ગાર્ડનિંગનો અર્થ માત્ર કૂંડામાં છોડ વાવીને સમયસર પાણી આપવા પૂરતો રહ્યો નથી. કયા છોડને કેટલું પાણી જોઈએ, ક્યારે ખાતર આપવું, કયા સમયે સૂર્યપ્રકાશમાં રાખવો અને ક્યારે એને બીજી જગ્યાએ ખસેડવો આ બાબતો માટે પ્લાન્ટ-પેરન્ટ્સ પોતાનું ખાસ રૂટીન બનાવી રહ્યા છે
છોડને હવે માત્ર ઉગાડતા નથી, એમનું કૅર રૂટીન પણ બનાવે છે લોકો
સોશ્યલ મીડિયા પર ‘પ્લાન્ટ પેરન્ટિંગ’ અને પ્લાન્ટ કૅર રૂટીન જેવી કન્ટેન્ટની લોકપ્રિયતા વધી રહી છે. પ્લાન્ટ પેરન્ટિંગનો સરળ અર્થ છે છોડની જરૂરિયાતને સમજીને એની નિયમિત સંભાળ રાખવી. જેમ ઘરમાં પાળેલા પ્રાણી માટે ફીડિંગ, ગ્રૂમિંગ અને હેલ્થ-કૅર રૂટીન હોય છે એમ છોડ માટે પણ ચોક્કસ કૅર રૂટીન બનાવવામાં આવે છે. કેટલાક લોકો પોતાના છોડ માટે અઠવાડિયાના ચોક્કસ દિવસે પાણી આપવાનું નક્કી કરે છે તો કેટલાક દરરોજ થોડો સમય છોડને તપાસવામાં વિતાવે છે. પાંદડાં પીળાં તો નથી થઈ રહ્યાંને? માટી વધારે ભીની તો નથીને? છોડને પૂરતો પ્રકાશ મળી રહ્યો છે કે નહીં? આવી નાની બાબતો પર ધ્યાન આપવું પણ પ્લાન્ટ-કૅરનો ભાગ બની ગયું છે.
વૉટરિંગ-શેડ્યુલ :
ADVERTISEMENT
પ્લાન્ટ-કૅરમાં સૌથી સામાન્ય ભૂલ છે દરેક છોડને એકસરખું પાણી આપવું, પરંતુ દરેક છોડની જરૂરિયાત અલગ હોય છે. કેટલાક છોડને માટી સુકાય પછી પાણી જોઈએ, જ્યારે કેટલાક છોડને સતત ભેજવાળી માટી પસંદ હોય છે. એટલે હવે પ્લાન્ટ-પેરન્ટ્સ માત્ર કૅલેન્ડર પ્રમાણે પાણી આપવાને બદલે માટીની સ્થિતિ તપાસે છે. આંગળીથી ઉપરની માટી થોડી તપાસીને એ સૂકી લાગે તો જ પાણી આપવું એક સરળ રીત છે. કૂંડામાં પાણી બહાર નીકળવા માટે ડ્રેનેજ હોલ છે કે નહીં એ પણ એટલું જ મહત્ત્વનું છે.
સૂર્યપ્રકાશ પણ કૅર રૂટીનનો ભાગ :
છોડ માટે પાણી જેટલો જ મહત્ત્વનો છે પ્રકાશ. દરેક છોડને એકસરખો સૂર્યપ્રકાશ જરૂરી નથી. કેટલાક છોડને સીધો સૂર્યપ્રકાશ ગમે છે, જ્યારે કેટલાક ઇનડાયરેક્ટ લાઇટમાં સારી રીતે ઊગે છે. આથી પ્લાન્ટ-પેરન્ટ્સ હવે પોતાના ઘરમાં પ્લાન્ટ-ફ્રેન્ડ્લી સ્પૉટ્સ શોધે છે. બારી પાસે, બાલ્કનીમાં અથવા એવી જગ્યાએ જ્યાં પૂરતો કુદરતી પ્રકાશ મળે ત્યાં છોડને રાખવામાં આવે છે. જોકે ખૂબ તીવ્ર તડકામાં અચાનક છોડ મૂકી દેવાથી કેટલાક છોડનાં પાંદડાંને નુકસાન થઈ શકે છે. એટલે છોડની જરૂરિયાત પ્રમાણે જગ્યા પસંદ કરવી જરૂરી છે.
પાંદડાંની સફાઈથી લઈને પ્રૂનિંગ સુધી :
છોડની સંભાળમાં હવે પાંદડાં સાફ કરવાનું પણ એક નાનું રિચ્યુઅલ બની રહ્યું છે. ખાસ કરીને ઇન્ડોર પ્લાન્ટ્સનાં પાંદડાં પર ધૂળ જમા થઈ શકે છે જે છોડના દેખાવને અસર કરે છે. નરમ, ભીના કપડાથી પાંદડાંની ધૂળ સાફ કરી શકાય છે. એવી જ રીતે સુકાઈ ગયેલાં અથવા ખરાબ થયેલાં પાંદડાં દૂર કરવાં અને જરૂરિયાત મુજબ પ્રૂનિંગ કરવું પણ કૅર રૂટીનનો ભાગ છે. જોકે પ્રૂનિંગ કરતી વખતે છોડની જાતિ પ્રમાણે યોગ્ય રીત જાણવી જરૂરી છે.
ફર્ટિલાઇઝર ડે :
કેટલાક પ્લાન્ટ-પેરન્ટ્સ પોતાના છોડ માટે ફર્ટિલાઇઝર ડે પણ નક્કી કરે છે, પરંતુ અહીં પણ વધારે ખાતર આપવું એટલે છોડ ઝડપથી વધશે એવું નથી. છોડની જાતિ, માટી અને સીઝન પ્રમાણે ખાતરની જરૂરિયાત બદલાય છે. એથી સોશ્યલ મીડિયાની કોઈ એક રેસિપી અનુસરવાને બદલે પોતાના છોડની જરૂરિયાત સમજવી વધુ યોગ્ય છે. ખાસ કરીને ચોમાસામાં માટી લાંબા સમય સુધી ભીની રહેતી હોય તો પાણી અને ખાતર બન્ને બાબતે સાવધાની જરૂરી છે.
છોડ સાથે સમય પસાર કરવો
પ્લાન્ટ પેરન્ટિંગનો એક રસપ્રદ ભાગ એ છે કે લોકો છોડની વૃદ્ધિને ધ્યાનથી જોવાનું શરૂ કરે છે. નવાં પાન આવવાં, નાની કળી ખીલવી કે કોઈ છોડમાં નવી ડાળી નીકળવી આ નાની પ્રગતિ પણ ખુશી આપે છે. આ કારણે ગાર્ડનિંગ હવે માત્ર ઘર સજાવવાનો રસ્તો નથી રહ્યો. કેટલાક લોકો માટે એ સ્ક્રીનથી થોડો સમય દૂર રહેવાની, રોજિંદા જીવનમાં ધીમો સમય માણવાની અને કુદરત સાથે જોડાવાની એક રીત બની ગયું છે.
