નીના ગુપ્તાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એ મોટા ભાગની સ્ત્રીઓની જેમ મને ઘણુંબધું વસાવવાનો શોખ છે. કપડાં, ઍક્સેસરીઝ, જુદી-જુદી પ્રકારની જ્વેલરી, મૅચિંગ ફુટવેઅર, બૅગ્સ, બીજું ઘણુંબધું પણ મને યાદ રહેતું નથી કે મારી પાસે કેટલું છે.
પ્રતિકાત્મક તસવીર
ઘરેથી નીકળો ત્યારે ચાવી લેતાં, નાહીને નીકળો પછી ગીઝર બંધ કરતાં, રોજિંદા જીવનમાં આજનો વાર કે તારીખ, જે દિવસે બુકિંગ કર્યું હોય એ શો, ટ્રાવેલ પર જતા હો ત્યારે મહત્ત્વનો સામાન વગેરે દેખીતી રીતે નાની પણ મહત્ત્વની વસ્તુઓ તમે આજકાલ ભૂલવા લાગ્યા છો? તો તમે એકલા નથી, અઢળક લોકો આ પ્રૉબ્લેમનો શિકાર છે. આજે જાણીએ લોકો પાસેથી તેમના ભૂલવાના રસપ્રદ કિસ્સાઓ અને સમજીએ કે આવું લોકો સાથે થાય છે શા માટે
નીના ગુપ્તાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એ મોટા ભાગની સ્ત્રીઓની જેમ મને ઘણુંબધું વસાવવાનો શોખ છે. કપડાં, ઍક્સેસરીઝ, જુદી-જુદી પ્રકારની જ્વેલરી, મૅચિંગ ફુટવેઅર, બૅગ્સ, બીજું ઘણુંબધું પણ મને યાદ રહેતું નથી કે મારી પાસે કેટલું છે. બધું ખરીદીને રાખી દીધું હોય. સમય પર યાદ આવવું જરૂરી છે કે મારી પાસે આ વસ્તુ છે અને હું એનો ઉપયોગ કરી શકું એમ છું પણ મને આ બાબતે બિલકુલ યાદ રહેતું નથી. આખો દિવસ ઘણુંબધું યાદ રાખવાનું હોય છે, એમાં મારી પાસે શું-શું વસ્તુ છે એ કેવી રીતે યાદ રાખું? એટલે મેં એનો એક ઉપાય કાઢ્યો છે. એ ઉપાય વિશે જણાવતાં તે કહે છે કે તે ક્યારેક સવારે પાંચ વાગ્યે ઊઠી જાય ત્યારે પોતાને સ્ટાઇલ કરે છે. જુદાં-જુદાં કપડાંને કઈ રીતે પહેરવાં અને એની સાથે શું પહેરવું અને એ બધું નક્કી કરી તૈયાર થાય અને ખુદના ફોટો પાડે અને ફોનમાં સેવ કરીને રાખે. જ્યારે તૈયાર થવું હોય ત્યારે એ ફોટોઝ તેમને મદદરૂપ થાય છે. આ એક અતિ પ્રૅક્ટિકલ સોલ્યુશન છે. નાની-નાની વસ્તુઓ ભૂલવાની આદત તો ઘણા લોકોને હોય છે. વ્યક્તિ ઇચ્છે કે તે બધું યાદ રાખે પણ એવું થતું નથી. એને લીધે દૈનિક જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલીઓ આવ્યા કરે છે. પણ નીનાજીની જેમ દરેક પાસે તેનાં પોતાનાં સોલ્યુશન હોય છે. આજે જાણીએ કેટલાક લોકો પાસેથી તેમના ભૂલવાના અનુભવો અને તેમણે અપનાવેલાં કેટલાંક સોલ્યુશન્સ.
ADVERTISEMENT
ભૂલવાની આદત
બોરીવલીમાં રહેતાં ૪૫ વર્ષનાં જિજ્ઞા ધોળકિયાનાં બે બાળકો અત્યારે કૉલેજમાં આવી ગયાં છે. તેઓ નાનાં હતાં ત્યારે જિજ્ઞાબહેન એકદમ ‘ઑન ટોઝ’ રહેનારાં મમ્મી હતાં. બાળકોના ટાઇમ-ટેબલથી માંડીને તેમની નાનામાં નાની ટેસ્ટ વિશે તેમને બધું જ યાદ રહેતું પણ આજકાલ સીન બદલાઈ ગયો છે. બાળકોની એક્ઝામની તારીખો તેમને ખબર નથી હોતી. જે દિવસે બાળકોને ટિફિન લઈ જવાનું હોય તો છોકરાઓએ જો મોઢે કહ્યું હોય તો પૂરી શક્યતા છે કે જિજ્ઞાબહેન ભૂલી ગયાં હોય. એટલે તેમણે બાળકોને કહ્યું છે કે આગલી રાત્રે મને મેસેજ કરવો કે મમ્મી, કાલે ટિફિન બનાવજે. એ વિશે વાત કરતાં જિજ્ઞાબહેન કહે છે, ‘ફોનમાં મેસેજ હોય તો યાદ રાખવું સારું પડે પણ ખરેખર પરિસ્થિતિ એવી છે કે એ મેસેજ પછી પણ એવું બને કે મેં ટિફિન ન બનાવ્યું હોય. ફ્રિજ આગળ કેટલીબધી વાર ઊભી હોઉં અને વિચારતી હોઉં કે શેના માટે ફ્રિજ ખોલ્યું હતું? એક સમય હતો કે દુકાને જઈને મને જોઈતી ગ્રોસરી લઈ આવી હોઉં. પરંતુ હવે એ લિસ્ટ વગર શક્ય જ નથી બનતું. મારા ફ્રિજના દરવાજા પર ઘણી સ્ટિકી નોટ્સ ચોંટેલી રાખવી જ પડે જેમાં ઘણીબધી નાની-નાની નોંધ મેં કરી રાખી હોય જેથી ભૂલી ન જવાય. ફોનમાં અઢળક અલાર્મ સેટ રાખ્યાં હોય અને ફોનમાં નોટ્સમાં પણ લખી રાખ્યું હોય. બાળકો નાનાં હતાં ત્યારે એવું બને જ નહીં કે હું તેમની મેડિકલ અપૉઇન્ટમેન્ટ ભૂલી હોઉં. ઊલટું મારે હવે ક્લિનિકવાળાને કહેવું પડે છે કે એક દિવસ અગાઉ ફોન કરશો તમે?’
શું કરવું?
જ્યારે વ્યક્તિ નાની-નાની બાબતો ભૂલી જતી હોય ત્યારે એનો ઉપાય શું છે એ વિશે જણાવતાં ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘પહેલાં તો સ્વીકારી લો કે ભૂલવું એક નૉર્મલ વાત છે. ખુદને આ માટે વધુપડતું સ્ટ્રેસ ન આપો. બીજું એ કે જો તમે વારંવાર ભૂલતા હો તો નક્કી તમને બ્રેકની જરૂર છે, શાંતિની જરૂર છે. મલ્ટિટાસ્કિંગ છોડો. એક સમયે એક કામ પર ધ્યાન આપો. રીલ્સ જોવાનું બંધ કરો. મોબાઇલ પરનાં બધાં નોટિફિકેશન બંધ કરો. ફક્ત કામનાં નોટિફિકેશન ચાલુ રાખો. વ્યસ્તતા છોડો. કોઈ પણ ઇન્ફર્મેશનને પ્રોસેસ કરવાનો સમય જોઈએ ત્યારે એ મેમરી બને. તમારી પાસે એક ક્ષણનો પણ સમય નથી, મગજ સતત પ્લાનિંગ અને કામોમાં વ્યસ્ત છે તો મેમરી પર અસર થશે જ. એટલે ખુદ માટે સમય કાઢો.’
અનુભવો
આવી જ કંઈક હાલત બોરીવલીમાં રહેતાં ૪૩ વર્ષનાં ટીના શાહની છે. તેમને બે બાળકો છે. તેમના જીવનનો એક રસપ્રદ કિસ્સો વર્ણવતાં ટીના કહે છે, ‘અમે લોકો લોનાવલા જવાનાં હતાં. બાળકોની સૂટકેસ, અમારી બૅગ્સ મેં બધું જ પૅક કર્યું. કશે જવાનું હોય ત્યારે મમ્મીઓને ચારગણું કામ હોય છે. એ બધું પતાવીને ગાડીમાં બેસીને અમે સવારે ઘરેથી નીકળી ગયાં, લોનાવલા પહોંચ્યાં ત્યારે ખબર પડી કે બાળકોની સૂટકેસ તો છે જ નહીં. અમે ત્યાં બે દિવસ રોકાવા માટે ગયાં હતાં અને બાળકોનો કોઈ સમાન અમારી પાસે હતો જ નહીં. બીજી એક વાર પણ આવું થયેલું જ્યારે હું મમ્મી અને બાળકોના ગ્રુપ સાથે ફરવા જવાની હતી. મેં સવારમાં પાંચ વાગ્યામાં બાકોને રેડી કર્યાં. ૬ વાગ્યે નીકળતી વખતે મને લાગ્યું કે ગ્રુપમાં કઈ મેસેજ કેમ નથી, બધા પહોંચી ગયા હશે સ્ટેશન? મેં મારી ફ્રેન્ડને ફોન કર્યો ત્યારે ખબર પડી કે અમે એ દિવસે નહીં, એના પછીના દિવસે જવાનાં હતાં. શુક્રવાર હોય તો મને શનિવાર લાગે. ચાર તારીખ હોય તો મને છ લાગે. ઘણુંબધું ભૂલી જવાય, ઘણુંબધું એવું છે જેમાં મૂંઝાઈ જવાય.

જિજ્ઞા ધોળકિયા અને ટીના શાહ
લિસ્ટ જરૂરી
એના ઉપાયરૂપે શું કરો છો એ પ્રશ્નનો જવાબ આપતાં ટીના શાહ કહે છે, ‘બધું લખી રાખું, બધાની યાદી બનાઉં. છોકરાઓના રૂમમાં એક બ્લૅક બોર્ડ રાખ્યું છે જેના પર લિસ્ટ બનાવવાની આદત મેં પાડી છે. મને પણ મારી પાસે કયો દાગીનો છે એ યાદ ન હોય એટલે લખી રાખું. બાળકોના ખૂબ મહત્ત્વના દિવસો સ્કૂલમાં હોય તો એ બધું જ લખી રાખવું પડે નહીંતર તકલીફ થઈ જાય. અલાર્મ સેટ કરવાં પડે. દૈનિક કામો જેટલાં છે એને હું ખુદ ક્રૉસ ચેક કરું. નાહી લીધા પછી ગીઝર બંધ કર્યું કે નહીં એ હું દરરોજ ક્રૉસ ચેક કરું જ. ચાવી લીધી છે કે નહીં, લાઇટ બંધ કરી છે કે નહીં એ પણ બધું ક્રૉસ ચેક કરવાની આદત પડી ગઈ છે મને. ઘરનો દરવાજો બરાબર બંધ થયો કે નહીં એ યાદ રહે એ માટે દરવાજો જોરથી બંધ કરું કે અવાજને કારણે મગજમાં સ્ટોર થાય કે બંધ થયું હતું કંઈક. કશે બહાર જવું હોય તો પહેલેથી પ્લાનિંગ ન કર્યું હોય તો કંઈક તો રહી જ જાય. બૅડ્મિન્ટન ક્લાસ છે આજે તો રૅકેટ અને બીજો સામાન અડધા કલાક પહેલાં લઈને હૉલમાં મૂકી દઉં. જો લાસ્ટ મિનિટ પર કર્યું તો ચોક્કસ એવું બની શકે કે રૅકેટ વગર બૅડ્મિન્ટનના ક્લાસમાં અમે પહોંચી ગયાં હોઈએ.’
ભૂલી જનારા લોકો
જે વ્યક્તિ ભૂલી રહી છે તેના પર ગુસ્સે થવાને બદલે તેના ઘરના લોકોએ તેને શાંતિ આપવી જોઈએ. તેના માથેથી જવાબદારીનાં પોટલાં ઓછાં કરવાં જોઈએ. પુરુષ હોય કે સ્ત્રી, કોઈ પણને આ પ્રૉબ્લેમ આવી શકે છે. જ્યારે તે તેની કૅપેસિટી કરતાં ઘણું વધુ કામ કરે છે. ભૂલી જવું એ એક પર્સનાલિટી ટ્રેઇટ પણ છે. આવા લોકો ફક્ત નાની-નાની બાબતો જ ભૂલી નથી જતા, મોટા ઝઘડાઓ કે અણબનાવ કે તમે તેમની સાથે જે ખોટું કર્યું છે એ પણ બધું ભૂલીને આગળ વધતા હોય છે. આવા લોકો એકંદરે જીવનમાં વધુ ખુશ રહે છે કારણ કે તેઓ બધું યાદ રાખીને દુખી નથી થતા, બધું ભૂલીને આગળ વધે છે.
આવું થાય કેમ?
નાની-નાની વસ્તુઓ ભૂલવાની તકલીફ લગભગ દરેક વ્યક્તિને હોય છે પણ કઈ વ્યક્તિ શું ભૂલે છે એ બાબત જુદી-જુદી હોય છે. કોઈ ઘરની બાબતો ભૂલી જાય તો કોઈ કામની, કોઈ પરિવાર સંબંધિત બાબતો ભૂલી જાય તો કોઈ ખુદની; જેને લીધે આપણી રૂટીન લાઇફ એટલે કે આપણું દૈનિક જીવન અસરગ્રસ્ત થાય છે. આપણે કઈ રીતે નાની-નાની બાબતો ભૂલી જઈએ છીએ એ સમજાવતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘જે ક્ષણે વાત યાદ રાખવાની હોય એ ક્ષણે મન ભટકે ત્યારે માણસ ભૂલે. પહેલાં કરતાં આજના સમયમાં અટેન્શન સ્પૅન ઘટ્યો છે. એનું કારણ આપણા જીવનમાં આવેલાં ગૅજેટ્સ છે અને એ ગૅજેટ પર આવતાં સતત નોટિફિકેશન છે. તમે એક કામ કરી રહ્યા છો ત્યારે ફોન પર આવતાં નોટિફિકેશન તમને બીજી જગ્યાએ દોરી જાય છે. ધ્યાન ભટકે છે. જે લોકો મલ્ટિ-ટાસ્કિંગ ખૂબ કરતા હોય છે તેમને એક સમય પછી ભૂલવાની તકલીફ આવતી જોવા મળે છે. એકસાથે પચાસ કામ કરતી વ્યક્તિ એક જગ્યાએ ફોકસ્ડ ન રહી શકે અને એને કારણે ૨-૪ કામ સ્કિપ થઈ જતાં હોય છે. મમ્મીઓ સાથે મોટા ભાગે આ પ્રૉબ્લેમ થતો દેખાય છે. ભૂલવું કે યાદ ન રાખવું એ મગજની એક ચૉઇસ પણ છે. દરેક વસ્તુ યાદ રાખવાની હોતી નથી. એટલે મગજ જાતે જે વસ્તુનું મહત્ત્વ નથી એ વસ્તુને મેમરીમાં હટાવી નાખે છે. જે વસ્તુ તમે દરરોજ કોઈ નિશ્ચિત સમયે કરો છો એ તમને યાદ રાખવી પડતી નથી પણ નવી માહિતી કે નવાં કામ જે દરરોજ આવ્યા જ કરે છે એને પ્રોસેસ કરવામાં રૂટીનનાં કામો પણ સ્કિપ થઈ શકે છે.’


