આજના ડિજિટલ યુગમાં બાળકોને સ્ક્રીનથી દૂર રાખવાં પેરન્ટ્સ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. ટીવી, મોબાઇલ, ટૅબ્લેટ વગેરે બાળકોના દૈનિક જીવનનો ભાગ બની ગયાં છે ત્યારે એક ઇન્ટરવ્યુ દરમ્યાન ઇન્સ્ટાગ્રામના CEO ઍડમ મોસેરીએ બાળકોના સ્ક્રીન ટાઇમ વિશે વાતો કરી
આ બાબતે નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ
બાળકોને જમતી વખતે, સૂતી વખતે, ફ્રી ટાઇમમાં મોબાઇલ-ટીવી જોઈતાં હોય છે. ઘણી વાર બધાં કામ છોડીને તેમને સ્ક્રીન પર ટાઇમ પસાર કરવો હોય છે. એમાં પણ જો પેરન્ટ્સ તેમને વઢે તો તેમને ગુસ્સો આવી જાય. મોટા ભાગના પેરન્ટ્સે આ અનુભવ્યું હશે. બાળકોને સ્ક્રીનથી દૂર રાખવા પેરન્ટ્સ માટે એક મોટો ટાસ્ક છે ત્યારે ઇન્સ્ટાગ્રામના CEO ઍડમ મોસેરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ કઈ રીતે બાળકોના સ્ક્રીન-ટાઇમને મૅનેજ કરે છે. તેમના કહેવા અનુસાર બાળકોને સજારૂપે સ્ક્રીન-ટાઇમથી દૂર રાખવામાં આવે ત્યારે તેઓ વધારે ખરાબ વર્તન કરે છે. એની જગ્યાએ તેઓ બાળકોને જવાબદારી સોંપે છે, જે પૂરી કરવા પર કમાણી તરીકે તેમને સ્ક્રીન-ટાઇમ મળે છે. ઍડમ મોસેરીનો વિચાર એવા સમયે સામે આવ્યો છે જ્યારે આખી દુનિયામાં એ વાતને લઈને ચર્ચા થઈ રહી છે કે બાળકો માટે કેટલો સ્ક્રીન-ટાઇમ યોગ્ય અને હેલ્ધી છે. મોસેરીનું માનવું છે કે બાળકોને જ્યારે એ શીખવાડવામાં આવે કે સ્ક્રીન-ટાઇમ તેમનો હક નથી પણ એક પ્રિવિલેજ છે ત્યારે તેમનામાં જવાબદારીની ભાવના વિકસિત થાય છે. ઍડમ મોસેરીના વિચારો આજની નવી પેરન્ટિંગની ફિલોસૉફીને દર્શાવે છે જેમાં બાળકો પર સંપૂર્ણ રોક લગાવવાને બદલે સંતુલન અને સમજદારીથી કામ લેવડાવવા પર ધ્યાન આપવામાં આવે છે. આજે પણ ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટિંગ કોચ પાસેથી બાળકોના સ્ક્રીન-ટાઇમને કઈ રીતે મૅનેજ કરવો એ વિશે માર્ગદર્શન મેળવીએ.
સાઇકોલૉજી સમજો
ADVERTISEMENT
બાળકના વ્યવહારને સુધારવા માટે સ્ક્રીન-ટાઇમનો સજારૂપે ઉપયોગ કરવા કરતાં જવાબદારી નિભાવીને કમાણીરૂપે સ્ક્રીન-ટાઇમ મેળવવો સારી બાબત છે. એ પાછળની સાઇકોલૉજી સમજાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘જ્યારે આપણે બાળકને સ્ક્રીનથી રિસ્ટ્રિક્ટ કરીએ છીએ ત્યારે જાણતાં-અજાણતાં જ આપણે સ્ક્રીનને બાળક માટે વધારે ડિઝાયરેબલ બનાવી દઈએ છીએ. જે વસ્તુ પર વારંવાર રોક લગાવવામાં આવે એ વસ્તુ કરવા માટે બાળકમાં વધુ ક્રેવિંગ થવા લાગે. જ્યારે પેરન્ટ્સ સ્ક્રીન-ટાઇમને પનિશમેન્ટની જેમ યુઝ કરે છે ત્યારે બાળક એવું માની લે છે કે સ્ક્રીન-રિસ્ટ્રિક્શન્સ મારા વર્તનને કારણે નહીં, મારા પેરન્ટ્સ પાસે પાવર અને કન્ટ્રોલ છે એટલા માટે મૂકવામાં આવી રહ્યાં છે. મારા પેરન્ટ્સ પાસે ઑથોરિટી છે એટલે તેઓ મને રોકી શકે છે. મારી પાસે ઑથોરિટી નથી એટલે હું ડિસાઇડ ન કરી શકું. અહીં પ્રૉબ્લેમ એ થાય કે બાળક પોતાને રેગ્યુલેટ કરતાં નથી શીખતો. તે નથી શીખતો કે મારે ક્યારે અટકવું જોઈએ કે મારો ટાઇમ કઈ રીતે મૅનેજ કરવો જોઈએ. તે એવું શીખે છે કે જ્યાં સુધી મને કોઈ ન રોકે ત્યાં સુધી માટે સ્ક્રીન યુઝ કરી શકું છું. આની અસર એ થાય કે બાળક એકલો હોય ત્યારે સ્ક્રીનનો ઓર યુઝ કરવા લાગે. સેલ્ફ-ડિસિપ્લિન ડેવલપ ન થાય. બાળકોમાં કન્ટ્રોલ બહારથી નહીં, અંદરથી આવવો જોઈએ. સ્ક્રીન-ટાઇમનો સજારૂપે ઉપયોગ કરવો બાળકોને નિયંત્રિત નથી કરતું, પણ તેમને બહારી કન્ટ્રોલનો આદી બનાવી દે છે. એનાથી ઊલટું જ્યારે સ્ક્રીન-ટાઇમને જવાબદારી, સમજ અને પ્રયત્નો સાથે જોડી દેવામાં આવે ત્યારે બાળક એ શીખે છે કે તેના નિર્ણયો અને વ્યવહાર મહત્ત્વ રાખે છે. તે ધીરે-ધીરે સમજવા લાગે છે કે ક્યારે અટકવું જોઈએ, કેમ અટકવું જોઈએ અને કેટલો ઉપયોગ કરવો યોગ્ય છે. આ પ્રક્રિયામાં કન્ટ્રોલ બહારથી થોપવાની જગ્યાએ અંદરથી વિકસિત થાય છે. બાળકમાં સેલ્ફ-ડિસિપ્લિન ડેવલપ થાય છે જે બાળકને ઇમોશનલી મૅચ્યોર બનાવે છે.’
અમલ કઈ રીતે કરશો?
હવે જે બાળકોનો સ્ક્રીન-ટાઇમ વધુ હોય તેમને આ નવી રીત પ્રમાણે ઢાળવાં હોય તો એ માટે પેરન્ટ્સે શું કરવું જોઈએ એનો જવાબ આપતાં ચેતના દેઢિયા કહે છે, ‘સૌથી પહેલાં તો ભારતીય પેરન્ટ્સે પોતાનો માઇન્ડસેટ ચેન્જ કરવો પડશે. તેમણે સ્ક્રીનનો ફ્રી બેબી-સીટરની જેમ ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે. પેરન્ટ્સ બાળક બહુ રડતું હોય કે હેરાન કરતું હોય તો તેને શાંત પાડવા કે એન્ગેજ રાખવા માટે હાથમાં સ્ક્રીન પકડાવી દે. જમવામાં નખરાં કરતું હોય તો હાથમાં સ્ક્રીન પકડાવી દે અને બાળક એમાં પરોવાયેલું રહે ત્યાં બાળકોના મોઢામાં કોળિયા ભરાવી દે. બાળક હોમવર્ક કરતું ન હોય કે તેનાં બીજાં કામ કરવામાં ટાળ-ટાળ કરતું હોય તો એ કામ કઢાવવા માટે સ્ક્રીન-ટાઇમની લાલચ આપી દે. ઘણા પેરન્ટ્સ અવગત જ નથી હોતા કે કઈ રીતે સ્ક્રીન બાળકોના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર નાખી શકે છે. ઘણા પેરન્ટ્સ આને લઈને અવેર હોય છે, પણ તેઓ તેમની લાઇફમાં એટલા વ્યસ્ત હોય છે કે બાળકને બિઝી રાખવા તેમને સ્ક્રીન આપી દેવી વધારે સરળ રસ્તો લાગે છે. એટલે બાળકોનો સ્ક્રીન-ટાઇમ મૅનેજ કરવા માટે સૌથી પહેલાં તો પેરન્ટ્સે સક્રિય થવું પડશે. પેરન્ટ્સે બાળક સાથે બેસીને એક લિસ્ટ બનાવવાનું. એ લિસ્ટમાં બધાં જ કામ ઍડ કરવાનાં જે બાળકે સવારે ઊઠવાથી લઈને રાત્રે સૂતાં પહેલાં કરવાનાં છે. એ પછી પોતાનો બેડ સરખો કરવો, બૅગમાં લંચબૉક્સ-બૉટલ ભરવાં, હોમવર્ક કરવું વગેરે. બન્નેએ ડિસકસ કરીને લિસ્ટમાં કામ ઉમેરવું જરૂરી છે કારણ કે ઘણી વાર પેરન્ટ્સને એમ લાગે કે આ તો બાળકનું જ કામ છે. તેણે જ જાતે કરવાનું હોય. બીજી બાજુ બાળકને એમ લાગી શકે કે આ કંઈ મારું કામ થોડું છે એટલે એ કામને લઈને બન્નેની સહમતી જરૂરી છે. દરેક કામ પૂરું કરવા પર એક સ્ટાર મળે. જો લિસ્ટમાં દિવસનાં દસ કામ હોય અને બાળકે એમાંથી આઠ કામ જાતે કર્યાં હોય તો દિવસના અંતે તેને આઠ સ્ટાર મળશે. એ રીતે અઠવાડિયામાં સમજો તેણે ૫૦ સ્ટાર્સ મેળવ્યા હોય એ હિસાબે તેને સ્ક્રીન-ટાઇમ આપવાનો. કામનું આ જે લિસ્ટ છે એ તમારે દર મહિને જરૂરિયાતના હિસાબે અપગ્રેડ કરતા રહેવાનું.’
ધ્યાનમાં રાખવા જેવું
સ્ક્રીન-ટાઇમ પર સ્ટ્રિક્ટ બૅન લગાવવા કરતાં આ રીતનો રિવૉર્ડ બેઝ્ડ સ્ક્રીન-ટાઇમ કેટલો સારો છે એનો જવાબ આપતાં રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘આ સિસ્ટમ આમ તો સારી છે, પણ જો એનો સાવચેતીથી ઉપયોગ ન કરવામાં આવે તો બીજી સમસ્યા ઊભી કરી શકે છે. બાળકો માટે સ્ક્રીન ફક્ત એકમાત્ર ઇનામ ન બનવી જોઈએ. દરેક કામ કરવાના બદલામાં જો તેમને સ્ક્રીન આપવામાં આવે તો બાળકો જવાબદાર બનવાની જગ્યાએ સ્ક્રીન માટે થઈને જ બધું કામ કરતાં થઈ જશે. એટલે એ જરૂરી છે કે બાળકોને અલગ-અલગ પ્રકારનાં ઇનામો આપવામાં આવે. એ ઇનામોમાંથી એક સ્ક્રીન-ટાઇમ હોઈ શકે, પણ ફક્ત સ્ક્રીન-ટાઇમ જ ઇનામ ન હોવું જોઈએ. આનો ઉદ્દેશ બાળકો પાસેથી સ્ક્રીનના ભરોસે કામ કરાવડાવવાનો નથી પણ જવાબદારી નિભાવવાની આદત નાખવાનો છે. બાળકોમાં એ સમજ વિકસવી જોઈએ કે કામ કરવું એ તેમની જવાબદારી છે, કોઈ સોદો નથી.’
આ વાત સાથે સહમત થતાં ચેતના દેઢિયા કહે છે, ‘તમે રિવૉર્ડ તરીકે તેની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરો. તેની ગમતી જગ્યાએ ફરવા માટે લઈ જાઓ. તમે તેની પસંદગીની ઍક્ટિવિટી જેમ કે ડ્રૉઇંગ, ડાન્સ, મ્યુઝિક ટ્રાય કરવાની તક આપો. આઇસક્રીમ કે તેને ભાવતી વસ્તુની ટ્રીટ આપો. તમે તેમને પસંદગીનું રમકડું કે પુસ્તક, પઝલ ગિફ્ટ આપી શકો. તમે તેમને પસંદગીનું ફૂડ કે ઍક્ટિવિટી પસંદ કરવાનો અધિકાર આપો.’
ઉંમર મુજબ નક્કી કરો સ્ક્રીન-ટાઇમ
૦-૨ વર્ષ : બાળકોનો સ્ક્રીન-ટાઇમ ઝીરો હોવો જોઈએ. બાળકોને એવી રમત અને ઍક્ટિવિટીઝમાં સામેલ કરો જેનાથી હાથ અને આંગળીઓની સૂક્ષ્મ ગતિવિધિઓનું નિયંત્રણ કરવાની ક્ષમતા વિકસે તેમ જ જોવું, સાંભળવું, સ્પર્શવું, સ્વાદ અને ગંધ જેવી ઇન્દ્રિયોનો અનુભવ અને સમજનો વિકાસ થાય.
૨-૫ વર્ષ : એક કલાકથી ઓછો સ્ક્રીન-ટાઇમ હોવો જોઈએ. તેમનું ફોકસ પ્લે બેઝ્ડ લર્નિંગ પર હોવું જોઈએ જેનાથી તેમનાં વિચારો, કલ્પના અને કૌશલ વિકસિત થાય.
૬-૧૨ વર્ષ : એક-બે કલાકથી વધારે સ્ક્રીન-ટાઇમ ન હોવો જોઈએ. સ્ક્રીનનો ઉપયોગ પણ શૈક્ષણિક હેતુથી જ થવો જોઈએ.
૧૩-૧૮ વર્ષ : બે-ત્રણ કલાકથી વધારે ઉપયોગ ન થવો જોઈએ. જવાબદારીથી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં શીખવાડવું જોઈએ.


