માનસિક થાક પર કામ કરવાની જરૂર છે નહીંતર એ વ્યક્તિને ડિપ્રેશનની નજીક લઈ જઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
આપણું મન ક્યારે થાકે? જ્યારે એ વધુપડતું વિચારે, જ્યારે એ મુક્ત ન રહી શકે, જ્યારે એ પોતે જે લાગણી અનુભવી રહ્યું છે એ વ્યક્ત ન કરી શકે, જ્યારે એ જીવનમાં વધુપડતું ઍડ્જસ્ટ કર્યા કરે, જ્યારે એને ન ગમતું કોઈ પણ કામ એ વર્ષોથી કર્યા કરતું હોય ત્યારે, જ્યારે એ વધુપડતું સ્ટ્રેસ લીધા જ કરતું હોય ત્યારે. શરીર થાકે એમ મન પણ થાકે. આ થાકને ઘણા લોકો આળસ સમજવાની ભૂલ કરે છે પણ માનસિક થાક પર કામ કરવાની જરૂર છે નહીંતર એ વ્યક્તિને ડિપ્રેશનની નજીક લઈ જઈ શકે છે.
૪૦ વર્ષનો મયંક છેલ્લાં બે વર્ષમાં ત્રણ જૉબ બદલી ચૂક્યો છે. તેને કશે ગમતું નથી. કામમાંથી જાણે કે રસ જ ઊડી ગયો છે. ઘરની જવાબદારી વધારે છે એટલે કામ કરવા મથી રહ્યો છે, બાકી છેલ્લા એક વર્ષથી તે રિટાયર થઈ જવાની વાતો જ કરે છે. જે એક કલાકમાં પાંચ ફાઇલોનો હિસાબ પતાવી દેતો હતો તેનાથી હવે એક ફાઇલ પણ પૂરી થતી નથી. શનિ-રવિ રજાના દિવસે તો મયંક સૂતો જ રહે છે એમ કહીને કે તેને ખૂબ થાક લાગ્યો છે.
ADVERTISEMENT
૫૦ વર્ષનાં સુલોચનાબહેન આજની તારીખે ઘરમાં ચીડિયાં થઈને જ ફરે છે. ગમે ત્યારે લોકો પર બરાડી ઊઠે છે. પહેલાં જે ૫૦ લોકોનો જમણવાર એકલા હાથે પતાવી દેતાં તે હવે ચાર માણસો પણ ઘરે આવે જમવા તો કહે છે કે મારાથી કામ નથી થતું. ઉંમરની અસર છે એવું પણ ન કહી શકાય. શારીરિક રીતે તો તે એકદમ ફિટ છે પછી આ થાક શેનો છે?
૨૨ વર્ષનો દીપ એક હોશિયાર છોકરો છે. પાંચ વર્ષની ઉંમરથી તેણે અઢળક કૉમ્પિટિશનમાં ભાગ લીધો છે. ચેસ, જનરલ નૉલેજ, સ્પેલિંગ, અબાકસ, ક્યુબ જેવી અઢળક મગજ સંબંધિત રમતો તે રમે છે અને તેણે ઘણા મેડલ જીત્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના મેડલ જીત્યા પછી હવે જ્યારે ખરેખર ચૅમ્પિયન બનવાનો સમય આવ્યો છે ત્યારે તેને હવે શેમાંય ભાગ લેવો નથી. તે કહે છે, મને હવે એમાં જરાય રસ નથી. હવે ખરેખર વિશ્વ-ચૅમ્પિયન બનવાના સમયે એવું શું થયું કે તેને ભાગ લેવો નથી? આ પ્રશ્નના જવાબમાં તે ફક્ત એટલું કહે છે કે હું થાકી ગયો છું.
એક ઉદાહરણ સમજીએ. તમે એક પર્વત ચડવા ગયા. પર્વત ખાસ્સો મોટો છે. એને ચડવા માટે શરીરે અનહદ કામ કર્યું પણ એક જગ્યાએ પહોંચીને હાથ-પગના સ્નાયુઓ જવાબ આપી દે. શરીર આગળ વધવાની જ જાણે ના પાડે. આગળ તમે જેટલું ચડતા હો એ ઢસડી-ઢસડીને ચડતા હો એમ લાગે. ‘બસ હવે નહીં થાય.’ એ ‘બસ હવે નહીં’ જ સૂચવે છે કે શરીર થાકી ગયું છે. છતાં પણ તમે જેટલું ખેંચાય એટલું ખેંચો છો. આ જે થાક છે એ શારીરિક થાક છે. આ થાકમાં એવું પણ બને કે મન એકદમ પ્રસન્ન હોય. પર્વત ચડવાની ખૂબ મજા આવતી હોય પણ શરીર થાકી ગયું હોય. આનાથી તદ્દન વિપરીત એવી અવસ્થાઓ પણ આવે છે જેમાં શરીર થાક્યું નથી. મન થાકી જાય છે. ઉપર જણાવેલાં ઉદાહરણો થાકેલા મનની નિશાની છે. મન ક્યારે થાકે? જ્યારે એ વધુપડતું વિચારે, જ્યારે એ મુક્ત ન રહી શકે, જ્યારે એ પોતે જે લાગણી અનુભવી રહ્યું છે એ વ્યક્ત ન કરી શકે, જ્યારે એ જીવનમાં વધુપડતું ઍડ્જસ્ટ કર્યા કરે, જ્યારે એને નહીં ગમતું કોઈ પણ કામ એ વર્ષોથી કર્યા કરતું હોય ત્યારે, જ્યારે એ વધુપડતું સ્ટ્રેસ લીધા જ કરતું હોય ત્યારે. આવાં કોઈ એક કે બધાં જ કારણો ભેગાં થાય ત્યારે મન થાકી જાય છે. મનનો થાક દેખાતો નથી, અનુભવાય છે. જ્યારે મનની અંદરથી અવાજ આવે કે ‘બસ, હવે નહીં’ એ હોય છે મનનો થાક.
આળસ કે થાક?
શારીરિક થાક સમજાય એવો હોય છે પણ માનસિક થાક દેખાતો નથી એટલે સમજાતો નથી. મોટા ભાગના લોકો આળસ અને માનસિક થાક વચ્ચે મૂંઝાતા હોય છે. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘આળસમાં કામ કરવાની ઇચ્છાનો જ અભાવ હોય છે. માનસિક થાકમાં ઇચ્છા હોઈ પણ શકે પણ મન પોકારીને ના પડતું હોય છે કે આ કામ નહીં થાય. જેમ કે એક સ્ત્રી ઘરનાં બધાં કામ કરતી રહેતી હોય છે પણ એક સમય એવો આવે છે કે તેને દરેક કામ બોજ લાગવા લાગે છે. એનો અર્થ એ નથી કે તે આળસુ બની ગઈ છે પણ એનો અર્થ એ છે કે તે થાકી ગઈ છે. મનના થાકમાં સૌથી મોટો અભાવ ઉત્સાહનો હોય છે. એ કામ કરવા માટે તમારો ઉત્સાહ ખૂટી જાય છે. એ કામ પ્રત્યેની ઉદાસીનતા છવાઈ જાય છે. આ એક પ્રકારનું બર્ન-આઉટ છે જેમાં વ્યક્તિ એકદમ બ્લૅન્ક એટલે કે શૂન્યમનસ્ક થઈ જતી હોય છે. મગજનું કામ છે સ્ટ્રેસને હૅન્ડલ કરવું પણ જ્યારે આ સ્ટ્રેસ સતત સહન કર્યા કરવું પડે તો એક સમયે મેન્ટલ ફટીગ એટલે કે માનસિક થાકમાં પરિણમે છે. ઘણાને આ અવસ્થા બે મહિનામાં આવી જાય છે તો ઘણાને બે દશકમાં. દરેકનો થાક તેમની સ્ટ્રેસ હૅન્ડલ કરવાની કૅપેસિટી પર આધાર રાખે છે. તેનું મગજ સ્ટ્રેસને સતત હૅન્ડલ કરી-કરીને છેલ્લે થાકી જતું હોય છે.’
શું કરવું?
માનસિક થાક ઉતારવા માટેના ઉપાય સૂચવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘પહેલાં તો એ સમજવું જરૂરી છે કે તમે માનસિક રીતે થાકી ગયા છો. પછી એ સમજવું પડે કે એની પાછળનાં કારણો શું છે. થોડું મન ખાલી કરો. એને જેટલું હળવું કરી શકાય એટલું હળવું બનાવો. એ માટે ફક્ત કોઈ સાથે વાત કરવી કે મન ખોલીને વાત કરવી જ પૂરતી નથી. એ તો કરવું જ, પણ એની સાથે-સાથે માનસિક ક્ષમતા વધારવી જરૂરી છે. એ માટે ન્યુટ્રિશનયુક્ત ખોરાક, એક સારી લાઇફસ્ટાઇલ, દરરોજ રાત્રે લેવાતી ગાઢ નિદ્રા, દરરોજની એક કલાકની એક્સરસાઇઝ ખૂબ ઉપયોગી સાબિત થશે. આ સિવાય મેડિટેશન એટલે કે ધ્યાન અસરકારક ઉપાય છે. મનને સ્વસ્થ રાખવા માટે આજની તારીખે એ અનિવાર્ય બન્યું છે.’
ખબર કેમ પડે કે તમને માનસિક થાક લાગ્યો છે?
તમે સતત ગુસ્સામાં અને અધીરા લાગતા હો છો.
તમે તમારું કામ સમયની અંદર રહીને પૂરું નથી કરી શકતા.
તમે ઝોન આઉટ થઈ જાઓ છો એટલે કે શૂન્યમનસ્ક અવસ્થામાં આવી જાઓ છો.
તમને સારી ઊંઘ નથી આવતી.
તમે વધુપડતું કૅફીન લઈ રહ્યા છો કે સિગારેટ સ્મોકિંગ કે આલ્કોહોલ જેવી ખોટી આદતોમાં પડી રહ્યા છો.
તમે એકદમ નિરાશ થઈ રહ્યા છો.
તમને અતિશય ચિંતા થયા કરે છે.
શારીરિક શ્રમ તમને અતિ કઠિન લાગે છે.
તમારી ખાવાની આદતો બદલાઈ ગઈ છે જેમ કે અનહેલ્ધી, વધુપડતું મીઠું, ખાંડ કે ફૅટી ફૂડ તરફ તમે વળી રહ્યા છો.
તમે કામમાં સામાન્ય કરતાં વધુ ભૂલો કરી રહ્યા છો.
માનસિક થાક શરીરને પણ અસર કરે છે જેમ કે તમને માથું દુખે, હાથ-પગ દુખ્યા કરે, પીઠ કે પેટનો દુખાવો રહ્યા કરે.
ઉપાય
આપણે શારીરિક રીતે થાકી ગયા હોઈએ તો એક રાત સરસ ઊંઘ કરી લઈએ એટલે બીજા દિવસે એકદમ ઠીક. જો થાક ઘણો વધુ હોય તો વ્યક્તિ બે-ચાર દિવસ શારીરિક આરામ કરે એટલે તે ઠીક થાય છે પણ માનસિક થાકનું એવું નથી હોતું એ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘માનસિક થાક ઊતરતાં વાર લાગે છે કારણ કે એ આવતાં પણ વાર લાગતી હોય છે. ઘણી વખત વ્યક્તિ ઓવરથિન્કિંગ કરતી હોય તો એને કારણે પણ માનસિક રીતે થાકી જતી હોય છે. આ અવસ્થામાં તેને એમાંથી બાહર આવવું અઘરું પડે કારણ કે ઓવરથિન્કિંગની એટલે કે વધુપડતું વિચારવાની આદતમાંથી તેણે પહેલાં મુક્તિ મેળવવી પડે. ઘણા એવું પણ માને છે કે બ્રેક લઈ લેવાથી કે કામ છોડી દેવાથી સુધાર આવે છે, પણ એવું નથી. માનસિક થાકનો સીધો અર્થ એ છે કે મન જીવનમાં જે સ્ટ્રેસ છે એને લેવામાં અક્ષમ સાબિત થઈ રહ્યું છે. કામ તમે છોડી નથી શકવાના અને સ્ટ્રેસ લેવાનું બંધ કરવું શક્ય નથી. એટલે માનસિક ક્ષમતા જ તમારે વધારવી પડે.’
