ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનાં કેટલાંક ગામોએ આંગળી ચીંધતી આવકારદાયક પહેલ શરૂ કરી છે. બાળકોમાં ખૂબ પ્રિય અને સસ્તો નાસ્તો ગણાતાં ચિપ્સ, વેફરનાં પૅકેટ્સને ગામમાં બૅન કરી દેવા માટે ગામલોકોએ શું કર્યું એ જાણીએ
ડાવોલગામમાં પાંચ અને ૧૦ રૂપિયાનાં પૅકેટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ગામની દુકાનોમાં પડીકાં બંધ થઈ ગયાં.
ખમીરવંતા ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોએ સમાજને આંગળી ચીંધતી આવકારદાયક પહેલ કરી છે. ગામનાં બાળકોના સ્વાસ્થ્યને લઈને પરિવર્તનનો પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આજના સમયે જન્ક-ફૂડથી બચવા માટે કંઈકેટલાય પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનાં કેટલાંક ગામોએ પાંચ અને ૧૦ રૂપિયામાં મળતાં નાસ્તાનાં પૅકેટ પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે. બાળકો પોષણક્ષમ આહાર તરફ વળે, સંભવિત રોગોથી બચે અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તંદુરસ્ત રહે એવા શુભ હેતુથી કેટલાંક ગામોમાં પડીકાં પર પ્રતિબંધ મુકાયો છે અને મુકાવા જઈ રહ્યો છે. સરાહનીય વાત એ છે કે ગામમાં નાની-મોટી દુકાનો ધરાવતા દુકાનદારોએ પણ ગામનાં બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પૈસા કમાવાની લાલચ છોડીને બાળકોના સ્વાસ્થ્યને મહત્ત્વ આપ્યું છે અને આવાં પડીકાં નહીં વેચવા પર સંમતિ દર્શાવી છે. તાજેતરમાં કેટલાંક ગામોમાં ગ્રામસભા યોજીને ગામના વડીલો અને લોકોએ સામૂહિક ચિંતન કરીને પડીકાં પર પ્રતિબંધ મૂકવાનો ઉદાહરણીય નિર્ણય કર્યો છે. આ વિશે ગામના લોકો પાસેથી જાણીએ કે કેમ પ્રતિબંધ મૂકવાની નોબત આવી અને કેવો બદલાવ આવવાનો શરૂ થયો છે.
ડાવોલમાં પ્રતિબંધનો અમલ
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું ડાવોલ ગામ નાસ્તાનાં પડીકાં પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરનારું સંભવતઃ પહેલું ગામ બન્યું છે. આ ગામમાં એનો અમલ પણ શરૂ થઈ ગયો છે જેને કારણે ગામમાં નાસ્તાનાં પડીકાં મળતાં બંધ થયાં છે. આ મુદ્દે વાત કરતાં ગામના ઉપસરપંચ કીર્તિકુમાર ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘થોડા સમય પહેલાં જાણવા મળ્યું હતું કે પાંચ કે ૧૦ રૂપિયામાં મળતાં પડીકાં નુકસાનકારક છે. એટલું જ નહીં, એ વખતે બનાસકાંઠાના છોકરાઓ બીમાર પડ્યા હતા, જેમાં કૅન્સર અને ડાયાબિટીઝ જેવા રોગો સામે આવ્યા હતા. એની પાછળનું કારણ ડૉક્ટરોએ પડીકાં જ બતાવ્યું હતું. મારા ગામમાં ૫૦૦ જેટલાં છોકરા-છોકરીઓ સરકારી પ્રાથમિક સ્કૂલ અને હાઈ સ્કૂલમાં ભણે છે. આજના ફાસ્ટ જમાનામાં લોકો છોકરાઓને ઘરેથી ૧૦ કે ૨૦ રૂપિયા આપી દે છે કે રિસેસમાં નાસ્તો કરી લેજે. પહેલાં તો છોકરાઓને ઘરેથી નાસ્તામાં વઘારેલો રોટલો, રોટલી-શાક, ભાખરી કે સુખડી આપતા હતા. આ બધો પૌષ્ટિક આહાર આપતા એટલે બાળકની તંદુરસ્તી જળવાઈ રહેતી હતી. આ વસ્તુઓ હવે પડીકાંને લીધે બંધ થઈ ગઈ છે એટલે અમે બધા ભેગા થયા અને બાળકોના સ્વાસ્થ્ય માટે થઈને ગ્રામસભામાં નિર્ણય કર્યો કે આપણા ગામમાંથી પાંચ અને ૧૦ રૂપિયામાં મળતાં પડીકાં સદંતર બંધ કરાવીએ.’
દુકાનદારોને સમજાવ્યા
પડીકાં બંધ કરાવવા માટે પહેલાં ગામના દુકાનદારો સાથે બાળકોના સ્વાસ્થ્યને લઈને વાત કરવામાં આવી હતી એમ જણાવતાં કીર્તિકુમાર ચૌધરી કહે છે, ‘ગામમાં નાસ્તાનાં પડીકાં બંધ કરાવવાં હોય તો પહેલાં ગામની દુકાનવાળાઓને સમજાવવા પડે. એટલે અમે દુકાનદાર-મિત્રોને મળીને કહ્યું કે તમારા ધંધાને અસર પડશે, પણ અમે પડીકાં બંધ કરવા જઈ રહ્યા છીએ. અમને દુકાનદારો તરફથી પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો. દુકાનદારોએ કહ્યું કે અમે પણ ઇચ્છીએ છીએ કે અમારો ધંધો નહીં થાય તો ચાલશે પણ બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે, કેમ કે ગામમાં દરેકનું બાળક છે એટલે અમે તમારી વાત સાથે સંમત છીએ. ગામના દુકાનદારોએ સપોર્ટ કર્યો એટલે અમારી હિંમત વધી.’
ગ્રામસભા યોજાઈ
ગામમાં નાસ્તાનાં પૅકેટ બંધ કરાવવા માટે ગામના લોકોએ એકઠા થઈને ગ્રામસભા યોજી હતી એ વિશે વાત કરતાં કીર્તિકુમાર ચૌધરી કહે છે, ‘ગામની પંચાયતે ૧૧ ઑગસ્ટે ગ્રામસભા બોલાવી હતી. ગામનાં સરપંચ મંજુલા પરમાર, પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો સહિત ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. એમાં સર્વાનુમતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે ગામનાં બાળકોના સ્વાસ્થ્યને અસર કરતાં નાનાં પૅકેટ, જેની કિંમત પાંચ અને ૧૦ રૂપિયા છે, એના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરવામાં આવે છે. ગ્રામસભામાં એકઅવાજે આ નિર્ણયને સૌએ માન્ય રાખ્યો હતો. એ પછી ગામમાં દસથી વધુ દુકાનો છે જેમાં પડીકાં વેચાતાં હતાં તે દુકાનદારોને મુદત આપવામાં આવી કે ૧૫ ઑગસ્ટ સુધીમાં તમારી પાસે રહેલો સ્ટૉક ખાલી કરી દેવો અને ૧૬ ઑગસ્ટથી અમારા ગામમાં નાસ્તાનાં પડીકાં પર પ્રતિબંધનો અમલ શરૂ કરાયો છે. જો કોઈ દુકાનદાર પડીકાં વેચતો પકડાય તો તેને પહેલી વાર ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવા તથા જો બીજી વાર પકડાય તો એ દુકાનનો બહિષ્કાર કરવાની કે દુકાન બંધ કરવાની ફરજ પાડવાનો નિર્ણય કરાયો. આની જાહેર નોટિસ પણ દુકાનદારોને આપવામાં આવી હતી.’
આવ્યો બદલાવ
આવકારદાયક કાર્ય શરૂ થાય તો એમાં સૌ સામેલ થાય છે અને એને કારણે સમાજમાં બદલાવ આવવાની શરૂઆત થાય છે એવું ડાવોલ ગામમાં પણ થયું. કીર્તિકુમાર ચૌધરી આ મુદ્દે કહે છે, ‘ગામમાં પડીકાં પર પ્રતિબંધ મૂક્યા પછી એની અસર થતી જોવા મળી રહી છે. ગામમાં પડીકાં મળતાં બંધ થયાં છે એટલું જ નહીં, ઘરેથી બાળકોને હેલ્ધી નાસ્તો આપવાની શરૂઆત થઈ છે. હવે સ્કૂલમાં જતાં બાળકોના નાસ્તામાં સુખડી, રોટલી-શાક, ભાખરી કે થેપલાં જેવા ઘરના નાસ્તા જોવા મળી રહ્યા છે. અમારા ગામથી પરિવર્તનનો આ પવન ફૂંકાયો છે. અમારા ગામ પરથી પ્રેરણા લઈને બીજાં ગામો પણ આ બાબતે આગળ વધ્યાં છે. ઘણાં ગામોમાંથી ફોન આવે છે અને કહે છે કે બાળકોના સ્વાસ્થ્યને લઈને તમારા ગામમાં ઉમદા કાર્ય થયું છે. હું તો કહું છું કે માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં નુકસાનકર્તા વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.’
ચાણસોલ ગામ પરિવર્તનની દિશામાં
એક સત્કાર્ય બીજાને રાહ ચીંધતું હોય છે એમ ડાવોલ ગામે બાળકોના આરોગ્ય માટે ચિંતિત થઈને જે પહેલ કરી એને ખેરાલુ તાલુકાનું ચાણસોલ ગામ પણ અનુસરવા જઈ રહ્યું છે. ચાણસોલ ગામના સરપંચ જીવણ પરમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારા ગામમાં પણ કોઈ પણ નાસ્તાનાં પડીકાં પર પ્રતિબંધ મુકાવા જઈ રહ્યો છે જેનો અમલ પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થશે, જેથી જે દુકાનદારો પાસે માલ પડ્યો છે તેઓ આ મુદત સુધીમાં તેમનો માલ પૂરો કરી શકે. ૧૫ ઑગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમમાં આ વિશે વાત થઈ હતી અને ગામવાસીઓએ ગ્રામસભા યોજીને ગામમાં નાસ્તાનાં પડીકાં પર પ્રતિબંધ મુકાવવાનો નિર્ણય કર્યો હતો, કેમ કે નાસ્તાનાં પડીકાથી માત્ર બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે એવું નથી, ગામ પણ ગંદું થાય છે. ગાયો ફરતી હોય અને પડીકાની કોથળી ગાયના મોઢામાં જતી હોય છે. ગમે એટલી સફાઈ કરો તો પણ જ્યાં-ત્યાં પડીકાં જ પડ્યાં હોય છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે કેમ કે આજકાલ છોકરાઓ રોટલા નથી ખાતા, તેમને પડીકાંમાં વધુ રસ હોય છે. કોઈ શું કરે છે એ નહીં, આપણે શું કરવું છે એ જોવાનું. ગામનાં બાળકોના સ્વાસ્થ્ય માટે આપણે કામ કરવાનું, એનું ફળ આપવાનું કુદરતના હાથની વાત છે. આપણે જોઈએ છીએ કે આ ખોટું થાય છે તો મૂંગા મોઢે બેસીને સહન કરવા કરતાં એને બંધ કરવા માટે જાગૃત થવું પડે. વાલીઓને અને બાળકોને જાગૃત કરવાં જરૂરી છે કે તમે ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છો તો પાછાં વળો, સમય વીતતો જાય છે. વીતેલો સમય ફરી પાછો આવતો નથી.’
ગામમાં ફેરિયાઓ પર પ્રતિબંધ
ચાણસોલ ગામમાં હવે તો ફેરિયાઓ પર પણ પ્રતિબંધ મુકાશે. આ વિશે વાત કરતાં જીવણ પરમાર કહે છે, ‘અમારા ગામની વસ્તી ૫૦૦૦ જેટલી છે. ગામમાં ૨૮૦ જેટલાં બાળકો ૩ આંગણવાડી અને પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગામમાં લગભગ ૩૦ જેટલી દુકાનો આવેલી છે. આ દુકાનદારોને પડીકાં નહીં વેચવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ દુકાનદાર પહેલી વાર પડીકાં વેચતાં પકડાશે તો ૫૦૦૦ રૂપિયા દંડ થશે. બીજી વાર પકડાશે તો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે અને તેની દુકાન કાયમ માટે બંધ કરી દેવાશે. આ ઉપરાંત ગામમાં પડીકાં વેચવા આવતા ફેરિયાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’
બનાસકાંઠાનું બાદરગઢ ગામ આવ્યું આગળ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં અંબાજી રોડ પર આવેલું બાદરગઢ ગામ પણ હવે નાસ્તાનાં પડીકાં પરના પ્રતિબંધના પરિવર્તનમાં આગળ આવ્યું છે. ગામના ભૂતપૂર્વ સરપંચ ઇર્દીશ ખોરજિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘નાસ્તાનાં પડીકાંથી નુકસાન થાય છે એટલે અમારું ગામ પણ પાંચ અને ૧૦ રૂપિયાનાં નાસ્તાનાં પડીકાં પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે, જેનો અમલ ૧ સપ્ટેમ્બરથી થશે. તાજેતરમાં મળેલી ગ્રામસભામાં બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેમ જ ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત કરવા માટે પડીકાં પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામની વસ્તી અંદાજે ૧૪,૦૦૦થી ૧૫,૦૦૦ની છે. ગામમાં લગભગ ૧૦૦૦ જેટલાં બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગામમાં અંદાજે ૫૦ જેટલી દુકાનો છે એટલે ઠરાવ થયા બાદ ગામના દુકાનદારોને સમજાવવામાં આવ્યા હતા અને તેઓ સહમત થયા છે. અમારા ગામમાં ઑલરેડી પ્લાસ્ટિકનાં ઝભલાં એટલે કે કોથળીઓ પર તેમ જ ચાના પ્લાસ્ટિકના કપ પર પણ પ્રતિબંધ છે. માત્ર અમારા ગામની જ વાત નથી, બનાસકાંઠા જિલ્લાનાં બીજાં બે-ત્રણ ગામોએ પણ આ દિશામાં વિચારીને નાસ્તાનાં પડીકાં પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.’
