દરદી અને તેના પરિવારજનોને પરેશાન કરી દે છે. આપણે જ્યારે માંદા માણસની ખબર કાઢવા જઈએ ત્યારે થોડી એટિકેટ ફૉલો કરવી જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને લોકોનો સાથ ગમે છે. લોકો મળવા આવે, તેની સાથે વાતો કરે તો સારું લાગે. એથી સગાં-સંબંધી અને મિત્રોએ માંદી વ્યક્તિને મળવા જવું જોઈએ પણ કેટલાક લોકો બીમાર વ્યક્તિને સારું લગાડવાને બદલે માથાનો દુખાવો બની જાય છે. તેઓ દરદી અને તેના પરિવારજનોને પરેશાન કરી દે છે. આપણે જ્યારે માંદા માણસની ખબર કાઢવા જઈએ ત્યારે થોડી એટિકેટ ફૉલો કરવી જરૂરી છે.
દરદીને મળવા જાઓ ત્યારે મોટે-મોટેથી વાતો ન કરવી. મુલાકાતના સમય દરમ્યાન જ જાઓ. ડૉક્ટરે દરદીને આરામ કરવાની સલાહ આપી હોય તો દરદીને મળવાનો અને તેની સાથે વાત કરવાનો આગ્રહ નહીં રાખવાનો અને દરદી ગભરાઈ જાય એવી વાતો નહીં કરવાની. બહુબધી સલાહ નહીં આપવાની દરદીને અને તેના પરિવારજનોને સહાયકર્તા બનવાનું, હકારાત્મક વાતો કરવાની. તેમને કહો કે કાલનો સૂરજ નવો દિવસ લઈને આવશે જે તમારા જીવનને રોશન કરશે. દરદીના ઘેર ખબર કાઢવા જાઓ તો તેમને ત્યાં ચા-પાણી કે નાસ્તો લેવાની ચોખ્ખી ના પાડવાની. કોઈની ખબર પૂછવા જઈએ ત્યારે ત્યાં ખાવાપીવાની અપેક્ષા તો ન જ રાખવી. જો કોઈ સ્નેહીજન હૉસ્પિટલમાં હોય અને તમે ખબર પૂછવા જવાના હો ત્યારે ફોન કરીને જણાવી શકાય કે હું આવું છું તો દરદી અને તેને કંપની આપનાર વ્યક્તિ માટેનું ટિફિન લઈને આવીશ. આમ કરવાથી દરદીના પરિવારજનોને થોડી રાહત થશે. તમારી પાસે જો સમય હોય તો તમે બે-ત્રણ કલાક દરદી પાસે બેસીને ઘરની વ્યક્તિને આરામ કરવા ઘરે મોકલી શકો છો. રાતે દરદી પાસે સૂવા માટે પણ તમે એક-બે વાર કે તમારી અનુકૂળતા મુજબ જઈ શકો છો. આમ કરવાથી પરિવારજનોને મુશ્કેલીના સમયમાં મદદ મળી રહેશે. ફ્રૂટ કે જૂસ અને નાળિયેરપાણી પણ લઈ જઈ શકાય.
ADVERTISEMENT
જો દરદી વાત કરી શકે એમ હોય તો તેની સાથે તેના ગમતા વિષય પર વાત કરો. તેને સંગીત ગમતું હોય તો ગીતો ગાઓ, ભજન કે ધર્મવિષયક રસ હોય તો એ પ્રમાણે ભજન, યમુનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર કે ગીતાજીનો ૧૫મો અધ્યાય બોલો. તેને કહો કે તમે જલદી સારા થઈ જવાના છો; પછી આપણે પિકનિક, પિક્ચર જોવા અને ડિનર માટે જઈશું. આવું કહેવાથી બીમાર વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તે જલદી સાજી થઈ જશે. ‘ગેટ વેલ સૂન’નું કાર્ડ કે તાજાં સરસ ફૂલ દરદીના મનને પ્રસન્નતાથી ભરી દેશે. કોઈ વ્યક્તિ બીમાર હોય કે આર્થિક રીતે પણ પરિવાર ઘસાઈ જતો હોય છે એથી તમે જો સક્ષમ હો તો મદદરૂપ થજો. તો ધ્યાન રાખશોને આ બાબતોનું? -નીલા સંઘવી

