US Iran Peace Deal: અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાગત; એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘આશા છે કે આનાથી ક્ષેત્રમાં શાંતિ સ્થપાશે અને વૈશ્વિક વેપાર સુરક્ષિત બનશે’; શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં હસ્તાક્ષર થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે પશ્ચિમ એશિયા (West Asia Crisis)માં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા (United States of America) અને ઈરાન (Iran) વચ્ચે સધાયેલી સમજૂતીનું (US Iran Peace Dea) ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ ઐતિહાસિક કરારથી આ ક્ષેત્રમાં સ્થિરતા પુનઃસ્થાપિત થશે અને વૈશ્વિક વેપાર માર્ગો સુરક્ષિત બનશે.
નરેન્દ્ર મોદીએ એક્સ પર શેર કરી પોસ્ટ
ADVERTISEMENT
આજે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ (PM Modi on US Iran Peace Deal) શેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ લાંબા સંઘર્ષના કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક અવરોધો ઊભા થયા હતા અને અનેક દેશોએ નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવવા પડ્યા હતા.
વડાપ્રધાને તેમની પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સધાયેલી સમજૂતીનું સ્વાગત કરું છું. આ સંઘર્ષે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક અસ્થિરતા પેદા કરી હતી અને ઘણા દેશોમાં જાનમાલનું મોટું નુકસાન કર્યું હતું.’
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
— Narendra Modi (@narendramodi) June 15, 2026
India hopes that the implementation of this understanding will…
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘ભારત આશા રાખે છે કે આ સમજૂતીના સફળ અમલીકરણથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પાછી આવશે તેમજ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો દ્વારા થતા આંતરરાષ્ટ્રીય વેપાર અને પરિવહનની સ્વતંત્રતા (ફ્રીડમ ઓફ નેવિગેશન) સુનિશ્ચિત થશે.’
આ સાથે જ તેમણે એવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે કે, વોશિંગ્ટન (Washington) અને તેહરાન (Tehran) વચ્ચે બાકી રહેલા અન્ય વિવાદિત મુદ્દાઓ પરની વાટાઘાટો પણ સકારાત્મક દિશામાં આગળ વધશે અને બંને દેશો એક કાયમી અને ટકાઉ કરાર પર પહોંચશે.
અમેરિકા-ઈરાન સમજૂતીમાં શું સામેલ છે?
અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મનાવટનો અંત લાવવા, હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવા અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર ફરીથી વાટાઘાટો શરૂ કરવા માટે એક પ્રસ્તાવિત માળખા પર સહમતિ સધાઈ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન આવ્યું છે.
અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવિત માળખામાં ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં કામચલાઉ રાહત આપવી, ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિ મુક્ત કરવી અને બંને દેશો વચ્ચેના વણઉકલ્યા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ૬૦ દિવસનો સમયગાળો આપવાનો સમાવેશ થાય છે. ઈરાની મીડિયાએ આ વ્યવસ્થાને વ્યાપક ૧૪-મુદ્દાના માળખાના ભાગરૂપે ગણાવી છે, જો કે તેનો સંપૂર્ણ સત્તાવાર દસ્તાવેજ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
આ નવીનતમ ઘટનાક્રમ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત તેની ઊર્જા (ક્રૂડ ઓઈલ)ની આયાત માટે મોટાભાગે હોર્મુઝની સામુદ્રધુની પર નિર્ભર છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક તેલ વેપારનો મોટો હિસ્સો સંભાળે છે અને તેને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક માનવામાં આવે છે.
અગાઉ આ બંને દેશો વચ્ચેના સંઘર્ષને કારણે દરિયાઈ પરિવહનમાં અવરોધ, તેલના ભાવમાં વધારો અને પશ્ચિમ એશિયામાં મોટા પાયે તણાવ વધવાની ચિંતાઓ ઊભી થઈ હતી. આ સ્થિતિમાં, તણાવ ઓછો થવાના આ સંકેતો ઊર્જા આયાત અને વૈશ્વિક વેપાર માર્ગો પર નિર્ભર રહેતા ભારત જેવા દેશો માટે ખૂબ જ રાહત સમાન છે.
