Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > મોટી ઉંમરે મોટાં પરાક્રમ જૂજ લોકો કરે, આ બે જણ એ રૅર કૅટેગરીના નીકળ્યા

મોટી ઉંમરે મોટાં પરાક્રમ જૂજ લોકો કરે, આ બે જણ એ રૅર કૅટેગરીના નીકળ્યા

Published : 16 March, 2026 12:46 PM | IST | Mumbai
Alpa Nirmal

૫૮ વર્ષના બિઝનેસમૅન અને ૪૭ વર્ષનાં ટીચર સર કરી આવ્યાં છે વિશ્વનો ચોથો ઊંચો પર્વત કિલિમાન્જારો

માઉન્ટ કિલિમાન્જારો પર તિરંગો લહેરાવતાં મુકેશ હરિયા અને ભાવના રાજગોર

માઉન્ટ કિલિમાન્જારો પર તિરંગો લહેરાવતાં મુકેશ હરિયા અને ભાવના રાજગોર


૫૮ વર્ષના બિઝનેસમૅન અને ૪૭ વર્ષનાં ટીચર સર કરી આવ્યાં છે વિશ્વનો ચોથો ઊંચો પર્વત કિલિમાન્જારો : જિંદગીના પહેલવહેલા પર્વતારોહણ વખતે જ હાથમાં પાણી લઈને ફરી ટ્રેકિંગ ન કરવાની પ્રતિજ્ઞા કરનારા મુકેશ હરિયાએ રેગ્યુલર કસરતથી શરીરને એવું કસ્યું કે ૪૦ વર્ષ પહેલાં જોયેલું સપનું પૂરું કરી શક્યા. એ જ રીતે ૨૦ વર્ષથી એનીમિયાનાં લક્ષણોથી પરેશાન ભાવના રાજગોરે મન અને તન ખડક જેવાં ખડતલ કર્યાં અને લગ્ન પહેલાં છોડેલી ટ્રેકિંગની જર્ની ફરી શરૂ થઈ

આફ્રિકા ખંડના ટાન્ઝાનિયામાં આવેલો કિલિમાન્જારો વિશ્વનો એકમાત્ર સ્ટૅન્ડ-અલોન માઉન્ટન છે, મીન્સ આ પર્વતની હારમાળા નથી. ૪૦ લાખ વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાંથી ઉદ્ભવેલા લાવાથી બનેલા આ પર્વતને ભૂવિજ્ઞાનમાં સ્ટ્રેટોવૉલ્કેનો કહે છે. ૧૯,૩૪૧ ફુટની ઊંચાઈ ધરાવતો આ ડુંગર વર્લ્ડનો ફોર્થ હાઇએસ્ટ પર્વત છે. ટેક્નિકલી કિલિમાન્જારોની ચઢાઈ હિમાલય કે સાઉથ અમેરિકાના ઍન્ડીઝ માઉન્ટન્સ જેટલી ચૅલેન્જિંગ ન ગણાય; પણ અધિક ઊંચાઈ, ઓછું તાપમાન અને ખાસ તો અહીંની તેજ હવા અનુભવી ટ્રેકર્સ માટે પણ કઠિન બની રહે છે. એમ છતાં દર વર્ષે ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ માઉન્ટનપ્રેમી લોકો કિલિમાન્જારો સર કરવાનો પ્રયત્ન કરે છે.



આ વર્ષે મુંબઈના બે ગુજરાતીઓ પણ કિલિમાન્જારોનું આરોહણ કરવામાં સફળ થયા છે અને ગૌરવની વાત તો એ છે કે જે ઉંમરે મોટા ભાગનાં ભાઈ-બહેનો આરામ કરવાનું પસંદ કરે, કમ્ફર્ટેબલ-લક્ઝરી ટૂર્સમાં ફરવાનું પ્રિફર કરે એ ટાઇમે તેમણે ટ્રેકિંગ કરવાનું શરૂ કર્યું છે. ૫૮ વર્ષના મુકેશ હરિયા અને ૪૭ વર્ષનાં ભાવના રાજગોરે ધુળેટીની સવારે માઉન્ટ કિલિમાન્જારો સર કર્યો હતો. ૨૬ ફેબ્રુઆરીએ તેઓ મુંબઈથી ઊપડ્યાં હતાં અને ૨૮ તારીખે ટ્રેકિંગ ચાલુ કરેલું. સામાન્ય રીતે આ ટ્રેક ૬ દિવસનો હોય છે પણ ભારે વરસાદ, થન્ડરસ્ટૉર્મને કારણે તેમણે એક દિવસ જલદી ૪ માર્ચે પોતાનું મિશન પૂરું કરી લીધું હતું.


આ જવાનીના શોખ છે, આ ઉંમરે ન કરાય

કુદરતનું સાંનિધ્ય ગમે છે એ વિચારે ૫૪ વર્ષની ઉંમરે હર કી દૂન (ઉત્તરાખંડ)ના ટ્રેકિંગમાં જોડાયેલા મુકેશ હરિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘૫૩-૫૪ વર્ષનો હતો અને અચાનક એક દિવસ મને થયું કે પોણા ભાગની જિંદગી વીતી પણ ગઈ અને મેં શું કર્યું? ધંધો, પરિવાર, બાળકો, પૈસા આ બધાં પાછળ એટલો બધો સમય ચાલ્યો ગયો કે ઉંમર વધી રહી છે એની ખબર જ ન રહી. આવું મનોમંથન ચાલી રહ્યું હતું ત્યાં વૉટ્સઍપ પર એક મેસેજ વાંચ્યો કે ‘હર કી દૂન’નું ટ્રેકિંગ ઊપડવાનું છે અને બંદાએ કોઈ પણ પ્રકારની ટ્રેઇનિંગ કે અનુભવ વગર એમાં નામ લખાવી દીધું. સાથે મારા હમઉમ્ર મિત્રને પણ જોડ્યો કે મને કંપની રહે. ટ્રેકના આયોજકે મને પૂછ્યું કે ફિટનેસ કેવી છે? એનો જવાબ આપ્યો - ફર્સ્ટ ક્લાસ; મને નથી ડાયાબિટીઝ, નથી બ્લડપ્રેશર.’


 અને પર્વતારોહણનો ‘પ’ પણ ન જાણતા બેઉ મિત્રો હર કી દૂનના ટ્રેક પર ઊપડી ગયા. એ ટ્રેકમાં તેમની સાથે બીજા ૧૯ લોકો હતા જે બધા ૧૭થી ૨૩ વર્ષની ઉંમરના હતા. ડિસેમ્બરની ટાઢમાં આ નવા નિશાળિયાઓ ચડવા-ઊતરવામાં બધાથી છેલ્લે રહી જતા. વાતનો દોર સાધતાં મુકેશભાઈ કહે છે, ‘એમાં એક દિવસ અમે બે મિત્રો જંગલમાં અટવાઈ ગયા. થાક તો હતો અને ભૂખ પણ લાગી હતી. ત્યારે મારી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું અને મારા મિત્ર દીપકની મેં માફી માગી કે તને હું હેરાન કરવા અહીં લઈ આવ્યો. એ જ ઘડીએ મેં હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા લીધી કે ભાઈ, આ જવાનીનો શોખ છે, હવે કદી ટ્રેકિંગ નહીં કરું.‘

ઇલેક્ટ્રિક સ્વિચના રૉ મટીરિયલની સપ્લાયનું બહોળું કામકાજ કરતા મુકેશભાઈ આગળ કહે છે, ‘એ પછી મારા પાડોશીના કહેવાથી તેમની સાથે વહેલી સવારે જુહુ બીચ જવાનું શરૂ કર્યું. ત્યાં ઉષા પટેલ દ્વારા ચાલતા ફ્રી ઍરોબિક્સમાં જોડાયો. એમાં મને એવી મજા આવવા લાગી કે મારું રહેવાનું અંધેરીમાં ડી. એન. નગરમાં, કામકાજ વસઈમાં. સવારથી રાત બિઝનેસની માથાકૂટમાં જાય તોય હું થાકું નહીં. શરીરમાં સ્ફૂર્તિ લાગતી, મૂડ ફ્રેશ રહે. આ રૂટીન લાંબો સમય ચાલ્યું અને ફરી એક દિવસ વૉટ્સઍપમાં વૅલી ઑફ ફ્લાવર્સ અને હેમકુંડ સાહિબના ટ્રેકનો મેસેજ મળ્યો અને ૪૦ વર્ષ પહેલાં જોયેલું સપનું સળવળ્યું.’

યસ, મુકેશભાઈએ ૪૦ વર્ષ પહેલાં ગુજરાતી અખબારમાં વૅલી ઑફ ફ્લાવર્સ વિશે વાંચ્યું હતું. એ સાથે જ આ સ્થળની શોધ કરનાર સ્ત્રીની કબર પણ અહીં છે એ પણ વાંચ્યું હતું. મુકેશભાઈ કહે છે, ‘જવાનીના એ દિવસોમાં આ લેખ વાંચીને એવો અભિભૂત થઈ ગયો હતો કે મનોમન નક્કી કર્યું હતું કે એક દિવસ પેલાં અંગ્રેજ મૅડમની કબર જોવા જઈશ. અરે, મેં એ પેપરનું કટિંગ પણ સાચવી રાખ્યું હતું.’

પછી પેલી પ્રતિજ્ઞાનો વીંટો વાળ્યો અને મુકેશભાઈ વૅલી ઑફ ફ્લાવર્સના ટ્રેક પર ગયા. તેઓ ગ્રુપમાં સૌથી સિનિયર હોવા છતાં દરેકથી અગ્રેસર રહેતા અને સ્પેશ્યલી માર્ગરેટ મૅડમની ગ્રેવ પર અઢી કિલોમીટર એક્સ્ટ્રા ચાલીને એકલા ગયા. મુકેશભાઈ કહે છે, ‘ત્યાં ફરી એક વાર હું રડ્યો, પણ એ આંસુ ખુશીનાં હતાં.’

એ પછી મુકેશભાઈ રુપિન પાસ (હિમાચલ), કુંવારી પાસ (ઉત્તરાખંડ), એવરેસ્ટ બેઝ કૅમ્પનો ટ્રેક પણ કરી આવ્યા અને આ વર્ષે કિલિમાન્જારો સર કર્યો.

આ ટ્રેક માટે કોઈ સ્પેશ્યલ ટ્રેઇનિંગ લીધી હતી? એના જવાબમાં મુકેશભાઈ કહે છે, ‘ટ્રેક પર જતા પહેલાં દોઢ મહિના પહેલાંથી સવારે જુહુ બીચ પર વહેલી સવારે સાડાચારથી ૬ વાગ્યા સુધી દોડતો, પછી ઍરોબિક્સ અને એ પછી એક કલાક ફાસ્ટ વૉક. ઘરે આવી ફ્રેશ થઈને કામકાજ માટે વસઈ અને સાંજે વસઈથી આવીને મારા બિલ્ડિંગના ૧૬ માળ ૪ વાર ચડું. આ હતી મારી સ્પેશ્યલ ટ્રેઇનિંગ. નો જિમ, નો સ્પેશ્યલ એક્સરસાઇઝ કે નો એક્સ્ટ્રા પ્રોટીન. જમવામાં બે ટાઇમ બાજરાનો રોટલો હતો મારો પ્રોટીનનો સોર્સ.’

કિલિમાન્જારો વખતે કોઈ કટોકટી આવી હતી? એના જવાબમાં બે દીકરીના પિતા મુકેશભાઈ કહે છે, ‘મને નવી જગ્યાએ ઊંઘ નથી આવતી એટલે ટ્રેકિંગ શરૂ કર્યાના પાંચ દિવસથી સરખી નીંદર નહોતી થઈ. અમારે જે દિવસે સમિટ કરવાની હતી ત્યારે અમે આગલા પડાવથી બપોરે કિબો હટ આવ્યા. જમીને આરામ કરવાનો હતો, પરંતુ મને નીંદર ન આવી. સાંજે સાત વાગ્યે ડિનર અપાયું અને કહેવાયું કે પાછા સૂઈ જાઓ, રાત્રે ૧૧ વાગ્યે આપણે સમિટ માટે નીકળીશું. શરીરમાં ભરપૂર થાક હતો, થોડો તાવ પણ ચડ્યો હતો; પણ શહેરી માણસને સાંજે ૭ વાગ્યે ક્યાંથી ઊઘ આવે? આમતેમ ટાઇમ પાસ કર્યો અને રાત્રે શિખર ચડવાનું શરૂ કર્યું. એક તો રાતનો ટાઇમ, ઠંડો પવન અને ભરપૂર થાક. મારી આંખ ઘેરાવા લાગી. મને એવી ઊંઘ આવે કે મેં લીધેલી બે લાકડી પર માથું મૂકીને હું ઊભો-ઊભો સૂઈ જઉં. ત્યારે અમારા ટૂર-ગાઇડ કેવલ કક્કાએ કહ્યું કે આવું થવું નૅચરલ છે; પણ તમે ઊભા ન રહો, ધીરે-ધીરે ચાલ્યે રાખો. જોકે ઊંઘે જબરદસ્ત કબજો જમાવી દીધો હતો એટલે ૯૦ ટકા ચઢાણ થઈ ગયું હતું તો પણ મેં તેને કહ્યું કે મારે પાછા જવું છે, હું આગળ નહીં આવું. ત્યારે કેવલે મને સમજાવ્યો કે દુનિયાની ૮૦૦ કરોડ લોકોની વસ્તીમાં ફક્ત થોડા ટકા લોકો કિલિમાન્જારો સર કરે છે; તમારે કઈ યાદીમાં રહેવું છે, સર કરનારાઓની કે અહીં ન આવનારાઓની? આટલું કહીને તે આગળ નીકળી ગયો. જોકે તેની વાત મને ટચ કરી ગઈ. વળી સવાર પડી ગઈ હતી. સૂરજદાદાએ પોતાનાં કિરણો પૃથ્વી પર વિખેરી દીધાં હતાં. કૉફી પીને મેં શરૂ કર્યું અને દોઢ કલાકમાં બાકીના અઢી કિલોમીટર પૂરા કર્યા અને કિલિમાન્જારોના હાઇએસ્ટ પીક પર તિરંગો લહેરાવ્યો.’

હવે તારે ડુંગરાઓ ચડીને શું કરવું છે?

ભાંડુપ-વેસ્ટમાં રહેતાં ભાવના રાજગોરે ટ્રેકિંગ શરૂ કર્યા પછી આવાં વાક્યો ઘણી વખત સાંભળ્યાં છે. ફોનેટિક અને ઇંગ્લિશ ગ્રામરનું કોચિંગ કરતાં ભાવનાબહેન કહે છે, ‘લગ્ન પહેલાં મેં નાના-મોટા ટ્રેક્સ કર્યા હતા. મને પહેલેથી માઉન્ટન્સનો મોહ હતો. પર્વત ચડવો મને બહુ એક્સાઇટિંગ લાગતું. જોકે લગ્ન પછી ટ્રેકિંગ બંધ થઈ ગયું. ઘર પછી બાળકની સંભાળમાં નીકળાતું નહોતું અને એ પછી મને શારીરિક ઇશ્યુ શરૂ થઈ ગયા. મને એટલો હેવી રક્તસ્રાવ થતો કે મારું હીમોગ્લોબિન છથી સાતની વચ્ચે રહેતું. એને કારણે શરીરમાં કાયમ અશક્તિ અને થાક રહે. મારે બારે મહિના આયર્નની ગોળીઓ, ઇન્જેક્શન લેવાં પડે. આવી પરિસ્થિતિ એક-બે નહીં, પૂરાં વીસ વર્ષ રહી. ફાઇનલી પોસ્ટ-કોવિડ મારે ગર્ભાશય કઢાવવાની સર્જરી કરાવવી પડી અને એ પછી શરીરમાં અન્ય વ્યાધિ ન આવે એ માટે ડૉક્ટરોના કહેવાથી મેં એક્સરસાઇઝ શરૂ કરી.’

એનાથી ભાવનાબહેનનું શરીર એવું મજબૂત થયું કે અગાઉ અડધો કલાક ચાલે ત્યાં થાકી જતાં ભાવનાબહેને હાફ મૅરથૉન દોડી અને બહુ ઓછા સમયમાં પૂરી પણ કરી.

તબિયત સારી થઈ, તાકાત આવી એટલે ૪૪ વર્ષની ઉંમરે ભાવનાબહેનનો ટ્રેકિંગનો શોખ જાગ્યો અને તેમણે તથા તેમના હસબન્ડે પર્વતારોહણની શરૂઆત સહ્યાદ્રિનાં નાનાં-મોટાં શિખરોથી કરી. ભાવનાબહેન ‘મિડ-ડે’ને કહે છે, ‘એ પછી અન્ય ટ્રેક્સ પણ કર્યા અને ફાઇનલી એવરેસ્ટ બેઝ કૅમ્પનું આરોહણ કર્યું. એવરેસ્ટ બેઝ કૅમ્પ પણ હાઈ ઍલ્ટિટ્યુડ ટ્રેક છે. એમાં મને કોઈ તકલીફ ન થઈ એટલે કિલિમાન્જારોનું આકર્ષણ થયું અને મેં એની તૈયારી શરૂ કરી. આ ગાળામાં મને મિત્રો અને સંબંધીઓ બહુ કહેતા કે હવે રિલૅક્સ રહે, આરામ કર, ડુંગરા ચડીને તારે શું કરવું છે?’

જોકે ભાવનાબહેનનો ટાર્ગેટ હતો કિલિમાન્જારો. આથી એના આરોહણ માટે તેમણે સ્વિમિંગ, જૉગિંગ સાથે દાદરા ચડવાની પણ સખત કસરત કરી. ભાવનાબહેન કહે છે, ‘એવરેસ્ટ બેઝ કૅમ્પમાં ચાલવાનું વધુ છે. રૂટ લાંબો છે, જેમાં મોટા ભાગે ચાલવાનું આવે છે; જ્યારે કિલિમાન્જારોમાં સ્ટીપ ચડાણ છે એટલે તમારી બૉડીને ચડવાની આદત હોવી જરૂરી છે. હું બિલ્ડિંગના માળ ચડતી. એની સંખ્યા ધીરે-ધીરે વધારતાં ૫૦ સુધી પહોંચી ગઈ. એક દિવસમાં ૫૦ માળ ચડતી અને આ આદતે મારી કિલિમાન્જારો સમિટ ઈઝી કરાવી.’

ભાવનાબહેન અને મુકેશભાઈ તથા કોચ કેવલ કક્કાએ મરંગુ ગેટથી કિલિમાન્જારોનો ટ્રેક શરૂ કર્યો હતો. આ પર્વત ચડવાના કુલ ૭ રૂટ છે, જેમાં મરંગુ સૌથી લેન્ધી છે. એ જ રીતે અહીં ૩ પીક છે : ગિલમન્ડ પૉઇન્ટ, સ્ટેલા પૉઇન્ટ અને ઉહરુ પૉઇન્ટ. આ ત્રિપુટીએ પહેલો રાતવાસો મંડારા, બીજી નાઇટ હોરમ્બો અને ત્રીજું સ્ટૉપ કિબો હટ કર્યું. કિબો હટથી સમિટ પુશ કરવાની અને એ માટે રાત્રે ચડવાનું હોય છે, કારણ કે રાત્રે પવનની ગતિ મધ્યમ હોય. ભાવનાબહેન કહે છે, ‘અમે ખડી ચઢાઈ, હાઈ ઍલ્ટિટ્યુડ અને ક્રેઝી ઠંડીમાં ટ્રેક કરીને બપોર સુધીમાં કિબો પહોંચ્યા અને રાત સુધી રેસ્ટ કરીને રાત્રે ૧૧ વાગ્યે સમિટ કરવા નીકળી પડ્યા. એ રાત્રે પૂનમ હતી. ફુલ મૂન, ચારે બાજુ શુભ્ર બરફ. વળી તમે ધરતીથી આટલી ઊંચાઈએ અને ચન્દ્રથી આટલા નજીક હો. આ દૃશ્ય જીવનભર ભુલાશે જ નહીં. ગાઇડના શબ્દો પોલે-પોલે (સ્વાહિલીમાં સ્લોલી મૂવ અહેડ) સાંભળતા અમે બેબી-સ્ટેપ ભરતાં-ભરતાં ચડી રહ્યાં હતાં. જોકે રાતે બે વાગતાં મને એટલી ઊંઘ આવે કે આંખ ખુલ્લી જ ન રહે. થાક તો હતો જ, સાથે ઑક્સિજનની પણ કમી. એટલે હું ડ્રાઉઝી ઝોનમાં રહી. છતાં સતત ચડવાનું ચાલુ રાખ્યું. સવારે સાડાપાંચ વાગ્યે સનરાઇઝ થયો અને મારામાં જાણે ચેતન આવી ગયું. અમે બહુ જલદી ઉહરુ પૉઇન્ટ જે હાઇએસ્ટ છે ત્યાં પહોંચી ગયા અને ફોટો પડાવ્યો. ફરી પાછું એ જ ઉતરાણ. નીચે કિબો અને એનાથીયે નીચે હોરમ્બો આવ્યા. ૨૪ કલાકથી ઓછા ટાઇમમાં અમે પચીસ કિલોમીટરનો ટ્રેક કર્યો એ તનને તો થકવી ગયું, પણ મારા મનમાં પેલા પોલે-પોલે શબ્દ અંકાઈ ગયા છે. હવે મેં મારો પેસ સ્લોડાઉન કરી નાખ્યો છે.’

માઇટી માઉન્ટન તમને ધૈર્ય રાખવાનું શીખવે છે એમ જણાવીને ભાવનાબેન કહે છે, ‘કુદરતનું આ વિરાટ ક્રીએશન તમને અડગ રહેવાના, સ્થિર રહેવાના પાઠ ભણાવે છે. હવેથી મેં નક્કી કર્યું છે કે નો મોર લક્ઝરી હૉલિડેઝ નાઓ. હવે ટાઇમ મળે એટલે ટ્રેકિંગ, બસ ટ્રેકિંગ.’

જોખમ કેવાં?

દરેક માઉન્ટનની જેમ કિલિમાન્જારોનું ચડાણ કરતા પર્વતારોહકોને HACE (હાઈ ઍલ્ટિટ્યુડ સેરિબ્રલ એડિમા એટલે કે ઑક્સિજનની કમીથી મસ્તકમાં સોજો), HAPE (હાઈ ઍલ્ટિટ્યુડ પલ્મનરી એડિમા એટલે કે ફેફસાંમાં તરલ પદાર્થ જામી જવો) તથા હાર્ટ-અટૅક જેવો ખતરો રહે છે. એ સાથે પર્વત પરથી પડી જવાનો પણ મોટો ભય હોય છે. દર વર્ષે અહીં ૩ ટકા માઉન્ટેનિયર્સ સાથે આવી અનિચ્છનીય ઘટના બને છે. રાત્રે કિલિમાન્જારો સમિટ પર તાપમાન માઇનસ ૧૦ સુધી થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 12:46 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK