પૅસિફાયર વાપરતા હો તો એ કેવું હોવું જોઈએ, ક્યારે બદલવું જોઈએ અને કેવી રીતે સાચવવું જોઈએ એની કાળજી વિશે પણ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
બાળક છાનું રાખવા માટે મોંમાં પૅસિફાયર આપી દેવું પેરન્ટ્સ માટે સરળ છે. જોકે આ ડિવાઇસનો ઉપયોગ ખરેખર જરૂરી છે કે નહીં, એ કેટલી ઉંમર સુધી આપવું જોઈએ અને એના ગેરફાયદા શું છે એ સમજવું જરૂરી છે. પૅસિફાયર વાપરતા હો તો એ કેવું હોવું જોઈએ, ક્યારે બદલવું જોઈએ અને કેવી રીતે સાચવવું જોઈએ એની કાળજી વિશે પણ જાણી લો
અડધી રાત્રે બાળક અચાનક જાગીને રડવા લાગે ત્યારે તેને શાંત કરવા અથવા લાંબી મુસાફરી દરમ્યાન તે અસ્વસ્થ થાય ત્યારે ઘણા પેરન્ટ્સ પૅસિફાયરનો ઉપયોગ કરતા હોય છે. પૅસિફાયર નિપલ જેવા આકારનું એક સાધન છે જે રબર, સિલિકૉન અથવા પ્લાસ્ટિકનું બનેલું હોય છે. બાળકને ચૂસવા માટે આપવામાં આવતું આ સાધન તેને શાંત થવામાં અને આરામ અનુભવવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે પૅસિફાયર આપવું કેટલું યોગ્ય છે? એના લાંબા સમય સુધી ઉપયોગથી બાળકનાં દાંત અને જડબાંના વિકાસ પર કેવી અસર થઈ શકે છે? અને એનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એ વિશે ન્યુ બૉર્ન ઍન્ડ ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ ડૉ. જાગૃતિ પાર્થિવ સંઘવી પાસેથી જાણી લઈએ.
ADVERTISEMENT
શું પૅસિફાયર સેફ છે?
પૅસિફાયરનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો એ સામાન્ય રીતે સુરક્ષિત છે, પરંતુ મોટા ભાગનાં બાળકોને પૅસિફાયરની જરૂર હોતી નથી. બાળકમાં જન્મથી જ ચૂસવાની કુદરતી વૃત્તિ હોય છે. નવજાત બાળક ભૂખ્યું હોય ત્યારે દૂધ પીવા માટે ચૂસે છે, પરંતુ ઘણી વાર ભૂખ ન લાગી હોય ત્યારે પણ તેને ચૂસવાની ઇચ્છા થાય છે. આવી સ્થિતિમાં પૅસિફાયર તેને શાંત થવામાં અને આરામ અનુભવવામાં મદદ કરી શકે છે. જોકે બાળકને શાંત કરવા માટે દર વખતે પૅસિફાયર આપવું યોગ્ય નથી. જો બાળક રડતું હોય તો પહેલાં એની પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને ભૂખ લાગી છે, ઊંઘ આવે છે કે કોઈ બીજી અસ્વસ્થતા છે એ તપાસવું જરૂરી છે. સતત પૅસિફાયરનો ઉપયોગ કરવાથી બાળકને એની આદત પડી શકે છે અને તે શાંત થવા માટે પૅસિફાયર પર આધાર રાખવા લાગે છે.
કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
પૅસિફાયરનો ઉપયોગ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં વધુ ઉપયોગી થઈ શકે છે. ઉદાહરણ તરીકે ફ્લાઇટમાં મુસાફરી દરમ્યાન ટેક-ઑફ અને લૅન્ડિંગ વખતે બાળકને પૅસિફાયર આપવાથી ચૂસવાની ક્રિયાને કારણે કાનમાં દબાણની તકલીફ ઓછી કરવામાં મદદ મળી શકે છે. કેટલીક મેડિકલ કન્ડિશનમાં પણ ડૉક્ટરની સલાહ મુજબ પૅસિફાયર આપી શકાય છે. પૅસિફાયરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો પૅસિફાયર જમીન પર પડી જાય તો એને સાફ અને સ્ટરિલાઇઝ કર્યા વિના બાળકને પાછું આપવું નહીં. પૅસિફાયરને દોરી કે ચેઇનથી બાળકના ગળામાં લટકાવવું પણ નહીં. એનાથી ગળામાં દોરી ભરાઈ જવાનું જોખમ રહે છે. સાથે જ પૅસિફાયર ધૂળ અને ગંદકીના સંપર્કમાં ન આવે એનું પણ ધ્યાન રાખવું જોઈએ.
લાંબો સમય વાપરવાથી શું થાય?
પૅસિફાયરનો લાંબા સમય સુધી અને વારંવાર ઉપયોગ કરવાથી બાળકના મોઢા, દાંત અને જડબાંના વિકાસ પર અસર થઈ શકે છે. ખાસ કરીને ઉપરના જડબાના આકારમાં ફેરફાર થઈ શકે છે. બાળકના નવા દાંત ઊગતા હોય ત્યારે એની ગોઠવણમાં પણ સમસ્યા આવી શકે છે. એની અસર બાળકના બોલવાના વિકાસ અને શબ્દોના ઉચ્ચારણ પર પડી શકે છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી પૅસિફાયર વાપરવાથી બાળકના વર્તનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વારંવાર પૅસિફાયર વાપરતાં બાળકોને શ્વસનતંત્રના ચેપ અને ઝાડા થવાની શક્યતા પણ વધી શકે છે. વારંવાર થતી આવી તકલીફોની અસર બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર પડી શકે છે.
કઈ રીતે સાફ કરવું જોઈએ?
બાળકને પૅસિફાયર આપતાં પહેલાં એની સ્વચ્છતા તપાસવી જોઈએ. જો પૅસિફાયર જમીન પર પડી જાય અને ગંદકીના સંપર્કમાં આવે તો એને દરેક વખતે સ્ટરિલાઇઝ કરવું જરૂરી છે. આ માટે સ્ટરિલાઇઝરનો ઉપયોગ કરી શકાય છે અથવા પૅસિફાયર બનાવતી કંપનીએ આપેલી સૂચના મુજબ ઊકળતા પાણીમાં ગરમ કરીને સાફ કરી શકાય છે. સાફ કર્યા પછી પૅસિફાયરને બરાબર સૂકવીને સ્વચ્છ અને ઢાંકણવાળા ડબ્બામાં રાખવું જોઈએ. એને સાફ કરતી વખતે સાબુ, ડિટર્જન્ટ કે અન્ય કોઈ કેમિકલ ચોંટેલાં ન રહી જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. પૅસિફાયર સાફ કરવા માટે હંમેશાં કંપનીએ આપેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
કેટલા સમયાંતરે બદલવું જોઈએ?
પૅસિફાયરનો ઉપયોગ નિયમિત થતો હોય તો એને દર ચારથી ૮ અઠવાડિયે બદલવું જોઈએ. જોકે એમાં કોઈ તિરાડ પડી હોય, કાપા પડ્યા હોય, એ ચીકણું થઈ ગયું હોય અથવા એના આકારમાં કોઈ ફેરફાર જણાય તો વહેલું બદલી દેવું જોઈએ. બાળક પૅસિફાયરને દાંતથી ચાવતું હોય તો પણ એની નિયમિત તપાસ કરવી જરૂરી છે. પૅસિફાયરનો કોઈ ભાગ તૂટી જાય તો બાળકના ગળામાં ફસાઈ જવાનું જોખમ રહે છે. તેથી પૅસિફાયરની સ્થિતિ તપાસતાં રહેવું અને જરૂર જણાય ત્યારે સમય પહેલાં બદલી દેવું જોઈએ.
કઈ ઉંમર સુધીમાં બાળકને પૅસિફાયર છોડાવી દેવું જોઈએ?
જો બાળક પૅસિફાયરનો ઉપયોગ કરતું હોય તો ૯ મહિના સુધીમાં એની આદત છોડાવવાનો પ્રયાસ કરવો જોઈએ. લાંબા સમય સુધી પૅસિફાયરનો ઉપયોગ કરવાથી મોઢા, જડબાં અને દાંતના વિકાસ પર અસર થઈ શકે છે. બાળકને પૅસિફાયર છોડાવતી વખતે એકાએક બંધ કરવાને બદલે ધીમે-ધીમે એની આદત ઓછી કરવી જોઈએ. શરૂઆતમાં દિવસ દરમ્યાન પૅસિફાયર આપવાનું ઓછું કરી શકાય. બાળકનું ધ્યાન રમકડાં, વાતચીત કે બીજી પ્રવૃત્તિઓ તરફ વાળવાથી પણ તેને પૅસિફાયરથી દૂર રાખવામાં મદદ મળી શકે છે.
પૅસિફાયર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જો બાળકને પૅસિફાયર આપવાની જરૂર હોય તો એની ખરીદી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. બાળકની ઉંમરને અનુરૂપ સાઇઝનું પૅસિફાયર પસંદ કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ઑર્થોડોન્ટિક પૅસિફાયર પસંદ કરવું જોઈએ. એનો આગળનો ભાગ ચપટો અને ખાસ આકારનો હોય છે, જે મોઢાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. પૅસિફાયર બિસ્ફેનોલ A BPA-ફ્રી અને ફૂડ-ગ્રેડ સિલિકૉનનું બનેલું હોય એનું ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી અલગ-અલગ ભાગ જોડીને બનાવેલા પૅસિફાયરને બદલે એક જ પીસનું પૅસિફાયર લેવું જોઈએ, જેથી કોઈ ભાગ છૂટો પડી જવાની બીક ન રહે. પૅકિંગ પર આપેલી ઉંમર અને ઉપયોગ સંબંધિત સૂચનાઓ પણ વાંચવી જોઈએ.
બાળક રડતું હોય ત્યારે તેને પૅસિફાયર કરતાં પણ વધુ જરૂર માતા-પિતાના હૂંફાળા સ્પર્શ, પ્રેમ અને ધ્યાનની હોય છે. પૅસિફાયરનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ ચોક્કસપણે મદદરૂપ બની શકે છે, પરંતુ યોગ્ય સમયે એની આદત છોડાવીને કુદરતી વિકાસને પ્રાધાન્ય આપવું એ જ સાચું પેરન્ટિંગ છે
કઈ રીતે સાફ કરવું જોઈએ?
બાળકને પૅસિફાયર આપતાં પહેલાં એની સ્વચ્છતા તપાસવી જોઈએ. જો પૅસિફાયર જમીન પર પડી જાય અને ગંદકીના સંપર્કમાં આવે તો એને દરેક વખતે સ્ટરિલાઇઝ કરવું જરૂરી છે. આ માટે સ્ટરિલાઇઝરનો ઉપયોગ કરી શકાય છે અથવા પૅસિફાયર બનાવતી કંપનીએ આપેલી સૂચના મુજબ ઊકળતા પાણીમાં ગરમ કરીને સાફ કરી શકાય છે. સાફ કર્યા પછી પૅસિફાયરને બરાબર સૂકવીને સ્વચ્છ અને ઢાંકણવાળા ડબ્બામાં રાખવું જોઈએ. એને સાફ કરતી વખતે સાબુ, ડિટર્જન્ટ કે અન્ય કોઈ કેમિકલ ચોંટેલાં ન રહી જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. પૅસિફાયર સાફ કરવા માટે હંમેશાં કંપનીએ આપેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
