વેડિંગ સીઝનમાં છૂટથી વપરાઈ રહેલી દસ મિનિટમાં લાલચટક કલર આપતી ઇન્સ્ટન્ટ મેંદી લગાડતાં પહેલાં આટલું વાંચી જાઓ
પ્રતિકાત્મક તસવીર
લગ્નસરા રંગેચંગે શરૂ થઈ ગઈ છે અને લોકો દોડાદોડી અને વ્યસ્તતા વચ્ચે કલાકો સુધી સુકાવવી પડતી અને એ પછીયે રંગની ખાતરી ન આપતી ટ્રેડિશનલ મેંદીને બદલે આજકાલ બજારમાં તૈયાર મળતી પેસ્ટવાળી ઇન્સ્ટન્ટ મેંદી તરફ વળ્યા છે ત્યારે એના દ્વારા કેમિકલ રીઍક્શન અને સેન્સિટિવ સ્કિનને લૉન્ગ ટર્મ ઍલર્જિક રીઍક્શન પણ થઈ શકે છે એ વાત આજે જાણી લો.
ફરક શું?
ADVERTISEMENT
પરંપરાગત મેંદી સામાન્ય રીતે લોસોનિયા ઇનર્મિસ એટલે કે હેનાનાં સૂકવેલાં પાન પીસીને એમાં પાણી, લીંબુનો રસ, નીલગિરિનું તેલ, ચા પત્તીનું પાણી વગેરે ભેળવીને બનાવી શકાય છે; જ્યારે તરત જ લાલ અને ગાઢ રંગ આપતા પાઉડરને PPD (p-phenylenediamine) નામના કેમિકલ દ્વારા બનાવવામાં આવે છે.
શું-શું થઈ શકે?
આ કેમિકલ સ્કિન માટે જોખમી છે પ્લસ એ કોઈ પણ રીતે જો મોં વાટે પેટમાં એન્ટર થાય તો સ્ટમક અપસેટ કરવાનું કામ કરે છે અને એનું વધુપડતું એક્સપોઝર અન્ય બીમારીઓને પણ નિમંત્રણ આપી શકે છે. અમેરિકાની ફૂડ ઍન્ડ ડ્રગ પર નિયંત્રણ રાખતી સંસ્થા અને કૅન્સર અસોસિએશને જલદી રંગ આપતી ઇન્સ્ટન્ટ મેંદી અથવા ટૅટૂઝ સામે ચેતવણી આપી છે. PPD કેમિકલ સ્કિન પર રૅશિઝ, ખંજવાળ, ફોલ્લી થવી, ચામડી બળી જવી અને લાંબા ગાળાની ઍલર્જી આપે એવા કેસ નોંધાયા છે.
તો કઈ મેંદી પસંદ કરવી?
- શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ, વિશ્વસનીય બ્રૅન્ડની નૅચરલ હેના કોન અથવા ઘરે જ બનાવેલી મેંદી પસંદ કરવી.
- ‘એક કલાકમાં ડાર્ક કલર’ જેવા આકર્ષક દાવા કરતી પ્રોડક્ટથી તો ખાસ અંતર રાખવું.
- પહેલેથી સ્કિન-ઍલર્જી, અસ્થમા, એક્ઝિમા જેવી સમસ્યા હોય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને જ મેંદીનો ઉપયોગ કરવો.


