યસ, આવું માઇન્ડસેટ તમારી મેમરી માટે સંજીવની જેવું કામ કરી શકે છે
પ્રતીકાત્મક તસવીર
જીવનમાં બનતી તમામ ઘટના પાછળ કંઈક સારું છે અને એનું અંતિમ પરિણામ સારું જ આવશે એવો આશાવાદી અભિગમ વ્યક્તિની યાદશક્તિ માટે કઈ રીતે આશીર્વાદ સમાન છે એ વિશે થયેલા રિસર્ચના આધારે કઈ રીતે તમારું ઑપ્ટિમિઝમ મગજ માટે રક્ષાકવચ જેવું કામ કરે છે એ વિષય પર ચર્ચા કરીએ...
યlદશક્તિ સુધારવી હોય તો આશાવાદી બનો. યસ, તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે કે જે લોકો જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવતા હોય છે તેમની યાદશક્તિ સારી હોય છે અને તેમને ડિમેન્શિયા જેવી સ્મૃતિભ્રંશની બીમારીઓ નથી થતી. આશાવાદ એ મગજ માટેનું એક સુરક્ષા-કવચ છે. આજે જાણીએ પૉઝિટિવિટીની શરીર અને બ્રેઇન પર થતી પૉઝિટિવ અસરો વિશે ન્યુરોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ સાથે વાત કરીને.
ADVERTISEMENT
રિસર્ચરોએ શું નોંધ્યું?
અમેરિકાના બૉસ્ટનમાં આવેલી હાર્વર્ડ ટી. એચ. ચૅન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના સંશોધકોએ ૨૦૦૬થી ૨૦૨૦ સુધી એટલે કે સતત ૧૪ વર્ષ સુધી સરેરાશ ઉંમર ૭૩ વર્ષ ધરાવતા ૯૦૦૦થી વધુ વયસ્કોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. એના નિરીક્ષણના આધારે કહ્યું છે કે જીવનને જે લોકો હકારાત્મકતા સાથે જુએ છે તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ડિમેન્શિયા થવાની સંભાવના ૧૫ ટકા જેટલી ઘટી જાય છે. વધુ એક અચંબિત કરનારી વાત એટલે આ પરિણામો ઉંમર, શિક્ષણ, જાતિ અને ડિપ્રેશન જેવાં પરિબળોને ધ્યાનમાં લીધા પછી પણ યથાવત્ રહ્યાં હતાં. એટલે કે આશાવાદ પોતે જ એક શક્તિશાળી રક્ષણાત્મક પરિબળ છે. સંશોધકોએ આશાવાદી લોકોમાં ડિમેન્શિયાનું જોખમ ઓછું હોવા પાછળ કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ આપ્યાં. સૌથી પહેલાં તો આશાવાદી લોકો સ્ટ્રેસને સારી રીતે મૅનેજ કરી શકે છે જેનાથી શરીરમાં
સ્ટ્રેસ-હૉર્મોનનું સ્તર નીચું રહે છે. આવા લોકો અવારનવાર કસરત કરે છે, પૂરતી ઊંઘ લે છે અને પોષણયુક્ત આહાર લે છે જે મગજના કોષોને સ્વસ્થ રાખે છે. હકારાત્મક લોકો સામાજિક રીતે વધુ સક્રિય હોય છે જે મગજને કાર્યરત રાખવામાં મદદરૂપ થાય છે.
ક્યારે ઉપયોગી?
આશાવાદ માત્ર એક લાગણી નથી પણ મગજની એક એવી સ્થિતિ છે જેને વિજ્ઞાનની મદદથી કેળવી શકાય છે. ન્યુરોસાયન્સ મુજબ આપણું મગજ ન્યુરોપ્લાસ્ટિસિટી ધરાવે છે જેનો અર્થ છે કે આપણે સભાન પ્રયત્નો દ્વારા મગજના વાયરિંગને બદલી શકીએ છીએ. એટલું જ નહીં, આશાવાદી રહેવાથી અને નવી વસ્તુઓ શીખવાથી મગજમાં યાદશક્તિનું કેન્દ્ર ગણાતા હિપોકૅમ્પસમાં નવા ન્યુરૉન્સ જન્મે છે જેને ન્યુરોજેનેસિસ કહેવામાં આવે છે. એ દૃષ્ટિએ આશાવાદ માત્ર જૂની યાદશક્તિ જ બચાવતો નથી, મગજને નવું પણ રાખે છે. આ સંદર્ભે રિલાયન્સ, ભાટિયા, લીલાવતી જેવી મુંબઈની અગ્રણી હૉસ્પિટલોમાં બ્રેઇન અને સ્પાઇન સર્જ્યન તરીકે સક્રિય ડૉ. હર્ષદ પારેખ કહે છે, ‘પૉઝિટિવિટીનું ડાયરેક્ટ કનેક્શન સ્ટ્રેસ સાથે છે અને સ્ટ્રેસ આજે બધા રોગોનું મૂળ છે. સ્ટ્રેસ ઘટે એટલે બ્રેઇનમાં રહેલો મેમરી સ્ટોર કરતો હિપોકૅમ્પસ નામનો હિસ્સો બહેતર રીતે કામ કરી શકે. સ્ટ્રેસ ઓછું હોય ત્યારે સ્લીપની ક્વૉલિટી પણ સુધરે અને યાદશક્તિ પણ.’
ઍટિટ્યુડ હોવો જોઈએ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ન્યુરોલૉજીના પ્રોફેસર અને Super Brainના સહલેખક ડૉ. રુડોલ્ફ ટેન્ઝી કહે છે, ‘તમારું મગજ એક યુઝર છે અને તમે એના પ્રોગ્રામર છો. હકારાત્મક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરીને તમે તમારા ન્યુરલ પાથવેઝને મજબૂતી માટે ફરીથી વાયર કરી રહ્યા છો.’
આવું જ સ્ટેટમેન્ટ ન્યુરોસાયન્સ અને બિહેવિયરલ સાયન્સના નિષ્ણાત ડૉ. ડબ્લ્યુ. રિચર્ડ સ્કૉટે કર્યું છે. તેઓ કહે છે કે આશાવાદ એ કોઈ લક્ઝરી નથી પણ હેલ્ધી બ્રેઇનની બાયોલૉજિકલ આવશ્યકતા છે. આ સંદર્ભે ૩૦ વર્ષથી પ્રૅક્ટિસ કરતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. દેવેન્દ્ર સાવે કહે છે, ‘ઑપ્ટિમિઝમ એ થૉટ નથી પણ થૉટ-પ્રોસેસ છે. તમારો ઍટિટ્યુડ જ્યારે પૉઝિટિવ હોય ત્યારે ઑટોમેટિકલી તમારી લાઇફસ્ટાઇલ, તમારો અપ્રોચ અને તમારી પોતાની રીતભાતો પણ આશાવાદી જ હોય છે. તમને કોઈએ કહેવું નથી પડતું પણ એ નૅચરલ હોય છે. કેટલાક એવા પણ અભ્યાસો થયા છે જેમાં ડિપ્રેશનના દરદીઓમાં ડિમેન્શિયાનું જોખમ વધુ હોય છે એવું સાબિત થયું છે. એનો અર્થ એવો પણ કરી શકાય કે જો તમે પૉઝિટિવ અભિગમ ધરાવતી વ્યક્તિ હશો તો તમે માત્ર યાદશક્તિને સુરક્ષિત નહીં કરો પણ અવસાદ એટલે કે ડિપ્રેશનને પણ તમારાથી દૂર રાખશો. આજે જ્યારે સ્ટ્રેસ બધા પર હાવી થઈ રહ્યું છે અને નાની ઉંમરમાં મોટી બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે પૉઝિટિવ ઍટિટ્યુડ, ઑપ્ટિમિસ્ટ ઇમૅજિનેશન પણ બૉડીને ખૂબ સારી રીતે ટૅકલ કરશે. તમે જોજો કે ઘટના ઘટે એ પહેલાં એની કલ્પના વ્યક્તિને વધુ પીડા આપી જતી હોય છે. જૉબ જાય એના કરતાં જૉબ જઈ શકે છે એનો ભય લોકોને વધુ સ્ટ્રેસ આપતો હોય છે. એક નિયમ છે કે સ્ટ્રેસનો ઓવરડોઝ વધશે ત્યારે તમારા શરીરના જે ભાગના કોષો નબળા હશે ત્યાં અટૅક કરશે. ધારો કે સ્ટ્રેસ ખૂબ છે અને તમારી લોઅર બૅકના કોષો નબળા છે તો તમને કમરનો દુખાવો થશે. હાર્ટના જીન નબળા હશે તો હૃદયરોગ થશે. બી પૉઝિટિવની પણ પાવરફુલ અસર છે અને નેગેટિવ થવાની પણ ખતરનાક અસર છે.’
ટ્રાય કરો આ પદ્ધતિઓ અને બની જાઓ આશાવાદી
નિષ્ણાતોના મતે આશાવાદ એ માત્ર જન્મજાત ગુણ નથી પરંતુ એને પ્રૅક્ટિસ દ્વારા કેળવી શકાય છે.
ધ બેસ્ટ પૉસિબલ સેલ્ફ (BPS) મેથડ : મનોવિજ્ઞાનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને સાબિત થયેલી આ પદ્ધતિમાં તમારે દરરોજ ૧૦-૧૫ મિનિટ માટે કલ્પના કરવાની કે ભવિષ્યમાં બધું જ તમારી ઇચ્છા મુજબ થઈ રહ્યું છે; તમે તમારા વ્યવસાય, સ્વાસ્થ્ય અને સંબંધોમાં સફળ થયા છો. આ કલ્પનામાત્ર કરવાથી મગજમાં હૅપી હૉર્મોન ગણાતું ‘ડોપમીન’ રિલીઝ થશે જે તમારા મગજને તક શોધવા માટે ટ્રેઇન કરે છે, મુશ્કેલીઓ શોધવા માટે નહીં.
કૉગ્નિટિવ રીફ્રેમિંગ એટલે કે વિચારોનું પુનર્ગઠન : જ્યારે કોઈ નકારાત્મક ઘટના બને ત્યારે મગજ આપમેળે સૌથી ખરાબ શું થશે એ વિચારવા લાગે છે. જોકે તમે કૉગ્નિટિવ રીફ્રેમિંગ કરીને એને બદલી શકો છો. તમારે ફાઇવ યર રૂલનો ફન્ડા અપનાવવાનો. એટલે કે જ્યારેક કંઈક નકારાત્મક દિશામાં લઈ જનારી ઘટના બને ત્યારે તમે તમારી જાતને પૂછો કે શું આ સમસ્યા મને પાંચ વર્ષ પછી પણ અસર કરશે? જો જવાબ ના હોય તો એના પર અત્યારે વધુ ચિંતા કરવી નકામી છે એ મેસેજ પણ બ્રેઇનને આપો. આ પ્રક્રિયા મગજના તર્ક સાથે સંકળાયેલા ભાગને સક્રિય કરે છે અને ડર સાથે સંકળાયેલા બ્રેઇનના હિસ્સાને શાંત કરે છે.
થ્રી-ટુ-વન રેશિયો : મગજની પ્રકૃતિ છે કે એ એક નકારાત્મક અનુભવને યાદ રાખવા માટે ૩ હકારાત્મક અનુભવોની ડિમાન્ડ કરે છે. એટલે જો દિવસ દરમ્યાન બનેલી ૩ નાની સારી બાબતોને તમે યાદ કરો અથવા લખો તો ઑટોમેટિકલી મગજનું ફોકસ શિફ્ટ થઈ જશે. આ પદ્ધતિ મગજને પૉઝિટિવિટી બાયસ તરફ વાળે છે.
સ્માઇલ ઑન પર્પઝ : આ એક પ્રખ્યાત ન્યુરોસાયન્સ ટ્રિક છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે ખોટું સ્મિત કરો છો તો પણ તમારા ચહેરાના સ્નાયુઓ મગજને સંકેત આપે છે કે બધું બરાબર છે. આનાથી તરત જ એન્ડોર્ફિન અને સેરોટોનિન નામનાં હૅપી હોર્મોન્સ રિલીઝ થાય છે જે કુદરતી રીતે તમારા મૂડને આશાવાદી બનાવે છે.
સિલેક્ટિવ અટેન્શન ટાસ્ક: દિવસ પૂરો થાય ત્યારે દરરોજ એક નિત્યક્રમ બનાવો જેમાં ૩ એવી વસ્તુઓ લખવાની જે તમારી અપેક્ષા કરતાં વધારે સારી રહી હોય. આ કરવાથી મગજ એવી રીતે ટ્રેઇન થાય છે કે એ દિવસ દરમ્યાન આપમેળે નકારાત્મકતાને બદલે તકો અને સફળતા શોધવા લાગે છે. આને ‘કૉગ્નિટિવ આફ્ટરઇમેજ’ પણ કહેવાય છે જે મગજની અમુક સિસ્ટમને ફિલ્ટર કરવા માટે મજબૂર કરે છે જેથી એ ફક્ત હકારાત્મક ડેટા પર જ ધ્યાન આપે.
ડિસ્ટન્સ સેલ્ફ ટૉક : આ પદ્ધતિમાં તમારે પોતાની સાથે ત્રીજી વ્યક્તિ તરીકે વાત કરવાની છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હો ત્યારે હું ચિંતિત છુંને બદલે તમારું નામ લઈને બોલો. દાખલા તરીકે ડિયર પુષ્પા, તું કેમ ચિંતિત છે? તું આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળી શકે છે? યુનિવર્સિટી ઑફ મિશિગનના અભ્યાસ મુજબ પોતાની જાતને ત્રીજી વ્યક્તિ તરીકે સંબોધવાથી મગજમાં ભાવનાત્મક અંતર વધે છે જેનાથી તાર્કિક વિચારસરણી સક્રિય થાય છે અને આશાવાદ વધે છે.
પ્રી-મૉર્ટમ વિશ્લેષણ : કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં કલ્પના કરો કે એ નિષ્ફળ ગયો છે. પછી એ નિષ્ફળતાનાં કારણો લખો અને એને અત્યારથી જ સુધારો. આ નકારાત્મકતા નથી પરંતુ ડિફેન્સિવ પૅસિમિઝમ છે જેનો ઉપયોગ કરીને આશાવાદ કેળવી શકાય છે. જ્યારે તમારી પાસે પ્લાન-B તૈયાર હોય ત્યારે મગજ વધુ સુરક્ષિતતા અનુભવે છે અને ભવિષ્ય પ્રત્યે વધુ આશાવાદી બને છે.
