ઘણા ન્યુ પેરન્ટ્સની મૂંઝવણ હોય છે કે તેમના બાળકના દાંતની કૅર ક્યારથી કરવી જોઈએ, હકીકતમાં બાળકને દાંત આવે એ પહેલાંથી જ ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ દુનિયામાં પાંચ વર્ષની ઉંમર પહેલાં જ કરોડો બાળકોના દાંત સડવા લાગે છે. મોટા ભાગે પેરન્ટ્સ એવું વિચારે છે કે દૂધિયા દાંત તો પડી જવાના છે તો અત્યારથી આટલી ચિંતા શું કરવી? આવી માનસિકતા બાળકની ઓરલ હેલ્થને જોખમમાં મૂકી શકે છે. હકીકતમાં દૂધિયા દાંત આવનારા કાયમી દાંત માટેના ગાર્ડિયન હોય છે. જો પાયો કાચો હોય તો ઇમારત કઈ રીતે ટકશે? તેથી દાંતની સંભાળ ક્યારથી લેવી જોઈએ એવો પ્રશ્ન ઘણા પેરન્ટ્સને મૂંઝવતો હોય છે. બાળકના મોઢાની સફાઈ જન્મે ત્યારથી જ મહત્ત્વની છે. ખોરાકના કણો અને દૂધમાં રહેલી શર્કરા પેઢા પર જામી શકે છે, જે લાંબા ગાળે ઇન્ફેક્શનનું કારણ બને છે.
ઘણી વાર દૂધિયા દાંતની અવગણના કરવામાં આવે છે કારણ કે એ ભવિષ્યમાં પડી જવાના હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ દાંત જ જડબાના આકાર અને આવનારા કાયમી દાંતની જગ્યા નક્કી કરે છે. જો નાનપણથી જ યોગ્ય ટૂથપેસ્ટ અને બ્રશિંગની પદ્ધતિ ન અપનાવવામાં આવે તો એ બાળકની પાચનશક્તિ અને બોલવાની ક્ષમતા પર પણ અસર કરી શકે છે. બાળકને દાંત ન આવ્યા હોય ત્યારે પણ દૂધ પીધા પછી તેનાં પેઢાંને નરમ અને ભીના સુતરાઉ કાપડથી હળવેથી સાફ કરવા જોઈએ. આનાથી બૅક્ટેરિયા જામતા નથી. જેવો પહેલો દાંત દેખાય સામાન્ય રીતે ૬થી ૧૦ મહિનાની ઉંમરમાં નરમ બ્રશનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. પહેલો દાંત આવે અથવા બાળક એક વર્ષનું થાય ત્યારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી હિતાવહ છે.
ADVERTISEMENT
ટૂથપેસ્ટની પસંદગી કેવી રીતે કરવી?
માર્કેટમાં બાળકો માટે જોઈએ એવી રંગબેરંગી અને ફ્લેવર્ડ ટૂથપેસ્ટ મળે છે, પણ એની પસંદગી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફ્લોરાઇડ દાંતના ઉપરના પડ એટલે કે ઇનૅમલને મજબૂત બનાવે છે અને સડો અટકાવે છે. ત્રણ વર્ષથી નાનાં બાળકો માટે ચોખાના દાણા જેટલી જ ટૂથપેસ્ટ વાપરવી. ત્રણથી છ વર્ષનાં બાળકો માટે વટાણાના દાણા જેટલી માત્રા પૂરતી છે. બાળકને બ્રશ કરવામાં મજા આવે એ માટે બબલગમ અથવા ફ્રૂટ ફ્લેવરવાળી પેસ્ટ પસંદ કરી શકાય, જેથી તેમને બ્રશ કરવું ફન ઍક્ટિવિટી લાગે.
બ્રશ કરવાની સાચી રીત અને ટિપ્સ
હંમેશાં અલ્ટ્રાસૉફ્ટ બ્રિસલ્સવાળું અને નાનું હેડ ધરાવતું બ્રશ પસંદ કરો. બાળકને બ્રશ કરાવતી વખતે કોઈ ગીત ગાઓ અથવા તેને અરીસા સામે ઊભું રાખીને બ્રશ કરાવો એટલે તેને મજા આવે. બાળકો નકલ કરવામાં હોશિયાર હોય છે. જો તે તમને રોજ બ્રશ કરતાં જોશે તો તે જાતે જ પ્રેરિત થશે. સવારે ઊઠ્યા પછી અને રાત્રે સૂતાં પહેલાં આ નિયમ ક્યારેય ચૂકવો નહીં. રાત્રે બ્રશ કર્યા પછી બાળકને દૂધ કે અન્ય ગળી વસ્તુ ન આપવી. ઓરલ હેલ્થ માટે માત્ર બ્રશિંગ પૂરતું નથી. વધુપડતી ચૉકલેટ, સ્ટિકી ફૂડ અને રાત્રે બૉટલથી દૂધ પીવાની આદત દાંતમાં સડો પેદા કરી શકે છે. બાળકને જમ્યા પછી પાણી પીવાની અને કોગળા કરાવવાની આદત પાડો.


