તીખી વાનગી મોંમાં મૂકતાં જ નાકમાંથી પાણી વહેવા લાગે છે? શરદી ન હોવા છતાં આવું થવાનું કારણ મરચાંની તીખાશ અને શરીરની કુદરતી પ્રતિક્રિયા સાથે જોડાયેલું છે
પ્રતીકાત્મક તસવીર
તીખો કે મસાલેદાર ખોરાક ખાતી વખતે નાકમાંથી પાતળું પાણી વહેવા લાગે તો આ સ્થિતિને ગસ્ટેટરી રાઇનાઇટિસ કહેવામાં આવે છે. આ નૉન-ઍલર્જિક રાઇનાઇટિસનો એક પ્રકાર છે એટલે કે આ પ્રતિક્રિયા સામાન્ય રીતે ખોરાકની ઍલર્જીને કારણે નહીં પરંતુ ચેતાતંત્ર ઉત્તેજિત થવાને કારણે થાય છે. કેટલાક લોકોમાં તીખો ખોરાક ખાધા પછી તરત જ નાક વહેવા લાગે છે, જ્યારે કેટલાકને આવો અનુભવ થતો નથી. આ તફાવત વ્યક્તિની સંવેદનશીલતા પર આધાર રાખે છે.
મરચામાં કૅપ્સેઈસિન નામનું એક રાસાયણિક તત્ત્વ હોય છે જે એની તીખાશ માટે જવાબદાર છે. જ્યારે આ તીખું તત્ત્વ તમારી જીભ અને મોંના સંપર્કમાં આવે છે ત્યારે એ ત્યાં આવેલી ટ્રાઇજેમિનલ નસને સક્રિય કરે છે. આ નસ મગજને સંકેત મોકલે છે કે મોંમાં કંઈક ગરમ અથવા બળતરા પેદા કરે એવું આવ્યું છે. મગજ આ તીખાશને એક બાહ્ય હુમલા તરીકે જુએ છે. શરીર એ તીખા તત્ત્વને બહાર કાઢવા અથવા એને શાંત કરવા માટે તરત જ નાકની અંદર આવેલી શ્ળેષ્મ ગ્રંથિઓને વધુ પ્રમાણમાં મ્યુકસ (પ્રવાહી) બનાવવાનો આદેશ આપે છે. આ પ્રવાહી વધુ માત્રામાં બનવાને કારણે નાકમાંથી પાણી વહેવા લાગે છે અને ક્યારેક આંખમાંથી પણ પાણી આવી જાય છે.
ADVERTISEMENT
તીખો ખોરાક ખાતી વખતે માત્ર નાકમાંથી પાણી વહેવું અને ખાવાનું પૂરું થયા પછી લક્ષણો ઘટી જવાં એ સામાન્ય રીતે ગસ્ટેટરી રાઇનાઇટિસની નિશાની હોઈ શકે છે. મોટા ભાગના કિસ્સામાં આ ગંભીર સમસ્યા નથી. જોકે ખોરાક ખાધા પછી શરીર પર ચકામાં પડવાં, હોઠ કે જીભ સૂજી જવી, ગળામાં તકલીફ થવી કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી જેવાં લક્ષણો દેખાય તો એને સામાન્ય પ્રતિક્રિયા માનીને અવગણવાં નહીં. આ ખોરાકની ગંભીર ઍલર્જીનાં લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક મેડિકલ હેલ્પ લેવી જરૂરી છે.
જમતી વખતે નાકમાંથી પાણી વહેતું હોય તો શું કરવું?
૧. તીખાશનું પ્રમાણ ઘટાડો : જે ખોરાક ખાધા પછી વારંવાર નાક વહેવાની સમસ્યા થાય છે એમાં મરચાં અને તીખા મસાલાનું પ્રમાણ ઘટાડીને જુઓ. જરૂર પડે તો ઓછા તીખા વિકલ્પો પસંદ કરો.
૨. ટિશ્યુ પેપર સાથે રાખો : જમતી વખતે નાકમાંથી પાણી વહે તો નરમ ટિશ્યુ પેપર કે સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરો.
૩. સેલાઇન નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરો: સાદા ખારા પાણીથી બનેલું સેલાઇન નેઝલ સ્પ્રે નાકની અંદર ભેજ જાળવવામાં અને એની સફાઈ કરવામાં મદદ કરી શકે છે.
૪. સમસ્યા વારંવાર થતી હોય તો ડૉક્ટરની સલાહ લો : ભોજનમાં તીખાશ ખટાડ્યા પછી પણ જો જમતી વખતે નાકમાંથી સતત પાણી વહેવાને કારણે અસુવિધા થતી હોય અથવા રોજિંદા જીવન પર અસર પડતી હોય તો નાક-કાન-ગળાના નિષ્ણાતની સલાહ લેવી.
