Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વર્ક ઍન્ડ વૉક

06 May, 2024 08:15 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

રોજ ૪૫ મિનિટ ચાલવાથી પણ શરીરને જરૂરી કસરત મળી રહે છે એવું કહેવાય છે, છતાં આપણી પાસે ચાલવા ન જવાનાં પણ અનેક બહાનાં હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બેઠાડુ જીવનના વિકલ્પરૂપે થોડા સમય પહેલાં સ્ટૅન્ડિંગ વર્ક-સ્ટેશન્સનો ટ્રેન્ડ આવ્યો હતો, હવે એમાં પણ ઍડ્વાન્સમેન્ટ આવ્યું છે અને વૉકિંગ વર્ક-સ્ટેશન થઈ શકે એવાં વૉકિંગ પૅડ્સની બોલબાલા વધી છે. જેમ લૅપટૉપનું મિની વર્ઝન ટૅબ્લેટ્સ કે પૅડ્સ હોય એવું જ ટ્રેડમિલનું મિની વર્ઝન વૉકિંગ પૅડ્સમાં સમાયેલું છે. સોશ્યલ મીડિયામાં એનાં જબરાં ગુણગાન ગવાઈ રહ્યાં છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે આ પૅડ્સના ફાયદા શું છે અને એ વાપરવામાં ક્યાં ધ્યાન રાખવું જેથી ઊલમાંથી ચૂલમાં ન પડાય

બેઠાડુ જીવન કેટલું હાનિકારક છે એ તો હવે જગજાહેર છે છતાં આપણી આળસ કેમેય છૂટતી નથી. રોજ ૪૫ મિનિટ ચાલવાથી પણ શરીરને જરૂરી કસરત મળી રહે છે એવું કહેવાય છે, છતાં આપણી પાસે ચાલવા ન જવાનાં પણ અનેક બહાનાં હોય છે. વર્કિંગ પ્રોફેશનલ હો તો સમય જ નથી મળતો એવું બહાનું હોય, ગૃહિણીઓ કહે કે ઘરનું કામ એટલું હોય છે કે ચાલવા ક્યાં નીકળવું? રિટાયર્ડ અને સિનિયર સિટિઝન્સને ઘરની બહાર ઊબડખાબડ રસ્તાઓ પર ચાલવામાં મુશ્કેલી પડે એટલે કોઈ હાથ પકડીને સાથે આવે તો સારું એવું વિચારીને ન નીકળે. એ ઉપરાંતનાં બીજાં પણ કેટલાંક જનરલ બહાનાં છે - એક, ગરમીમાં અત્યારે ઘરની બહાર નીકળવાનો વિચાર પણ નથી થતો. બીજું, બહાર પ્રદૂષણ કેટલું છે ભઈ! ચોમાસું આવશે ત્યારે કહેશે આટલા કીચડમાં ચાલવું ક્યાં?  આ તમામ બહાનાંઓનો ઉકેલ આપતું એક નવું ડિવાઇસ ફિટનેસ ઇન્ડસ્ટ્રીના ઑનલાઇન માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. એ છે વૉકિંગ પૅડ. 

શું છે આ વૉકિંગ પૅડમાં?
નવ હજારથી પચાસ હજાર સુધીમાં જાતજાતનાં ફીચર્સવાળાં વૉકિંગ પૅડ્સ મળે છે જે ટ્રેડમિલના મિની વર્ઝન જેવાં છે. ટ્રેડમિલમાં તમે વિવિધ પેસમાં વૉક, બ્રિસ્ક વૉક અને રન કરી શકો છો. પેસમાં વધઘટ પણ કરી શકો અને તમારા હાર્ટરેટને પણ મૉનિટર કરી શકો, જ્યારે આ વૉકિંગ પૅડમાં મધ્યમ ગતિની વૉક જ કરી શકાય. વધુમાં વધુ કલાકના છ કિલોમીટરની ઝડપે જ ચાલી શકાય. સ્પીડ વૉકિંગ કે રનિંગ માટે આ પૅડ નથી. જો કોઈને હેવી કાર્ડિયો-એક્સરસાઇઝ કરવી છે તો એ પણ આમાં ન થાય. ટૂંકમાં લૅપટૉપમાં તમે બધાં જ કામો કરી શકો, પણ ટૅબ્લેટમાં તમે સીમિત મર્યાદાનું જ કામ કરી શકો. એવી જ રીતે આ વૉકિંગ પૅડ માત્ર મીડિયમ પેસ વૉકિંગ માટે જ છે. કૉમ્પૅક્ટ અને વજનમાં પ્રમાણમાં હલકું હોવાથી મુંબઈનાં ઘરોમાં આરામથી ખૂણામાં સમાઈ શકે એવું પણ છે. 



કેટલું કામનું?
ઇન્ટરનેટ પર ધૂમ મચાવતાં આવાં ડિવાઇસ ખરેખર આપણને એક્સરસાઇઝ માટે કામ આવી શકે એમ છે કે નહીં એ વિશે જરાક નિષ્ણાત પાસેથી જાણીએ. કાંદિવલીનાં અનુભવી ફિઝિયોથેરપિસ્ટ અને ફિટનેસ એક્સપર્ટ ડૉ. ઈશા દેઢિયા કહે છે, ‘કોરોના વખતે બધાની ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી ગયેલી. એ પછી હજીયે કેટલાય લોકો એવા છે જેમની ફિઝિકલ ઍક્ટિવિટી પહેલાં જેવી નથી થઈ. આપણે જો સ્વીકારતા હોઈએ કે સામાન્ય હેલ્થ જાળવવા માટે લોકોએ દસ હજાર સ્ટેપ્સ ચાલવું જોઈએ તો એક કૅટેગરી એવી છે જે લોકો વૉકિંગનો આ આંકડો પણ અચીવ નથી કરી શકતા. આ કૅટેગરીના લોકો માટે વૉકિંગ પૅડ્સ જરૂર કામનાં છે. મિનિમમ ઍક્ટિવિટી જાળવવાથી ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેલ્થ આપમેળે સુધરશે. હાઇપરટેન્શન, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ જેવાં પૅરામીટર્સ બૉર્ડર પર હોય તો વૉકિંગ પૅડ્સ પર ચાલવાથી એ દરેક પેરામીટરમાં પણ ફરક જોવા મળશે, પ્રોવાઇડેડ તમે રોજિંદાં દસ હજાર સ્ટેપ્સ ચાલો.’


એક કાંકરે બે પક્ષી
વૉકિંગ પૅડ્સ વધુ ફેમસ થયાં છે એનું કારણ એ છે કે તમારે કસરત માટે સ્પેશ્યલ સમય ફાળવવો પડે એમ નથી. વૉકિંગ અને વર્કિંગ બન્ને સાથે થઈ શકે એવું આ ડિવાઇસ છે એમ જણાવતાં ડૉ. ઈશા કહે છે, ‘જો તમે ડેસ્ક જૉબ કરો છો તો કામ કરતી વખતે આ વૉકિંગ પૅડ પર ચાલી શકો છો. આ પૅડ્સની પેસ એટલી નૉર્મલ હોય છે કે તમે ચાલતાં-ચાલતાં પણ ડેસ્ક વર્ક કરી જ શકો છો. હું તો કહીશ કે ગૃહિણીઓ તેમનું કિચનનું સાઇડ વર્ક જેમ કે ભાજી ચૂંટવી, શાક સમારવું, લોટ બાંધવો જેવી એક જ જગ્યાએ બેસીને કરવાની પ્રવૃત્તિઓ છે એ આ વૉકિંગ પૅડ્સ પર ચાલતાં-ચાલતાં કરી શકે છે. અનેક વડીલો છે જેઓ ગરમીને કારણે અત્યારે ઘરની બહાર નીકળી નથી શકતા. ઊબડખાબડ રસ્તાઓને કારણે તેઓ જો બહાર ચાલવા જાય તો ઇન્જરી થઈ શકે એવું જોખમ રહે છે. આવા વડીલો માટે પણ વૉકિંગ પૅડ્સ સેફ છે. પગ અને ઘૂંટણની એક્સરસાઇઝ માટે અમે અત્યાર સુધી પગેથી ચલાવવાની સાઇકલની એક્સરસાઇઝ આપતાં, પણ એનાથી માત્ર પગના સ્નાયુઓ અને ઘૂંટણના જૉઇન્ટ્સ પર અસર થતી. એક વાર પગમાં સ્ટ્રેંગ્થ આવી જાય એ પછીથી વડીલો આ વૉકિંગ પૅડ્સ પર ચાલે તો એનાથી બૅલૅન્સ રાખતાં ફાવે છે અને કૉન્ફિડન્ટ્લી ચાલી શકે છે. જેમને કોઈ હેલ્થ કન્ડિશન છે અને ધીમે-ધીમે વૉકિંગની ક્ષમતા વધારવાની છે એવા કોઈ પણ એજના લોકો માટે પણ આ ડિવાઇસ હાથવગું સાબિત થઈ શકે છે.’
આ ગેરફાયદા પણ છે જ

જેમ આ પૅડ્સના ફાયદા છે એમ જો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો મુશ્કેલી પણ સર્જાઈ શકે છે એ બાબતે ધ્યાન દોરતાં ડૉ. ઈશા દેઢિયા કહે છે, ‘વૉકિંગ પૅડ પર ચાલતાં-ચાલતાં જો તમે કામ કરતા હો તો તમારું લૅપટૉપ કે કમ્યુટરની સ્ક્રીન આઇ લેવલ પર હોય એનું ધ્યાન અચૂક રાખવું. વૉકિંગ પૅડ્સની સાથેનું જે વર્ક-સ્ટેશન હોય એ ઍડ્જસ્ટેબલ હાઇટનું રાખવું જરૂરી છે, નહીંતર ગરદન નીચી રાખીને કામ કરવાથી સર્વાઇકલ અને શૉલ્ડરની તકલીફોને આમંત્રણ મળી શકે છે. બીજું, આ ડિવાઇસ ચાલવા માટે જ છે, જો કોઈ એના પર રનિંગની કોશિશ કરે તો એનાથી યોગ્ય પૉશ્ચર મેઇન્ટેન નથી થતું અને એનાથી ઘૂંટણ અને કમર બન્નેને તકલીફ થઈ શકે છે. વડીલો જો આ પૅડ્સ વાપરતા હોય તો તેમણે શરૂઆતમાં પોતાની સામાન્ય ક્ષમતાને ધ્યાનમાં રાખીને શરૂઆત કરવી. ત્રણથી પાંચ મિનિટનો વૉક પણ તેમના માટે કદાચ શરૂઆતમાં પૂરતો થઈ પડે.’


કેટલું વૉકિંગ થઈ શકે?
આમ જુઓ તો દરેક વ્યક્તિની ચાલવાની ક્ષમતા જુદી-જુદી હોય એમ જણાવતાં ડૉ. ઈશા કહે છે, ‘જો માત્ર બેસિક ફિટનેસના પર્પઝથી જ જોઈએ તો દિવસમાં બે વાર ૪૫-૪૫ મિનિટનાં વૉકિંગ સેશન્સ પૂરતાં છે. જો તમે પાંચ કલાક ડેસ્ક પર કામ કરતા હો તો બેઠાડુ જિંદગીમાં ઍક્ટિવિટી ભરવાના હેતુથી પાંચ કલાક ચાલતાં-ચાલતાં કામ કરો એ અતિરેક થઈ જશે. એની આડઅસરો રહેવાની જ.’

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:15 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK