોન ઝરે છે જે આપણને તાત્કાલિક આનંદ, ઉત્સાહ અને સંતોષનો અહેસાસ કરાવે છે.

સ્ટ્રેસ હૉર્મોનમાં ઘટાડો : તનાવ કે ચિંતાની સ્થિતિમાં શરીરમાં કૉર્ટિઝોલ નામનું હૉર્મોન વધી જાય છે. એક જ પરિચિત ગીત વારંવાર સાંભળવાથી મગજને એના દરેક સૂર અને વળાંકની અગાઉથી ખબર હોય છે. આ પરિચિતતા મનને ઊંડી શાંતિ આપે છે અને કૉર્ટિઝોલનું સ્તર ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.

નર્વસ સિસ્ટમને સુરક્ષાનો સંકેત : સતત એક જ ધૂન વાગવાથી આપણી નર્વસ સિસ્ટમને એવો સંકેત મળે છે કે આસપાસનું વાતાવરણ સંપૂર્ણપણે સલામત છે અને કોઈ ખતરો નથી.

શારીરિક તનાવમાં રાહત : જ્યારે મગજ સુરક્ષિતતા અનુભવે છે ત્યારે એની સીધી અસર શરીર પર પડે છે. પરિણામે ઝડપથી ચાલતા હૃદયના ધબકારા ફરીથી નિયમિત બને છે, શ્વાસની ગતિ સ્થિર થાય છે અને શરીરના સ્નાયુઓમાં જમા થયેલો તનાવ આપોઆપ ઓછો થવા લાગે છે.

આ આદત ક્યારે ચિંતાનો વિષય બને?

કોઈ ગમતું ગીત બે-ત્રણ દિવસ કે એકાદ અઠવાડિયા સુધી સતત રિપીટ મોડ પર સાંભળવું એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ દરેક બાબતની જેમ આ આદત પણ જો હદ કરતાં વધી જાય તો એ માનસિક સ્વાસ્થ્ય માટે રેડ ફ્લૅગ એટલે કે ચેતવણીની નિશાની બની શકે છે. પૂર્વી શાહના મતે નીચે મુજબનાં લક્ષણો દેખાય ત્યારે વ્યક્તિએ પોતાની આ આદત પર ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે.

વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયાસ : જો તમે કોઈ ગીત એટલા માટે સતત સાંભળી રહ્યા હો કે તમારે જીવનની કોઈ ગંભીર સમસ્યા, અઘરી પરિસ્થિતિ, મહત્ત્વની વાતચીત કે જવાબદારીઓનો સામનો ન કરવો પડે તો એ એસ્કેપિઝમ એટલે કે વાસ્તવિકતાથી ભાગવાની વૃત્તિ દર્શાવે છે.

રોજિંદાં કાર્યો અને એકાગ્રતામાં અવરોધ : જો ગીત બંધ થતાં જ તમને અચાનક ગભરામણ કે અસહ્ય બેચેની થવા લાગે અને ઇઅરફોન કે એ ચોક્કસ ગીત વિના ઑફિસના કામ, અભ્યાસ કે રોજિંદાં કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની જાય તો એ માનસિક નિર્ભરતાની નિશાની છે.

નકારાત્મકતા અને ઉદાસીમાં વધારો : ઘણી વાર લોકો દુઃખ કે વિરહ દર્શાવતાં ગીતો લૂપ પર સાંભળતા હોય છે. જો આવાં ગીતો સાંભળીને વ્યક્તિ પોતાની પીડામાંથી બહાર આવવાને બદલે વધુ ને વધુ ઉદાસ અને નિરાશ થતી જતી હોય તો એ માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મ્યુઝિકને સ્ટ્રેસ મૅનેજમેન્ટનો ભાગ કેવી રીતે બનાવશો?

સંગીતનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા કે મનોરંજન માટે જ નહીં, પરંતુ રોજિંદા જીવનના તનાવને દૂર કરવા માટે એક અસરકારક થેરપી તરીકે પણ કરી શકાય છે. સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ સંગીતને સ્ટ્રેસ મૅનેજમેન્ટનો ભાગ બનાવવા માટે નીચે મુજબની કેટલીક સરળ અને વ્યવહારુ રીતો સૂચવે છે :

મૂડ પ્રમાણે ગીતની પસંદગી કરો : તમે જ્યારે ખૂબ ગુસ્સામાં કે ઉદાસ હો ત્યારે સીધું જ ઉત્સાહભર્યું ગીત સાંભળવાને બદલે શરૂઆતમાં તમારા હાલના મૂડ સાથે મેળ ખાતું ગીત સાંભળો. એનાથી મનને પોતાની લાગણી સ્વીકારવામાં મદદ મળશે. ત્યાર બાદ ધીમે-ધીમે શાંત, હળવા અને સકારાત્મક સંગીત તરફ આગળ વધો, જેથી તમારો મૂડ કુદરતી રીતે બદલાય.

દિવસમાં ૧૦ મિનિટનો મ્યુઝિક બ્રેક લો : કામની ભાગદોડ વચ્ચે દિવસમાં ઓછામાં ઓછા બે વાર ફક્ત ૧૦ મિનિટનો સમય પોતાના માટે કાઢો. આ સમય દરમ્યાન આરામથી બેસો, આંખો બંધ કરો અને તમારું મનપસંદ શાંત સંગીત સાંભળો. આ નાનકડો બ્રેક મગજને રીચાર્જ કરવાનું કામ કરશે.

સંગીત સાંભળતી વખતે મલ્ટિ-ટાસ્કિંગ ટાળો : આપણે મોટા ભાગે કામ કરતાં-કરતાં કે મોબાઇલ સ્ક્રૉલ કરતાં-કરતાં બૅકગ્રાઉન્ડમાં ગીતો સાંભળીએ છીએ, પરંતુ સ્ટ્રેસ ઘટાડવા માટે જ્યારે સંગીત સાંભળો ત્યારે અન્ય તમામ કામ બાજુ પર મૂકી દો. ફક્ત ગીતના સૂર, વાદ્યો અને શબ્દો પર જ પૂરું ધ્યાન કેન્દ્રિત કરો.

બીજાના ટ્રેન્ડ કરતાં પોતાની પસંદને મહત્ત્વ આપો : સોશ્યલ મીડિયા પર શું ટ્રેન્ડિંગ છે કે બીજા લોકો શું સાંભળે છે એનું અનુકરણ કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિની માનસિક જરૂરિયાત અલગ હોય છે એટલે તમને જે સંગીત સાંભળીને ખરેખર હળવાશ, સુરક્ષા અને આનંદનો અનુભવ થાય એ જ પસંદ કરો.

આજની ભાગદોડભરી જિંદગીમાં જ્યારે બધું જ અનિશ્ચિત લાગે ત્યારે એક જ ગીતને લૂપ પર સાંભળવું એ મન માટે સેફ ઝોન બની જાય છે. સંગીત એ મનની વાત સમજવાની અને તનાવ ઘટાડવાની સૌથી સરળ ચાવી છે. બસ, એ વાતનું ધ્યાન રાખો કે આ આદત તમને વાસ્તવિકતાથી દૂર કરવાને બદલે જીવનનો સામનો કરવાની નવી તાકાત આપે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 05:23 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK