મોટા ભાગે જોવા મળ્યું છે કે આ આદત બે વર્ષથી નીચેનાં બાળકોમાં, જેમની ટ્રેઇનિંગ પહેલાં જ શરૂ કરી દેવામાં આવી છે તેમનામાં વધુ સમય સુસુ રોકી રાખવાની આદત પડી જાય છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
નવા બનેલા પેરન્ટ્સ માટે બાળકોની સુસુ-પૉટી ટ્રેઇનિંગ એક મોટો ટાસ્ક હોય છે અને જો એ યોગ્ય રીતે ન થાય તો ઘણાં કૉમ્પ્લીકેશન્સ આવી શકે છે. ઘણાં મા-બાપને ખૂબ ઉતાવળ હોય છે તેમનાં બાળકોને ટૉઇલેટ-ટ્રેઇનિંગ આપવાની. બાળક ૬ મહિનાનું પણ ન થયું હોય ત્યાં તેને બાથરૂમમાં લઈ જઈને શ...શ...ના આવજો કરવાનું ચાલુ કરી દે છે. બાળકો પર આ એક પ્રકારનો જુલમ છે. બાળકને ટૉઇલેટ-ટ્રેઇનિંગ ત્યારે અપાય જયારે તે માનસિક અને શારીરિક રીતે એ સમજવાને કાબેલ બની જાય. બે-અઢી વર્ષની ઉંમર બરાબર છે ટૉઇલેટ-ટ્રેઇનિંગ માટે. પરંતુ એ પહેલાં તેને આ ટ્રેઇનિંગ આપવાનો કોઈ અર્થ નથી કારણ કે તે સમજી શકતું નથી. આ સમયે ઉત્સર્જન તંત્રના અવયવો જેમ કે મૂત્રાશય, મૂત્રમાર્ગ, મૂત્રવાહિની વગેરે ખૂબ જ ઇમૅચ્યોર કન્ડિશનમાં હોય છે.
મોટા ભાગે જોવા મળ્યું છે કે આ આદત બે વર્ષથી નીચેનાં બાળકોમાં, જેમની ટ્રેઇનિંગ પહેલાં જ શરૂ કરી દેવામાં આવી છે તેમનામાં વધુ સમય સુસુ રોકી રાખવાની આદત પડી જાય છે.
ADVERTISEMENT
ટ્રેઇનિંગનો ક્રમ એવો છે કે બાળક પહેલાં રાત્રે ઊંઘમાં અજાણતાં પૉટી કરવાનું છોડે છે પછી દિવસના અજાણતાં પૉટી કરવાનું છોડે છે. એટલે કે જ્યારે તેને પૉટી કરવું હોય ત્યારે તે કહી દે છે.
સુસુમાં ઊંધું હોય છે. પહેલાં બાળક દિવસના સમયમાં અજાણતાં સુસુ કરવાનું છોડે છે એટલે કે બોલતાં શીખે છે કે મારે સુસુ જવું છે અને છેલ્લે તે રાત્રે સુસુ કરવાનું છોડે છે કે પથારી ભીની કરવાનું છોડે છે. આ સમગ્ર ટ્રેઇનિંગમાં માતા-પિતાએ શીખવા જેવી અત્યંત જરૂરી જે બાબત છે એ છે ધીરજ અને સમજદારી. લગભગ બે-અઢી વર્ષે જ્યારે ટ્રેઇનિંગ શરૂ કરો ત્યારથી લઈને ૫ વર્ષ સુધી આ ટ્રેઇનિંગ ચાલી શકે છે. ખાસ કરીને રાત્રે પથારી ભીની ન થાય એનું ધ્યાન લગભગ ૫ વર્ષ સુધીમાં આવી જાય છે. દરેક બાળક આ ટ્રેઇનિંગ માટે પોતાનો સમય લે છે અને મા-બાપની ફરજ છે તેને એ સમય આપવાની. વળી ટ્રેઇનિંગ દરમિયાન એવું ઘણી વખત થશે કે સમજાવવા છતાં બાળક સુસુ કે પૉટી બાથરૂમમાં ન કરે ત્યારે તેના પર ગુસ્સો ન કરવો, તેને પનિશમેન્ટ ન આપવી, એ વાતનો મોટો ઇશ્યુ ન બનાવવો. આવું કરવાથી ઘણાં બાળકો જિદ્દી બની જાય, ચાહીને સુસુ પથારીમાં કરતાં થઈ જાય કાં તો ખૂબ ડરી જાય અને સુસુ અકારણ રોકતાં થઈ જાય એમ પણ બને છે.
આ એક સંવેદનશીલ વિષય છે. આ સમયે ધીરજ રાખવી અને જ્યારે તે તમારા કહ્યા પ્રમાણે કરે ત્યારે તેને પ્રોત્સાહન આપવું.


