Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વિરાટ કોહલીએ મૅચ વખતે જે ડ્રિન્ક પીધેલું એ પિકલ જૂસ વિશે જાણી લો

વિરાટ કોહલીએ મૅચ વખતે જે ડ્રિન્ક પીધેલું એ પિકલ જૂસ વિશે જાણી લો

Published : 10 February, 2026 03:35 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

રમતગમત દરમિયાન પ્લેયરોના સ્નાયુઓ ખેંચાઈ જવા એ એક સામાન્ય સમસ્યા છે જે સારામાં સારા ખેલાડીની રમત બગાડી શકે છે. આવી સ્થિતિમાં મોંઘા સ્પોર્ટ્‍સ ડ્રિન્ક કરતાં પણ પિકલ જૂસ વધુ અસરકારક સાબિત થાય છે.

પિકલ જૂસ

પિકલ જૂસ


થોડા દિવસો પહેલાં જ સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ દરમિયાન તે એક ડ્રિન્ક પીતો નજરે ચડ્યો હતો. આ ડ્રિન્કનો એક શૉટ લેતાં જ વિરાટ કોહલીના ચહેરાનાં એક્સપ્રેશન બદલાઈ ગયાં હતાં. સોશ્યલ મીડિયા પર કોઈએ આ ડ્રિન્કને કડવી દવા તો કોઈએ એનર્જી ડ્રિન્ક ગણાવ્યું હતું. એ પછી ખબર પડી કે એ પિકલ જૂસ હતો. આ પિકલ જૂસ શું છે, એનાથી શું ફાયદો થાય, એનું સેવન કઈ રીતે કરવું, કેટલું કરવું એ તમામ વિશે ડાયટિશ્યન શર્મિલા મહેતા પાસેથી તેમના જ શબ્દોમાં 
જાણી લઈએ.

વિડિયોમાં જોઈ શકાય છે એમ વિરાટ કોહલી પિકલ જૂસનો એક શૉટ પીએ છે. પિકલ જૂસમાં સોડિયમ અને વિનેગરનું ઊંચું પ્રમાણ હોય છે, જે નર્વસ સિસ્ટમને ક્રૅમ્પ્સ એટલે કે સ્નાયુઓનું ખેંચાણ તરત જ રોકવા માટે સંકેત મોકલે છે. આ શૉટ પીધા પછી વિરાટ બૉટલમાંથી પાણી અથવા ઇલેક્ટ્રોલાઇટ ડિન્ક પીતો જોવા મળે છે જે શરીરને હાઇડ્રેટ રાખવા માટે જરૂરી છે. છેલ્લે તે કેળાનું સેવન કરે છે જે ખેલાડીઓ માટે સુપરફૂડ છે. કેળું તાત્કાલિક કાર્બોહાઇડ્રેટ અને પોટૅશિયમ આપે છે જે સ્નાયુઓના કાર્યમાં મદદ કરે છે અને થાકને દૂર રાખે છે. ક્રિકેટ રમતી વખતે ખેલાડીઓ પરસેવાથી ઘણું સૉલ્ટ ગુમાવે છે. આવી સ્થિતિમાં પિકલ જૂસ સામાન્ય એનર્જી ડ્રિન્કની તુલનામાં વધુ અસરકારક સાબિત થાય છે.



પિકલ જૂસમાં શું છે ખાસ?


એનર્જી ડ્રિન્કની સરખામણીમાં પિકલ જૂસ કઈ રીતે ઝડપી કામ કરે છે એ સમજાવતાં તેઓ કહે છે, ‘સ્પોર્ટ્સ ડ્રિન્ક અથવા એનર્જી ડ્રિન્ક શરીરમાં પહોંચીને પચવા અને લોહીમાં શોષાવા માટે સમય લે છે. બીજી બાજુ પિકલ જૂસમાં રહેલી વિનેગરની ઍસિડિટી અને તેજ, ખારો સ્વાદ મોં અને ગાળામાં આવેલા નર્વ રિસેપ્ટર્સ એટલે કે જ્ઞાનતંતુઓને ઉત્તેજિત કરે છે. આ ઉત્તેજનાના કારણે તરત જ નર્વ્સ મારફત મગજ સુધી સંકેત પહોંચે છે. ત્યાર બાદ મગજ સ્નાયુઓને સંદેશો મોકલે છે કે હવે સંકોચન બંધ કરીને રિલૅક્સ થાઓ. એટલે જ મસલ ક્રૅમ્પ્સ ઝડપથી શાંત થાય છે. પિકલ જૂસમાં સોડિયમ, પોટૅશિયમ અને મૅગ્નેશિયમ ઊંચી માત્રામાં હોય છે. ભારે પરસેવાથી આ ખનિજ તત્ત્વો શરીરમાંથી નીકળી જાય છે, જે ક્રૅમ્પ્સનું મુખ્ય કારણ બને છે. પિકલ જૂસ આ ઊણપને ઝડપથી દૂર કરવામાં મદદ કરે છે. એનર્જી ડ્રિન્ક્સ એનર્જી માટે શુગર અને કૅફિન પર ધ્યાન આપે છે તેમ જ સ્પોર્ટ્સ ડ્રિન્ક્સ હાઇડ્રેશન પર ધ્યાન આપશે, પરંતુ પિકલ જૂસ નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરીને ક્રૅમ્પ માટે એક બૅન્ડએડ જેવી રાહત આપે છે.’

ઘરે કેવી રીતે બનાવશો?


પિકલ જૂસને તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. એ માટે સૌપ્રથમ કાચની એક સાફ જાર લો. એમાં કાકડી, ગાજર, બીટ જેવી શાકભાજીને કાપીને નાખો. એક કપ પાણીમાં એક નાની ચમચી મીઠું ઍડ કરીને સરખી રીતે મિક્સ કરો. એમાં ૧-૨ ચમચી ઍપલ સાઇડર વિનેગર મિક્સ કરો. જારને ઢાંકીને ૧-૨ દિવસ નૉર્મલ રૂમ-ટેમ્પરેચર પર રાખી દો. તમારો પિકલ જૂસ તૈયાર છે. આ જૂસને ફ્રિજમાં રાખો. હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ બાદ ઇલેક્ટ્રોલાઇટ્સની ઊણપ પૂરી કરવા માટે ૧-૨ ચમચીથી શરૂઆત કરવી યોગ્ય છે.

બીજા ફાયદાઓ

પિકલ જૂસ માત્ર મસલ ક્રૅમ્પ્સ માટે જ નહીં પરંતુ શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. પિકલ જૂસમાં રહેલું સોડિયમ શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે, જેના કારણે પરસેવાથી થતી ડીહાઇડ્રેશનની સમસ્યા ઓછી થાય છે. હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, દોડધામ અથવા ગરમીમાં કામ કરવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થાય છે. પિકલ જૂસ આ સંતુલન ફરીથી જાળવવામાં મદદ કરે છે. એમાં રહેલો ઍપલ સાઇડર વિનેગર પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરે છે, જે ખોરાકના પાચનમાં મદદરૂપ બને છે. ગૅસ અથવા બ્લોટિંગમાં રાહત આપે છે. ભોજન પહેલાં અથવા પછી ઓછી માત્રામાં લેવાતો પિકલ જૂસ બ્લડ શુગર લેવલને અચાનક વધતું અટકાવવામાં મદદ કરી શકે છે. મિનરલ્સ અને સોડિયમ શરીરની એનર્જી રીસ્ટોર કરવામાં મદદ કરે છે, જેના કારણે થાક ઓછો લાગે છે અને વર્કઆઉટ પછીની રિકવરી પણ સારી થાય છે. ઉનાળાની ભારે ગરમીમાં પરસેવાથી સૉલ્ટ ઝડપથી ઘટે છે. આવી સ્થિતિમાં પિકલ જૂસ શરીરને જરૂરી સૉલ્ટ પૂરું પાડીને ગરમીને કારણે લાગતા થાક, નબળાઈથી બચવામાં મદદ કરે છે.

ક્યારે અને કેટલી માત્રામાં લેવો?

પિકલ જૂસના સેવન બાબતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે એમાં સોડિયમ ખૂબ વધારે હોય છે. જ્યારે સ્નાયુ ખેંચાય ત્યારે લગભગ ૬૦થી ૯૦ મિલીલીટરનો એક નાનો શૉટ પૂરતો છે. આટલી માત્રા નર્વસ સિસ્ટમને સિગ્નલ મોકલવા માટે પૂરતી છે. જો તમને વારંવાર સ્નાયુઓના ખેંચાણની સમસ્યા હોય તો વર્કઆઉટ કે મૅચની ૧૫-૨૦ મિનિટ પહેલાં પિકલ જૂસનો એક શૉટ લઈ શકાય. પિકલ જૂસને દરરોજ પીવાને બદલે જરૂર પડે ત્યારે પીવો વધુ હિતકારક છે.

પિકલ જૂસ કોણે ન પીવો?

પિકલ જૂસમાં મીઠાનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. શરીરમાં સોડિયમ વધવાથી બ્લડપ્રેશર તરત વધી શકે છે, જે હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે. કિડની શરીરમાંથી વધારાનું સોડિયમ ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો કિડની નબળી હોય અથવા એને લગતી કોઈ બીમારી હોય તો આટલુંબધું સોડિયમ કિડની પર વધારાનું ભારણ વધારે છે. આ જૂસમાં વિનેગર હોય છે એટલે જે લોકોને વારંવાર ઍસિડિટી થતી હોય, પેટમાં બળતરા થતી હોય કે અલ્સરની સમસ્યા હોય તેમની સમસ્યા આ જૂસ પીવાથી વધી શકે છે. વધારે પડતું મીઠું શરીરમાં પાણીને પકડી રાખે છે, જેના કારણે હાથ-પગમાં સોજા આવી શકે છે. લાંબા સમય સુધી અને દરરોજ પિકલ જૂસ પીવાથી શરીરમાં કૅલ્શિયમનું સંતુલન બગડી શકે છે, જે હાડકાંના સ્વાસ્થ્ય માટે સારું નથી. એ સિવાય નાનાં બાળકો, વડીલો અને પ્રેગ્નન્ટ મહિલાઓએ પિકલ જૂસ ન પીવો જોઈએ અથવા પહેલાં ડૉક્ટરની સલાહ લીધા પછી એનો ઉપયોગ શરૂ કરવો જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 03:35 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK