નોટિફિકેશનનું કામ આપણને મદદ કરવા માટે છે જેથી આપણે કોઈ મહત્ત્વની વાત ચૂકી ન જઈએ અને સમયસર અપડેટેડ રહી શકીએ. પણ આજે પરિસ્થિતિ સાવ ઊલટી થઈ ગઈ છે. મદદ માટે બનાવવામાં આવેલાં નોટિફિકેશન આપણને સતત ચિંતિત, બેચેન અને માનસિક રીતે થાકેલા બનાવી રહ્યાં છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
છોકરીએ છોકરાને મેસેજ કર્યો, જમી લીધું? છોકરાએ મેસેજ જોયો અને બ્લુ ટિક થઈ ગયું, પણ જવાબ ન આવ્યો. હવે છોકરીના મગજમાં ઍન્ગ્ઝાયટી શરૂ થશે.તેએણે મેસેજ જોયો તો ખરો, પણ રિપ્લાય કેમ ન આપ્યો? શું તે મારાથી નારાજ છે? કે પછી એ કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરે છે? આ જે જવાબની રાહ જોવાની બેચેની છે એ જ નોટિફિકેશન ઍન્ગ્ઝાયટી છે.
તમે જોયું ક ઉપર Typing...દેખાય છે. તમે બે મિનિટ સુધી સ્ક્રીન સામે જોઈ રહ્યા છો પણ મેસેજ આવતો નથી. આ બે મિનિટમાં તમારા હૃદયના ધબકારા વધી જાય છે. મન વિચારવા લાગે છે કે સામેવાળી વ્યક્તિ કંઈક લાંબું લચક કે ગંભીર લખી રહી છે. આ સસ્પેન્સ પણ ઍન્ગ્ઝાયટી જ છે.
ADVERTISEMENT
મેસેજનો રિપ્લાય નથી આવ્યો પણ તમે વારંવાર વૉટ્સઍપ ચેક કરો છો કે તે ‘Online’ છે કે નહીં. જો તે ઑનલાઇન હોય અને તમને રિપ્લાય ન આપતી હોય તો ઍન્ગ્ઝાયટી ચરમસીમા પર પહોંચી જાય છે.
શનિવારની સાંજ છે અથવા તમે ફૅમિલી સાથે ડિનર પર છો. અચાનક ફોન બઝ થાય છે અને સ્ક્રીન પર ઑફિસના ગ્રુપમાં બૉસનું નામ દેખાય છે. મેસેજ વાંચતાં પહેલાં જ મનમાં વિચારો શરૂ થઈ જાય છે, શું કંઈક ભૂલ થઈ છે? શું સોમવારનું કામ અત્યારે જ સોંપશે? શું કોઈ ઇમર્જન્સી છે? આ પણ એક નોટિફિકેશન ઍન્ગ્ઝાયટી છે.
ઘણી વાર કોઈ ઍપ સબ્સ્ક્રિપ્શન પૈસા કપાવાના હોય કે બૅન્કનો મેસેજ આવે ત્યારે ફોન વાગે અને બૅન્કનું નામ દેખાય એટલે પહેલો વિચાર એ જ આવે, ક્યાંકથી ખોટા પૈસા તો નથી કપાયાને? મારું અકાઉન્ટ સેફ તો છેને?
તમે કોઈ પોસ્ટ મૂકી છે. હવે તમે દરેક નોટિફિકેશન પર નજર રાખી રહ્યા છો. જો ફોન વાગે અને એ માત્ર કોઈ ટેલિફોન કંપનીનો મેસેજ હોય તો તમને નિરાશા થાય છે. તમે લાઇક્સ-કમેન્ટના નોટિફિકેશનની રાહમાં એટલા આતુર હો છો કે ફોનનો સાધારણ અવાજ પણ તમને ઉત્તેજિત કરી દે છે.
તમે ઑનલાઇન કંઈક મગાવ્યું છે. હવે તમે સતત ફોન જુઓ છો. યૉર ઑર્ડર ઇઝ આઉટ ફૉર ડિલિવરી એ મેસેજ આવ્યા પછી દરેક અજાણ્યા નંબરના કૉલ કે મેસેજ પર તમે ચોંકી જાઓ છો. એક સામાન્ય વસ્તુની ડિલિવરી તમારા આખા દિવસના ફોકસને હલાવી દે છે.
ઉપર જણાવેલાં ઉદાહરણોમાંથી તમે સરળતાથી સમજી શકશો કે આ નોટિફિકેશન ઍન્ગ્ઝાયટી એટલે શું. હવે સવાલ એ છે કે શા માટે આપણને આ નોટિફિકેશન ઍન્ગ્ઝાયટી થાય છે, એની પાછળની સાઇકોલૉજી શું છે, એની કેવી અવળી અસરો થાય છે અને એમાંથી બહાર નીકળવાનો ઉપાય શું એ આપણે સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા પાસેથી જાણી લઈએ.
ઍન્ગ્ઝાયટી પાછળની સાઇકોલૉજી
આપણું માનવ મગજ મૂળભૂત રીતે જ અનિશ્ચિતતા અને લોકો તરફથી મળતી પ્રતિક્રિયા કે પ્રતિસાદ પર ત્વરિત જવાબ આપવા માટે ટેવાયેલું હોય છે. જ્યારે આપણા સ્માર્ટફોનની સ્ક્રીન પર કોઈ નોટિફિકેશન ઝબકે છે ત્યારે એ મગજમાં એક જટિલ પ્રક્રિયા શરૂ કરે છે. આ અનિશ્ચિતતા કે ‘મેસેજમાં શું જવાબ આવ્યો હશે?’ અથવા ‘કોણે મને યાદ કર્યો હશે?’ એ મગજની રિવૉર્ડ અને થ્રેટની સિસ્ટમને એકસાથે સક્રિય કરી દે છે. આ એક એવી વિચિત્ર સ્થિતિ છે જ્યાં એક તરફ કંઈક નવું જાણવાનો ઉત્સાહ કે આનંદ હોય તો બીજી તરફ કંઈક મહત્ત્વનું ચૂકી જવાનો કે સમયસર જવાબ ન આપી શકવાનો ડર અને બેચેની પણ હોય છે. આ બન્ને વિરોધાભાસી સંવેદનાઓ આપણને એક એવા ચક્રમાં ધકેલી દે છે જેને મનોવિજ્ઞાનની ભાષામાં અતિ સતર્કતા કહેવામાં આવે છે. આ ચક્રમાં ફસાયા પછી વ્યક્તિની સ્થિતિ એવી થઈ જાય છે કે તે કોઈ ચોક્કસ હેતુ વગર કે ઇચ્છા ન હોવા છતાં પણ વારંવાર ફોન ચેક કરવા માટે મજબૂર બને છે. આ જુગારની લત જેવું છે. જેમ એક જુગારી પોતાને રોકી શકતો નથી અને બસ એક છેલ્લી વાર કહીને પોતાનું નસીબ અજમાવવા માગે છે એવી જ રીતે આપણું મગજ પણ એ અનિશ્ચિતતાના વશમાં થઈને વિચારે છે કે ચાલ એક વાર ચેક તો કરી લઉં કે અંદર શું છે. આ અનિશ્ચિતતા જ એ ચુંબક છે જે આપણને વારંવાર સ્ક્રીન તરફ ખેંચે છે. આ કોઈ સામાન્ય આદત નથી પરંતુ મગજમાં સર્જાયેલું એક એવું મનૌવૈજ્ઞાનિક ચક્ર છે જે આપણી એકાગ્રતાને તોડી નાખે છે અને આપણને સતત માનસિક તનાવમાં રાખે છે. આમ જે નોટિફિકેશન આપણને દુનિયા સાથે જોડવા માટે હતાં એ જ આજે આપણી માનસિક શાંતિને હણી રહ્યાં છે. આપણને એક એવા ડિજિટલ બંધનમાં બાંધી રહ્યાં છે જ્યાંથી બહાર નીકળવું સ્વજાગૃતિ વગર અશક્ય છે.
સંબંધો પર અસર
નોટિફિકેશન ઍન્ગ્ઝાયટી ફક્ત વ્યક્તિગત નહીં પણ સંબંધોમાં પણ તનાવ લાવે છે. ડિજિટલ યુગમાં આપણે દુનિયાના લાખો લોકો સાથે જોડાયેલા છીએ, પણ કદાચ આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે ડિસ્કનેક્ટ થઈ રહ્યા છીએ. જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હો અને અચાનક ફોન વાગે ત્યારે તમે સામેવાળી વ્યક્તિને અવગણીને ફોન ચેક કરવા લાગો છો. આનાથી સામેવાળી વ્યક્તિને એવું લાગે છે કે તમારા માટે તેમના કરતાં ફોનનું નોટિફિકેશન વધારે મહત્ત્વનું છે. આ આદત ધીરે-ધીરે પરસ્પર સન્માન ઘટાડે છે. મેસેજ જોયા પછી પણ તરત રિપ્લાય ન આપવો એ આજે ઝઘડાનું મોટું કારણ બની ગયું છે. મેસેજ સીન થઈ ગયો છે છતાં જવાબ કેમ નથી? આ પ્રશ્ન સંબંધોમાં વિશ્વાસને બદલે શંકા જન્માવે છે. આપણે ભૂલી જઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ કદાચ કોઈ કામમાં કે માનસિક સ્થિતિમાં ન પણ હોય. રાત્રે ડિનર ટેબલ પર કે બેડરૂમમાં પણ જ્યારે ફોન સતત વાગતો રહે છે ત્યારે શારીરિક રીતે સાથે હોવા છતાં માનસિક રીતે બન્ને વ્યક્તિઓ અલગ-અલગ દુનિયામાં હોય છે. નોટિફિકેશન જોવાની ઉતાવળ ક્વૉલિટી ટાઇમને ખતમ કરી નાખે છે. આપણને નોટિફિકેશન દ્વારા તરત જવાબ મેળવવાની એવી આદત પડી ગઈ છે કે આપણે સંબંધોમાં ધીરજ ગુમાવી રહ્યા છીએ. જો પાર્ટનર થોડો મોડો જવાબ આપે તો મન નકારાત્મક વિચારો કરવા લાગે છે જે ઍન્ગ્ઝાયટીમાં વધારો કરે છે.
ઉપાય શું?
નોટિફિકેશન ઍન્ગ્ઝાયટીમાંથી બહાર નીકળવું એટલે સ્માર્ટફોન વાપરવાનું છોડી દેવું એવું નથી, પણ એનો ઉપયોગ આપણા કાબૂમાં લેવો એવો છે.
માત્ર મહત્ત્વની ઍપ્સનાં નોટિફિકેશન જ ચાલુ રાખો. મહત્ત્વની ન હોય એ ઍપ્સનાં નોટિફિકેશન બંધ રાખો. જ્યારે તમે ફ્રી હો ત્યારે જાતે ઍપ ખોલીને ચેક કરવાનું રાખો.
સતત આવતાં નોટિફેક્શનને જોવાને બદલે એક સમય નક્કી કરો. દિવસના ચોક્કસ સમયે જ નોટિફિકેશન જોવાનું રાખો. આનાથી તમારા મગજને ખબર હશે કે ક્યારે જવાબ આપવાનો છે. એટલે એ બાકીના સમયે રિલૅક્સ રહી શકશે.
તમારા મોબાઇલને ગ્રે સ્કેલ મોડમાં ફેરવી દો. એનાથી જે ઍપ્સ સામાન્ય રીતે લાલ, વાદળી, લીલા, પીળા જેવા તેજસ્વી રંગોમાં દખાય છે એ બધું ગ્રે કલરમાં દેખાવા લાગે છે. જ્યારે સ્ક્રીન પર રંગો નહીં હોય ત્યારે તમારું મગજ ઓછું ડોપમીન રિલીઝ કરશે અને તમને વારંવાર ફોન ચેક કરવાની ઇચ્છા નહીં થાય.
ઘણી વાર આપણે ફોન માત્ર સમય જોવા માટે અનલૉક કરીએ છીએ પણ હોમ સ્ક્રીન પર ઍપ જોઈને સીધું એના પર ક્લિક કરી દઈએ છીએ. એટલે સોશ્યલ મીડિયા ઍપ્સને હોમ સ્ક્રીન પરથી હટાવીને છેલ્લા પેજ પર અથવા કોઈ ફોલ્ડની અંદર મૂકી દો. જે વસ્તુ આંખ સામે ઓછી દેખાય એની લાલચ પણ ઓછી રહે.
ઊઠતાની સાથે જ પહેલી ૨૦ મિનિટ ફોન ન અડો. તમારા દિવસની શરૂઆત નોટિફિકેશનના દબાણથી નહીં પણ શાંતિથી કરો. રાત્રે સૂવાના એક કલાક પહેલાં નોટિફિકેશન બંધ કરી દો અને ફોનને ડૂ નૉટ ડિસ્ટર્બ મોડમાં મૂકી દો. આનાથી ઊંઘ વધુ સારી આવશે અને સવારે ઊઠતી વખતે ઍન્ગ્ઝાયટી પણ ઓછી અનુભવાશે.
અઠવાડિયામાં એક દિવસ અથવા દિવસના અમુક કલાક ‘નો ફોન ઝોન’ નક્કી કરો. રવિવારના થોડા કલાકો ફોનને ઘરના કોઈ ખૂણે મૂકી દો. કુદરત સાથે સમય વિતાવો અથવા પુસ્તક વાંચો. મગજને નોટિફિકેશનના ડોપમીન વગર જીવવાની આદત પાડો.
નોટિફિકેશનના ઍન્ગ્ઝાયટીના ચક્રને તોડવા માટેનો સૌથી શક્તિશાળી રસ્તો છે સભાનતાનો એક નાનકડો વિરામ. જ્યારે પણ ફોન વાગે અને તમારો હાથ કુદરતી રીતે જ ફોન તરફ જાય ત્યારે બે સેકન્ડ થોભો અને પોતાને પૂછો, શું હમણા જોવું જરૂરી છે? આ આદત તમારા મગજની ઑટોમૅટિક પ્રતિક્રિયાને તોડવાનું પહેલું પગલું છે.
