Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ​લિવર ડીટૉક્સ માટે બહુ ફેમસ આ જડીબુટ્ટી ખરેખર ચમત્કારી છે?

​લિવર ડીટૉક્સ માટે બહુ ફેમસ આ જડીબુટ્ટી ખરેખર ચમત્કારી છે?

Published : 15 June, 2026 01:49 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ખરાબ ખાનપાન, બેઠાડુ જીવનશૈલી અને વધતા સ્ટ્રેસના કારણે લિવરની બીમારીઓ ઝડપથી વધી રહી છે. આવા સમયે સોશ્યલ મીડિયાથી લઈને હેલ્થ માર્કેટમાં મિલ્ક થિસલનાં સપ્લિમેન્ટ્સ લોકપ્રિય થઈ રહ્યાં છે. શું ખરેખર એ ડાયાબિટીઝ અને ફૅટી લિવરની બીમારી માટે કારગત છે?

મિલ્ક થિસલ

મિલ્ક થિસલ


તંદુરસ્ત શરીર માટે લિવર એ એન્જિન જેવું છે, જે શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવાનું અને બ્લડ શુગરને નિયંત્રિત કરવાનું મુખ્ય કામ કરે છે. આજે ખરાબ ખાનપાન, બેઠાડુ જીવનશૈલી અને કેમિકલયુક્ત ખોરાકને કારણે આપણા લિવર પર ખૂબ વધારે દબાણ આવે છે. લિવર એ આપણા શરીરની એક કેમિકલ ફૅક્ટરી છે જે સતત ઝેરી કચરો સાફ કરે છે, પરંતુ જ્યારે આ ફૅક્ટરી થાકી જાય છે ત્યારે ફૅટી લિવર જેવી ગંભીર સમસ્યાઓ ઘર કરવા લાગે છે.

આવા સમયે, છેલ્લા કેટલાક સમયથી લિવરની હેલ્થ સુધારવા અને એને કુદરતી રીતે ડીટૉક્સ કરવા માટે એક જડીબુટ્ટીની ચર્ચા વૈશ્વિક સ્તરે જોરશોરથી થઈ રહી છે, જેનું નામ છે મિલ્ક થિસલ. આ હર્બલ સપ્લિમેન્ટ તરીકે આજે હેલ્થ માર્કેટમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.



આખરે આ મિલ્ક થિસલ શું છે? તે સ્વાસ્થ્યને કઈ રીતે ફાયદો આપે છે? કઈ બીમારીઓમાં તે રામબાણ સાબિત થઈ શકે અને તેનું સેવન કઈ રીતે કરવું? આ તમામ વિગતો ડાયેટ અને ન્યૂટ્રિશન ક્ષેત્રે ૧૨ વર્ષ કરતાં વધુનો બહોળો અનુભવ ધરાવતાં શ્વેતા જૈન જે જાણીતાં ગટ હેલ્થ એક્સપર્ટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એક્સપર્ટ છે તેમની પાસેથી જાણીએ.


મિક્લ થિસલ શું છે?

મિલ્ક થિસલ એ એક પ્રકારનો છોડ છે. એ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોમાં યુરોપ અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. દેખાવમાં એ છોડ કાંટાળો હોય છે અને એના પર પર્પલ કલરનાં ફૂલો આવે છે. આ છોડના નામમાં ભલે મિલ્ક હોય, પણ એનો ડેરીના દૂધ સાથે કોઈ સંબંધ નથી. એનાં પાંદડાં પર સફેદ કલરની નસો હોય છે. એને તોડવામાં આવે તો દૂધ જેવું સફેદ પ્રવાહી નીકળે છે. આ ખાસિયતને કારણે એનું નામ મિલ્ક થિસલ પડ્યું છે. યુરોપમાં આ છોડનો ઉપયોગ સદીઓથી પરંપરાગત દવા તરીકે થતો આવ્યો છે. એનાં ફૂલ અને પાંદડાં કરતાં બીજ બહુ મહત્ત્વનાં માનવામાં આવે છે. એનો અર્ક કાઢવામાં આવે છે, જેને સિલીમરિન કહેવાય છે. આ તત્ત્વ લિવર હેલ્થને સારી રાખવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. ભારતીય માર્કેટમાં સિલીમરિનની કૅપ્સ્યુલ, ટૅબ્લેટ કે પાઉડર મળે છે એ આ જ અર્કમાંથી બનેલાં હોય છે અને એનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે.


લિવર માટે કવચ

મિલ્ક થિસલ એ લિવરના સ્વાસ્થ્ય માટે વ્યાપકપણે સંશોધન કરાયેલી વનસ્પતિઓમાંની એક છે. એનું મુખ્ય કારણ એમાં રહેલું સિલીમરિન તત્ત્વ છે. આ તત્ત્વ લિવરના કોષોને ઝેરી પદાર્થોને દૂર કરવામાં અને સોજાને કારણે થતા નુકસાનથી બચાવે છે. કેટલાંક મેડિકલ રિચર્સ એ દર્શાવે છે કે આ તત્ત્વ લિવરના એન્ઝાઇમ્સનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ માત્ર સહાયક ઉપચાર છે, મુખ્ય દવાનો વિકલ્પ નથી. તંદુરસ્ત લાઇફસ્ટાઇલ અને સંતુલિત આહાર વિના આ સપ્લિમેન્ટ્સ અધૂરાં છે.

ઘણા લોકો એ નથી જાણતા કે બ્લડ શુગરના નિયંત્રણમાં લિવર મહત્ત્વનો ભાગ ભજવે છે. ટાઇપ-૨ ડાયાબિટીઝ ધરાવતા મોટા ભાગના દર્દીઓમાં ફૅટી લિવર અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા જોવા મળે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે મિલ્ક થિસલ લિવરની કામગીરીમાં સુધારો કરીને પરોક્ષ રીતે મેટાબોલિક હેલ્થ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ટેકો આપી શકે છે, જેનાથી શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

મગજનો બૉડીગાર્ડ

તાજેતરનાં કેટલાંક સંશોધનોમાં મિલ્ક થિસલ મગજના કોષોને રક્ષણ આપવાની સંભાવના દર્શાવે છે, જોકે માનવોમાં વધુ અભ્યાસની જરૂર છે. લૅબોરેટરી અને પ્રાણી અભ્યાસોમાં કેટલાક કૅન્સર કોષોની વૃદ્ધિ પર તેની અસર જોવા મળી છે, પરંતુ માનવોમાં હજુ પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી.

તમે જાણો છો?

ખ્રિસ્તી ધર્મની એક પ્રાચીન લોકવાયકા મુજબ મિલ્ક થિસલનાં પાંદડા પર જે સફેદ લીટીઓ દેખાય છે એ મધર મૅરીના પવિત્ર દૂધનાં ટીપાં ત્યાં પડવાને કારણે થઈ છે. આ ધાર્મિક માન્યતાને કારણે જ મધ્યયુગીન યુરોપમાં એને મૅરી થિસલ કે હૉલી થિસલ પણ કહેવામાં આવતું હતું.

કોણે લેવું, કોણે ટાળવું?

નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ ધરાવતા લોકો, ફૅટી લિવર સાથે ટાઇપ-ટૂ ડાયાબિટીઝના દર્દીઓ, જેમના લિવર એન્ઝાઇમ્સ એટલે SGOT/SGPT સામાન્ય કરતાં વધારે હોય, જેમના શરીરમાં સ્ટ્રેસ વધારે હોય એ દરદીઓ માટે મિલ્ક થિસલમાંથી બનેલી સપ્લિમેન્ટ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પણ એક્સપર્ટની સલાહ વગર એનું સેવન કરવું નહીં.

જો મિલ્ક થિસલ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે સંપૂર્ણ સુરક્ષિત છે, પરંતુ કેટલીક વ્યક્તિઓમાં ઊબકા, પેટ ફૂલવું, ડાયેરિયા, અપચો કે માથાનો દુખાવો જેવી હળવી આડઅસરો થઈ શકે છે.

જે લોકોને ડેઇઝી કે સૂર્યમુખી વર્ગના છોડની ઍલર્જી હોય તેમણે આ ન લેવું. આ ઉપરાંત, સગર્ભા મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને હૉર્મોન સંબંધિત બીમારી ધરાવતા લોકોએ ડૉક્ટરની લેખિત સલાહ વિના આ શરૂ ન કરવું.

મિલ્ક થિસલ કેટલીક દવાઓના મેટાબોલિઝમ પર અસર કરી શકે છે. તેથી જો તમે ડાયાબિટીઝની દવાઓ, લોહી પાતળું કરવાની દવાઓ, કીમોથેરપીની દવાઓ લેતા હો, તો મિલ્ક થિસલ લેતાં પહેલાં તમારા ડૉક્ટરની મંજૂરી લેવી અનિવાર્ય છે.

સામાન્ય રીતે ક્લિનિકલ રિસર્ચના આધારે, ૧૪૦ મિલીગ્રામ સિલીમરિન મળે તેવી સ્ટાન્ડર્ડાઇઝ્ડ કૅપ્સ્યુલ કે ટૅબ્લેટ દિવસમાં ૨થી ૩ વખત લેવાની ભલામણ કરાય છે. પેટની અગવડ ન થાય એ માટે એને હંમેશાં ભોજન સાથે લેવું હિતાવહ છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના રિપોર્ટ્સના આધારે ડૉક્ટર પાસે જ પોતાનો વ્યક્તિગત ડોઝ નક્કી કરાવવો જોઈએ.

ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

અત્યારે બજારમાં હજારો બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે, પણ સાચી પ્રોડક્ટ પસંદ કરવા માટે લેબલ પર મિલ્ક થિસલના અર્કની માત્રા સ્પષ્ટ લખેલી હોવી જોઈએ.

માર્કેટમાં ૭૦, ૮૦ અથવા ૮૦ ટકાથી વધુ સિલીમરિન ધરાવતાં સ્ટાન્ડર્ડાઇઝ્ડ એક્સટ્રેક્ટ્સ ઉપલબ્ધ છે.

ઇન્સ્ટન્ટ ડીટૉક્સ કે લિવરનો ૧૦૦ ટકા ઇલાજ જેવા અતિશયોક્તિભર્યા દાવાઓ કરતી પ્રોડક્ટથી દૂર રહેવું. હંમેશાં થર્ડ પાર્ટી ટેસ્ટેડ અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ જ પસંદ કરો.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 01:49 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK