આમ તો આ ગડગડાટ સામાન્ય છે અને સ્વસ્થ પાચનતંત્રની નિશાની છે, પણ ક્યારે ચેતવા જેવું છે એ જાણી લેવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
આપણામાંથી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે ક્યારેય પેટમાં થતા ગુડગુડ જેવા અવાજનો અનુભવ ન કર્યો હોય. સામાન્ય રીતે આપણે માની લઈએ છીએ કે પેટ હવે ખાવાનું માગી રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે આ અવાજ પાછળ એક જટિલ શારીરિક પ્રક્રિયા જવાબદાર છે?
પેટમાં ગડગડાટ કેમ થાય છે?
ADVERTISEMENT
પેટમાંથી આવતા આ અવાજો મોટા ભાગે પાચનની કોઈ સમસ્યા નથી પરંતુ આંતરડાની સામાન્ય હિલચાલ છે. તબીબી ભાષામાં આ અવાજને બોર્બોરિગ્મી કહેવામાં આવે છે. જ્યારે આપણાં આંતરડાં સંકોચાય છે ત્યારે એ ગૅસ અને પ્રવાહીને આગળ ધકેલે છે. આ પ્રક્રિયા દરમિયાન ગૅસ અને પ્રવાહીના મિશ્રણથી આંતરડાની દીવાલ પર ધ્રુજારી પેદા થાય છે, જે આપણને બહાર અવાજ તરીકે સંભળાય છે.
આ અવાજ કેમ અને ક્યારે વધુ સંભળાય?
ઉપવાસ કે ખાલી પેટે : જ્યારે આપણે કલાકો સુધી કંઈ ખાધું ન હોય ત્યારે પાચનતંત્ર એની સફાઈપ્રક્રિયા શરૂ કરે છે. આ સમયે આંતરડાના મજબૂત સંકોચન દ્વારા વધારાનો કચરો અને ગૅસ સાફ કરવામાં આવે છે જેનો અવાજ ઘણો મોટો હોઈ શકે છે.
જમ્યા પછી : ઘણા લોકોને જમ્યા પછી પણ પેટ બોલતું હોય એવું લાગે છે. આ એક એકદમ સામાન્ય બાબત છે. જમ્યા પછી આંતરડાં ખોરાકને પચાવવા માટે એને મિક્સ કરે છે અને આગળ ધકેલે છે. જો તમે ખૂબ ઝડપથી જમ્યા હો અથવા જમતી વખતે હવા ગળી ગયા હો તો પેટમાં ગૅસનું પ્રમાણ વધવાથી આ અવાજો વધુ તીવ્ર બની શકે છે.
શારીરિક બાંધો : જે લોકો પાતળા હોય છે તેમને આ અવાજ વધુ સ્પષ્ટ સંભળાય છે. એનું કારણ એ છે કે તેમના પેટના સ્નાયુઓ અને ચામડી વચ્ચે ચરબીનું પડ ઓછું હોય છે. ચરબી એક રીતે સાઉન્ડપ્રૂફિંગનું કામ કરે છે. જેમનામાં આ પડ પાતળું હોય તેમના આંતરડાની હિલચાલનો અવાજ બહાર વધુ સ્પષ્ટ રીતે સંભળાય છે.
ક્યારે આ અવાજ ચિંતાનો વિષય બની શકે?
મોટા ભાગના કિસ્સાઓમાં પેટનો ગડગડાટ સામાન્ય છે અને એ સ્વસ્થ પાચનતંત્રની નિશાની છે, પરંતુ જો આ અવાજની સાથે નીચે મુજબનાં લક્ષણો દેખાય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
પેટમાં સતત કે અસહ્ય દુખાવો.
વારંવાર ઊલટી થવી.
પેટ સતત ફૂલેલું રહેવું.
ઝાડા અથવા સખત કબજિયાત.
મળમાં લોહી આવવું.
કોઈ પણ કારણ વગર વજન ઘટવું.
ભૂખ્યા પેટે પેટ બોલે તો ગભરાવાની જરૂર નથી, એ તમારા શરીરની કુદરતી સફાઈપ્રક્રિયાનો એક ભાગ છે, પરંતુ જો એની સાથે શરીરમાં કોઈ પણ પ્રકારની અગવડ અનુભવાય તો એને અવગણશો નહીં.
