આ સાંભળીને તમે કહેશો કે બટર તો હેવી કહેવાય, એ રાત્રે ખવાય? હકીકતમાં હેવી હોવું એ જ પ્લસ પૉઇન્ટ છે. આ બટરવાળો નુસખો કેટલો કારગત છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.
બટર
સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પણ હાલમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે લોકોને અડધી રાત્રે ભૂખ લાગે ત્યારે ભર નીંદરમાં આંખ ખૂલી જાય છે ત્યારે ફૅટયુક્ત પ્રોટીન ખાવાથી આ પ્રૉબ્લેમ આવતો નથી. આ નુસખો ખરેખર કામ કરે છે એ વિશે નિષ્ણાત પાસેથી વિસ્તારમાં સમજીએ
ઘણા લોકોને અડધી રાત્રે ભૂખને કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ મિડનાઇટ ક્રેવિંગ્સને કારણે આખી રાત બગડે છે. સોશ્યલ મીડિયા પર તો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સૂતાં પહેલાં એક ચમચી બટર અથવા બટર લોડેડ કોઈ વાનગી ખાવાથી ઘસઘસાટ ઊંઘ આવી શકે છે. આ સાંભળીને તમે કહેશો કે બટર તો હેવી કહેવાય, એ રાત્રે ખવાય? હકીકતમાં હેવી હોવું એ જ પ્લસ પૉઇન્ટ છે. આ બટરવાળો નુસખો કેટલો કારગત છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.
ADVERTISEMENT
ફૅક્ટ ચેક
સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા આ ટ્રેન્ડ વિશે જણાવતાં કાંદિવલીનાં અનુભવી ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ રિશિતા બોચિયા કહે છે, ‘રાત્રે બટર ખાવાથી ઊંઘ સારી આવશે એવો કોઈ સાયન્ટિફિક સ્ટડી હજી સુધી થયો નથી. હકીકતમાં જે લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે તેઓ કલાકો સુધી ફાસ્ટ એટલે રાખે છે કે જેથી ખોરાક બરાબર ડાઇજેસ્ટ થઈ જાય અને શરીરમાં જે ફૅટ્સ સ્ટોર થયેલી છે બૉડી એને બ્રેકડાઉન કરીને એનર્જીમાં કન્વર્ટ કરે. જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારી ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે. કિડની અને હાર્ટ સિવાયના બૉડીનાં મોટા ભાગનાં ફંક્શન રેસ્ટ મોડમાં હોય છે એટલે શરીરને ત્યારે હાઈ ફૅટ ફૂડની કે વધારે એનર્જીની કોઈ જરૂર હોતી નથી. ઘણી વાર બટરને સ્નૅકિંગ તરીકે જોવામાં આવે છે. જે લોકોએ આખા દિવસમાં પૂરતું પ્રોટીન કે બૅલૅન્સ્ડ ન્યુટ્રિઅન્ટ્સ નથી લીધાં તેમને જ રાત્રે ફૂડ ક્રેવિંગ્સ વધારે થાય છે. જે લોકો વહેલું જમી લે છે અને જેમનું ડાઇજેશન અને હેલ્થ સારાં છે, તેમણે આવા કોઈ મિથમાં પડવાની જરૂર નથી. બટર બૅડ ફૅટ્સમાં ગણાય છે જેમાં સૅચ્યુરેટેડ ફૅટ, કૉલેસ્ટરોલ અને સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. આ બધી ચીજો શરીરમાં ઍસિડ વધારે છે. જો તમે બટર ખાઈને તરત સૂવા જશો તો ઍસિડિટી વધશે અને ગટ-હેલ્થ એટલે કે પાચન બગડશે. આ ઉપરાંત સોડિયમનું પ્રમાણ શરીરમાં જરૂર કરતાં વધુ થાય તો એ પાણીનું રિટેન્શન કરે છે એટલે કે એ શરીરમાં પાણીને રોકી રાખે છે, જેના કારણે સવારે ઊઠતી વખતે પેટમાં ભારેપણું કે બ્લોટિંગ ફીલ થઈ શકે છે. ખાસ કરીને જેમને ગટ-હેલ્થના ઇશ્યુ, ઍસિડિટી કે કૉલેસ્ટરોલની સમસ્યા છે તેમના માટે તો આ બટરવાળો ટ્રેન્ડ બિલકુલ નથી.’
હેલ્ધી આૅપ્શન્સ આ રહ્યા
ભૂખને કારણે ઊંઘ ન આવે એ માટે ઘણા હેલ્ધી ઑપ્શન્સ પણ છે એમ જણાવતાં રિશિતા કહે છે, ‘જો તમને ખરેખર એવું લાગતું હોય કે વહેલું જમવાને કારણે કે સ્ટ્રેસને લીધે તમારી ઊંઘ તૂટે છે તો બટરને બદલે એવા ઑપ્શન પસંદ કરો જેમાં કુદરતી રીતે જ ઊંઘ માટે જવાબદાર હૉર્મોન મેલૅટોનિન હોય. બટરમાં મેલૅટોનિન હોતું નથી પણ બદામ અને પિસ્તાં જેવા નટ્સમાં ગુડ ફૅટ્સ અને મેલૅટોનિન ભરપૂર હોય છે. એક કપ ગાયના દૂધમાં એક ચપટી હળદર અથવા જાયફળ ઘસીને લેવાથી ઊંઘની ક્વૉલિટી બહુ જ સારી રહે છે અને સાથે એ તમારી નર્વસ સિસ્ટમને રિલૅક્સ કરે છે. દૂધમાં નૅચરલ ફૅટ અને પ્રોટીન હોય છે એટલે જે પચાવી શકતા હોય તેમના માટે દૂધ બેસ્ટ છે. જો દૂધ ન ભાવતું હોય તો સૂવાના અડધા-એક કલાક પહેલાં પિસ્તાં, અખરોટ અથવા નૅચરલ નટ બટર એટલે કે શુગર વગરનું નટ બટર લઈ શકાય. આનાથી અડધી રાત્રે ભૂખ નહીં લાગે અને એ હેલ્ધી પણ છે. અત્યારના લોકોની લાઇફ એટલી હેક્ટિક થઈ ગઈ છે કે તેમને સરખું જમવાનો સમય નથી મળતો. વર્કિંગ લોકો લેટ ડિનર કરે છે, જેના લીધે તેમની પાચનક્રિયા મોડી રાત્રે પણ ચાલુ રહે છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે. યાદ રાખો કે ઊંઘ ન આવવાનું કારણ માત્ર ભૂખ નથી હોતી. એટલે સાચું કારણ શોધો, જમવાનો સમય ફિક્સ રાખો અને જો જરૂર લાગે તો જ રાત્રે સ્નૅકિંગનો સહારો લો. એક ચમચી બટરમાં લગભગ ૧૦૦ કૅલરી હોય છે. ઊંઘતી વખતે શારીરિક પ્રવૃત્તિ ન હોવાથી કૅલરી વપરાતી નથી, પરિણામે ફૅટ સ્ટોરેજ થાય છે અને આ જ કારણે સીધું વેઇટ ગેઇન થાય છે અને કૉલેસ્ટરોલ વધે છે. બટરમાંથી બૅડ ફૅટ મળતી હોવાથી હૃદયના સ્વાસ્થ્ય માટે આગળ જતાં જોખમ ઊભું કરી શકે છે. આથી રાત્રે બટર ખાવા કરતાં સારી ઊંઘ મેળવવા માટે પ્રાણાયામ કે બ્રીધિંગ ટેક્નિક્સ ટ્રાય કરવી વધુ કારગત છે. શરીરની કુદરતી પ્રકૃતિ સ્ટોર થયેલી ફૅટને વાપરવાની છે એટલે જો તમે પાચનતંત્રને રેસ્ટ આપશો તો ફૅટ જમા પણ નહીં થાય અને શરીરમાં પૂરતી એનર્જી પણ જળવાઈ રહેશે. એટલે દિવસ દરમિયાન ડાયટ પર ધ્યાન રાખવું જોઈએ. પ્રોટીન, વિટામિનયુક્ત ડાયટ લેવી જેથી શરીરને જરૂરી પોષણ મળી રહે. કોઈ પ્રકારની ડાયટને પણ અપનાવો તો નિષ્ણાતની સલાહ લો.’


